રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગ સેશન બાદ સપ્તાહનાની શરૂઆતમાં ભારતીય શેરબજારમાં અંદાજીત ૧૫૦૦ પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો, જો કે અમેરિકાના ચૂંટણી પરિણામમાં ડોનાલ્ડ ટ્રમ્પની લીડને ધ્યાનમાં લેતાં ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી આકર્ષક ઉછાળો જોવા મળ્યો હતો. સાથે સાથે લોકલ ફંડો – સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં અવિરત ખરીદી કરતાં અને ખાસ સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ થકી રિટેલ રોકાણકારોની હિસ્સેદારી મ્યુચ્યુઅલ ફંડોમાં વધતાં આ ફંડોના શેરોમાં મોટાપાયે રોકાણના પરિણામે તેજી જોવા મળી હતી, જો કે સપ્તાહના અંતે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજયનો ઉન્માદ ઓસરતા ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલાઈ ગયો હતો.
ટ્રમ્પ સત્તા પર આવતાંની સાથે ચાઈના, ભારત સહિત પર આંકરા ટેરિફનું યુદ્વ છેડશે એવી શકયતા અને બીજી તરફ ચાઈના મેગા સ્ટીમ્યુલસ પગલાં લેવાની તૈયારીમાં હોવાના સંકેતે ભારતીય શેરબજારમાંથી ફોરેન ફંડોએ વધુ હેમરિંગ કરી મોટું ઓફલોડિંગ કરતાં ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકાની ફેડ રિઝર્વે પણ ફરી એક વખત વ્યાજના દરોમાં ઘટાડો કર્યો હતો. અગાઉ સપ્ટેમ્બરમાં ૫૦ બેઝિસ પોઈન્ટના ઘટાડા બાદ ફરી ફેડ રિઝર્વે વ્યાજના દર ૦.૨૫% ઘટાડ્યા છે. ચાર વર્ષ બાદ પ્રથમ વખત ફેડે સપ્ટેમ્બરમાં વ્યાજના દર ઘટાડી ૪.૭૫% કર્યા હતો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ડીઆઈઆઈની આક્રમક ખરીદીને પગલે ભારતીય ઈક્વિટીસમાં ડીઆઈઆઈ તથા એફપીઆઈના રોકાણ હિસ્સા વચ્ચેનો તફાવત ઘટી સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઓલ ટાઈમ લો પહોંચી ગયો હતો. જો કે ઓકટોબર માસમાં એફપીઆઈના રૂ.૯૪૦૧૭ કરોડના નેટ આઉટફલો તથા ડીઆઈઆઈના રૂ.૧,૦૭,૨૫૫ કરોડના નેટ ઈન્ફલોને ધ્યાનમાં લેવામાં આવે તો એનએસઈ શેરોના રોકાણ હિસ્સાનું અંતર હજુ વધુ ઘટયું હોવાનું કહી શકાય એમ છે. નવેમ્બર માસમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. આમ ભારતીય ઈક્વિટીસમાં રોકાણમાં એફપીઆઈ કરતા ડીઆઈઆઈ આગળ નીકળી જવાની તૈયારીમાં છે. ફન્ડ હાઉસોના રોકાણને પગલે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોના એકંદર રોકાણમાં વધારો જોવાયો છે. નેશનલ સ્ટોક એકસચેન્જ પર લિસ્ટેડ શેરોમાં ઘરેલું મ્યુચ્યુઅલ ફન્ડસનો રોકાણ હિસ્સો જે જૂન ત્રિમાસિકમાં ૯.૧૮% હતો તે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સાધારણ વધી ૯.૪૫% રહ્યો હતો.
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં મ્યુચ્યુઅલ ફન્ડોમાં રૂ.૮૯૦૩૮ કરોડનો જંગી નેટ ઈન્ફલોસ રહ્યો હતો જેને કારણે તેમના ઈક્વિટી રોકાણમાં વધારો જોવા મળ્યો છે. ડીઆઈઆઈમાં એકંદર ઈન્ફલો સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રૂ.૧,૦૩,૬૨૫ કરોડ રહ્યો હતો જેને પરિણામે એનએસઈ શેરોમાં તેમનો રોકાણ હિસ્સો વધી ૧૬.૪૬% સાથે ઓલ ટાઈમ હાઈ જોવાયો છે. બીજી બાજુ વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો પણ ૧૭.૩૯% પરથી સાધારણ વધી ૧૭.૫૫% રહ્યો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં એફઆઈઆઈનો પ્રાઈમરી માર્કેટમાં ઈન્ફલો રૂ.૩૦૩૪૯ કરોડ અને સેકન્ડરીમાં રૂ.૯૭૪૦૮ કરોડ રહ્યાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં આક્રમક ખરીદીને પરિણામે તેના હિસ્સામાં વધારો થતાં ભારતીય ઈક્વિટીસમાં એફઆઈઆઈ તથા ડીઆઈઆઈના રોકાણ હિસ્સા વચ્ચેનો તફાવત ઘટી ૧.૦૯% સાથે ઓલ ટાઈમ લો પર આવી ગયો છે.
મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૧૮૬.૨૮ કરોડની ખરીદી, મે ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૫૭૩૩.૦૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૮૬૩૩.૧૫ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૦૭,૨૫૪.૬૮ કરોડની ખરીદી તેમજ ૦૭ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧૨૨૬૫.૭૪ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૫૬૯૨.૧૯ કરોડની વેચવાલી, મે ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૨૨૧૪.૨૮ કરોડની વેચવાલી, જુન ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૭.૪૭ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૧૪,૪૪૫.૮૯ કરોડની વેચવાલી તેમજ ૦૭ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧૬૪૪૫.૪૯ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા…
મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પે ચાર વર્ષના ગાળા બાદ બીજી વખત અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળનો અનુભવ બાકીના વિશ્વને ખુશ થવાનું કારણ આપતો નથી. આર્થિક મોરચે, ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં વચન આપ્યું હતું કે તેઓ આક્રમક વેપાર નીતિઓને પ્રોત્સાહન આપશે અને ચીની વસ્તુઓ પર ૬૦% અને અન્ય દેશો પર ૧૦% ડયૂટી લાદશે. ટેક્સમાં કાપનું પણ વચન આપવામાં આવ્યું છે અને તેનાથી બજેટ ખાધ વધી શકે છે. તેનાથી મોંઘવારીનું દબાણ સર્જાશે અને માંગ અને યુએસ અર્થતંત્રને અસર થશે. વિશ્વની અર્થવ્યવસ્થા પણ તેનાથી દુર નહીં રહે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વર્ષોથી મજબૂત રહ્યા છે. પરંતુ ટ્રમ્પના બીજા કાર્યકાળની તાત્કાલિક આર્થિક અસર શું થશે તે કહેવું અધરૂં છે. ઉચ્ચ ટેરિફ નિકાસને અસર કરી શકે છે. આ સિવાય ઇં૧ઇ વિઝા પોલિસી કડક થવાના કારણે આઈટી ઉદ્યોગને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ચીન પર સંભવિત ઊંચા ટેરિફ ચોક્કસપણે ભારત માટે એક તક હોઈ શકે છે. હવે જોવાનું એ રહે છે કે ભારત નવી પરિસિ્થતિનો કેવી રીતે સામનો કરે છે.
ટ્રમ્પનો બીજો કાર્યકાળ ભૂરાજનીતિ માટે પણ સકારાત્મક જણાતો નથી. રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને પુતિન પ્રત્યે ટ્રમ્પની તરફેણ અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન એટલે કે નાટો પ્રત્યેની તેમની ઉદ્ધતાઈપૂર્ણ ભૂમિકા શસ્ત્રો માટે નાટો પર નિર્ભર યુક્રેન માટે ખરાબ સમાચાર હોઈ શકે છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેના તેમના સંબંધો એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે અમેરિકાએ ૨૦૧૭માં જેરુસલેમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપી હતી. ટુંકમાં ટ્રમ્પની મજબૂત જીત આર્થિક મંદી, સંઘર્ષો અને ક્લાઇમેટ ચેન્જના પડકારોનો સામનો કરી રહેલા વિશ્વમાં અનિશ્ચિતતામાં વધારો કરશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧)વોલ્ટાસ લિમિટેડ (૧૭૪૬) : ટેકનિકલ ચાર્ટ મુજબ આ ફયુચર સ્ટોક રૂા.૧૭૧૭ ના પ્રથમ સપોર્ટથી ખરીદવાલાયક…!! હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેકટરનો આ સ્ટોક રૂા.૧૭૬૩ થી રૂા.૧૭૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(ર)સિપ્લા લિમિટેડ (૧૫૯૭) : આ સ્ટોક રૂા.૧૫૭૦ નો પ્રથમ અને રૂા.૧૫૪૭ નો બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે મધ્યમગાળે રૂા.૧૬૧૩ થી રૂા.૧૬૨૦ નો ભાવ દર્શાવે તેવી શકયતા છે…!!
(૩)એક્સિસ બેન્ક (૧૧૬૫) : ૬૨૫ શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા. ૧૧૩૭ નો પ્રથમ તેમજ રૂા.૧૧૨૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડિંગલક્ષી રૂા.૧૧૭૭ થી રૂા.૧૨૦૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪)ટાટા કેમિકલ (૧૧૦૧) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૧૩૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૧૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૦૮૮ થી રૂા.૧૦૭૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૧૬૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
(પ) JSW સ્ટીલ (૯૯૯) : રૂા.૧૦૨૩ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૂા.૧૦૩૦ ના સ્ટોપલોસે વેચાણલાયક…!! ટૂંકાગાળે રૂા.૯૭૩ થી રૂા.૯૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૦૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૬) SBI કાર્ડસ (૬૯૬) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૭૧૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૭૨૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૬૮૦ થી રૂા.૬૭૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૭૨૭ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧)કોમ્પ્ટન ગ્રીવ્ઝ (૩૮૦) : અ/ઝ+૧ ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૩૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૩૬૪ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૩૯૪ થી રૂા.૪૦૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૪૧૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૨)એલટી ફુડસ (૩૭૪) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૩૬૪ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૩૫૫ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૩૯૩ થી રૂા.૪૦૪નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)હિન્દુસ્તાન પેટ્રોલિયમ (૩૮૦) : રૂા.૩૬૭ નો પ્રથમ તેમજ રૂા.૩૬૦ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૩૯૪ થી રૂા.૪૦૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!
(૪)ભારત ઈલેક્ટ્રોનિક્સ (૨૯૦) : એરોસ્પેસ એન્ડ ડિફેન્સ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૩૦૮ થી રૂા.૩૧૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૨૮૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
(૫) BHEL (૨૩૩) : રૂા.૨૨૩ નો પ્રથમ તેમજ રૂા.૨૧૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી હેવી ઇલેકટ્રિકલ ઇકિવપમેન્ટ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૨૪૭ થી રૂા.૨૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૬)બજાજ કન્ઝયુમર (૨૧૬) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૨૦૬ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૨૩૩ થી રૂા.૨૪૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭)ગેઇલ ઇન્ડિયા (૧૯૮) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૧૮૮ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૨૧૫ થી રૂા.૨૨૪ ના સંભવિત ભાવની શકયતા છે…!!
(૮) JTL ઇન્ડસ્ટ્રીઝ (૧૯૬) : ટેકનિકલ ચાર્ટ મુજબ આર્યન એન્ડ સ્ટીલ પ્રોડકટસ સેકટરનો આ સ્ટોક રૂા.૧૮૮ આસપાસ રોકાણકારે રૂા.૨૧૪ થી રૂા.૨૨૦ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૧૭૪ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧) BCPL રેલવે ઇન્ફા. (૮૮) : સિવિલ કન્સ્ટ્રકશન સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૧૦૩ થી રૂા.૧૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૮૦ ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!
(૨)ગેટવે ડિસ્ટ્રીપાર્કસ (૮૦) : ડિલેવરીબેઇઝ રોકાણકારે લોજિસ્ટિકસ સોલ્યુશન પ્રોવાઇડર સેકટરના આ સ્ટોકને રૂા.૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૯૩ થી રૂા.૧૦૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!
(૩)મોરપેન લેબોરેટરી (૮૦) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા. ૭૩ નો પ્રથમ તેમજ રૂા.૬૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! ફાર્મા સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૮૮ થી રૂા.૯૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪) MMTC લિમિટેડ (૭૩) : રૂા.૬૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યમગાળે રૂા.૭૮ થી રૂા.૮૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
ગુજરાતે જીડીપી ગ્રોથમાં યોગદાન મામલે બાજી મારી… માથાદીઠ આવક મામલે મહારાષ્ટ્રને પાછળ છોડ્યું…!!
દેશના જીડીપી ગ્રોથમાં યોગદાન આપવામાં મહારાષ્ટ્ર અને ગુજરાત અવ્વલ રહ્યું છે. જો કે,છેલ્લા એક દાયકામાં મહારાષ્ટ્ર વૃદ્ધિ મામલે પ્રથમ વખત નબળુ પડ્યું છે. જ્યારે ગુજરાતે આ મામલે બાજી મારી હોવાનું ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલ દ્વારા જારી કરવામાં રિસર્ચ પેપરમાં જાણવા મળ્યું છે.ભારતના જીડીપી ગ્રોથમાં મહારાષ્ટ્રનું યોગદાન છેલ્લા એક દાયકામાં ૨.૧% ઘટ્યું છે. જ્યારે ગુજરાતનું જીડીપી યોગદાન ૨૦૧૦-૧૧માં ૭.૫%થી વધી ૨૦૨૩-૨૪માં ૮.૧%થયુ છે.માથાદીઠ આવક મામલે ગુજરાતે મહારાષ્ટ્રને પાછળ પાડ્યું છે. ૧૯૬૦થી માંડી ૨૦૧૦-૧૧ સુધી મહારાષ્ટ્રની માથાદીઠ આવક ગુજરાત કરતાં હંમેશા સૌથી વધુ રહી છે. પરંતુ છેલ્લા એક દાયકામાં ગુજરાતે આ મામલે મહારાષ્ટ્રને પાછળ પાડી માથાદીઠ આવક વધી ૧૬૦.૭%થઈ છે. જ્યારે મહારાષ્ટ્રમાં ૧૫૦%નોંધાઈ છે. ઉલ્લેખનીય છે, ૧૯૬૦માં મહારાષ્ટ્રમાં માથાદીઠ આવક ૧૩૩.૭%અને ગુજરાતની માથાદીઠ આવક ૧૧૮.૩% હતી. મહારાષ્ટ્રનું જીડીપી યોગદાન ૨૦૧૦-૧૧માં ૧૫.૨%હતું. જે ૨૦૨૦-૨૧માં ૧૩%અને ૨૦૨૩-૨૪માં ૧૩.૧%નોંધાયું છે. જ્યારે ગુજરાતનું જીડીપી યોગદાન ૨૦૧૦-૧૧માં ૭.૫%હતું. જે ૨૦૨૦-૨૧માં ૮ % અને ૨૦૨૩-૨૪માં ૮.૧%થયું છે. જો કે, જીડીપી યોગદાન મામલે દેશમાં હજી પણ મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે.
ઓક્ટોબર માસમાં રોકડ અને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડો નોંધાયો…!!
સેબીની કડકાઈ અને એક બાદ એક ચેતવણી બાદ ઓક્ટોબરમાં રોકડ અને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડો નોંધાયો છે. બેંચમાર્ક સૂચકાંકોમાં માર્ચ,૨૦૨૦ પછીનો સૌથી મોટો માસિક ઘટાડો જે મહિને નોંધાયો તે જ મહિને વોલ્યુમમાં ઘટાડો રોકાણકારો સાવધ બન્યા હોવાનો સંકેત છે.
એનએસઈ અને બીએસઈ પર કેશ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ ૧૨.૪%ઘટીને રૂ.૧.૧૪ લાખ કરોડ થયું છે. એપ્રિલ મહિના બાદનું આ સૌથી નીચલું સ્તર છે. જૂનમાં રૂ.૧.૬૫ લાખ કરોડની ઊંચી સપાટીએ પહોંચ્યા પછી રોકડમાં સરેરાશ દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ ૩૦% થી વધુ ઘટી ગયું છે.ઇન્ટ્રાડે ટ્રેડિંગ સાથે સંકળાયેલા જોખમો અંગે સેબીની ચેતવણી બાદ કેશ સેગમેન્ટના વોલ્યુમમાં આ ઘટાડો થયો છે. જુલાઈમાં સેબીના અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું હતું કે ૭૧% ઇન્ટ્રાડે સોદામાં નુકસાન થયું હતું.
ઓક્ટોબરમાં નિફ્ટી ૬.૨૨% તો નિફ્ટી મિડકેપ ૧૦૦ અને સ્મોલકેપ ૧૦૦ અનુક્રમે ૬.૭% અને ૩% ઘટયા હતા. અનેક શેરમાં મસમોટું ધોવાણ જોવા મળતા અનેક રોકાણકારોએ ટ્રેડિંગ એક્ટિવિટીઓ બંધ કરી દીધી હતી. ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટમાં પણ સરેરાશ દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ ૩.૫%ઘટીને રૂ.૫૧૮ લાખ કરોડ થયું છે. ડેરિવેટિવ્ઝ વોલ્યુમ્સ સપ્ટેમ્બરની ટોચેથી સામાન્ય જ ઘટયું છે, પરંતુ આગામી મહિનામાં ૨૦થી ૩૦% સુધી ઘટવાની શક્યતા છે કારણ કે ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ પર સેબીના કડક નિયમો હવે અમલમાં આવશે.
૨૦ નવેમ્બરથી એનએસઈ અને બીએસઈ એક્સચેન્જ પર એક જ ઈન્ડેકસમાં સાપ્તાહિક એક્સપાયરીની મંજૂરી છે. બંને એક્સચેન્જોએ નિફ્ટી બેન્ક, નિફ્ટી મિડકેપ સિલેક્ટ, નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ અને બીએસઇ બેન્કેક્સના સાપ્તાહિક ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ બંધ કરવાની જાહેરાત કરી છે. આ સિવાય ઈન્ડેક્સ ડેરિવેટિવ્ઝ માટે કોન્ટ્રાક્ટનું કદ પણ ત્રણ ગણું થઈ રહ્યું છે. આ સિવાય ઓપ્શન પ્રીમિયમનું એડવાન્સ કલેક્શન અને પોઝિશન લિમિટનું ઇન્ટ્રાડે મોનિટરિંગ આવતા વર્ષથી અમલમાં આવતા વાયદા બજારમાં થઈ રહેલા ગાંડાતૂર સોદા પર અંકુશ લાગશે.
અમેરિકા અને ચીન વચ્ચે ૪ વર્ષના ગાળા બાદ ફરી ટ્રેડ વોર શરૂ થવાની શકયતા…!!
અમેરિકાના ૪૭માં પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ હવે નિશ્ચિત બનતા અમેરિકા અને ચીન વચ્ચે ચાર વર્ષના ગાળા બાદ ફરી ટ્રેડ વોર શરૂ થવાની શકયતા જોવાઈ રહી છે.પોતાના ચૂંટણી પ્રચારમાં ડોનાલ્ડ ટ્રમ્પે અનેક વેળા ચીન સામે વેપાર પગલાંની ચીમકી ઉચ્ચારી હતી. ડોનાલ્ડ ટ્રમ્પની આ ચીમકીનેજોતા ચીન સામે હવે વેપાર, ટેકનોલોજી તથા સિક્યુરિટીનામુદ્દે જોખમ તોળાઈ રહ્યા છે. તાજેતરના પોતાના રિપોર્ટમાં બાર્કેલેસે જણાવ્યું હતું કે, જો ટ્રમ્પ ફરી સત્તા પર આવશે તો,ચીન સાથે સંપૂર્ણ સ્તરની ટ્રેડ વોર જોવા મળશે અને ચીને મોટા રાહત પેકેજ જાહેર કરવાની ફરજ પડશે. ટેકનોલોજીસ તથા પૂરવઠા સાંકળને વિખૂટા પાડવામાં ટ્રમ્પ ઝડપ કરશે તેવી પણ ચીનને ચિંતા છે. આમ થશે તો ચીનનો આર્થિક વિકાસ દર જોખમમાં મુકાશે એમ એક અન્ય રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું. ૨૦૨૩માં ચીન ખાતેથી અમેરિકામાં ૫૦૧.૨૨ અબજ ડોલરના માલસામાનની નિકાસ જોવા મળી હતી. ચીન ખાતેથી અમેરિકામાં થતી નિકાસ પર ૬૦% થી વધુ ટેરિફસ ઝિંકવાની અને વેપાર માટેચીનના મોસ્ટ ફેવર્ડ નેશનનો અંત લાવવાની પણ પોતાની દરખાસ્ત હોવાનું ટ્રમ્પે પ્રચારમાં જણાવ્યું હતું. પ્રમુખપદ સંભાળ્યા બાદ ટ્રમ્પની સૂચિત પગલાંને ધ્યાનમાં રાખી ચીનના સત્તાવાળા પોતાના અર્થતંત્રને ટકાવી રાખવા વધુ સ્ટીમ્યુલ્સ જાહેર કરે તેવી વકી છે. વિદેશી રોકાણકારોને આકર્ષવા ચીન તરફથી આ પગલાં આવવાની શકયતા છે.
તહેવારો નિમિત્તે ઓટો રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૩૨% જેટલો નોંધપાત્ર વધારો…!!
તહેવારો નિમિત્તે માંગ નીકળતા ઓકટોબરમાં દેશમાં ઓટો રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૩૨% જેટલો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જ્યારે સપ્ટેમ્બરની સરખામણીએ આવધારો ૬૪% છે.ગયા મહિને ઓટોમાં ખાસ કરીને ટુ વ્હીલર્સ તથા ઊતારૂ વાહનો માટેની માગમાં વધારો જોવા મળ્યો હતો એમ ફેડરેશન ઓફ ઓટો મોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના સુત્રોએ જણાવ્યું હતું. રિટેલ વેચાણમાં વધારો થતાં માલભરાવો હળવો થયો છે જેને કારણે ઓટો ડીલરોએ રાહતનો દમ લીધો છે.ટુ વ્હીલર્સના વેચાણમાં ૩૬% જ્યારે ઊતારૂ વાહનના વેચાણમાં ૩૨% વધારો જોવા મળ્યો છે. થ્રી વ્હીલર્સનું વેચાણ ૧૧% જ્યારે કમર્સિઅલ વાહનોના વેચાણમાં ૬% વધારો જોવાયો છે. ટ્રેકટર્સનું વેચાણ વાર્ષિક ધોરણે ૩% વધુ રહ્યું છે. ચોમાસુ સમાપ્ત થતાં ટ્રેકટરની માગ ધીમી પડી હતી. ઊતારૂ વાહનોનો વેચાણ આંક ૪.૮૩ લાખ રહ્યો હતો. વેચાણ ઊંચુ રહેતા ઈન્વેન્ટરીનું સ્તર ઘટી ૭૫-૮૦ દિવસ પર આવી ગયું છે જે સપ્ટેમ્બરમાં ૮૦-૮૫ દિવસનું હતું.ગયા મહિનાનો એકંદર ઓટો વેચાણ આંક ૨૮.૩૦ લાખ રહ્યો છે જે નવેમ્બર ૨૦૨૩માં જોવાયેલા ૨૮.૫૦ લાખના આંક બાદનો સૌથી બીજો મોટો આંક હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.