Bhavnagar,તા.30
ભાવનગર ઉપરથી માવઠાંની ચિંતાના વાદળો હટતાની સાથે જ ઠંડીએ ફરી સામ્રાજ્ય જમાવ્યું છે. રાત્રે ટાઢોબોળ પવન ફૂંકાવવાના કારણે ધુ્રજાવતી ઠંડીનો અનુભવ થયો હતો. દિવસ દરમિયાન પણ ઠંડીનો જોર રહેતા સપ્તાહના અંતમાં તાપમાન પોણા બેથી પોણા ત્રણ ડિગ્રી નીચું નોંધાયું હતું.
ભાવનગર શહેર-જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી થઈ હતી. જેની અસરના પગલે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી પૂરી થતાં જ શિયાળાની ઋતુએ ફરી જોર પકડયું હતું. ખાસ કરીને ગત રાત્રિના સમયે ઠંડો પવન ફૂંકાવાથી ભાવેણાંવાસીઓએ શીતલહેરનો અનુભવ કર્યો હતો. રાતથી વહેલી સવાર સુધી કડકડતી ઠંડી રહેતા લઘુતમ તાપમાન ૧.૭ ડિગ્રી ઘટીને ૧૫.૭ ડિગ્રીએ પહોંચી ગયું હતું. ઠંડી વધતા ભાવનગરમાં ઠંડીનો પારો બે દિવસ બાદ ફરી ૧૬ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો. તો બીજી તરફ આજે દિવસ દરમિયાન આઠ કિ.મી. પ્રતિકલાકની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ઠંડીનું વર્ચસ્વ રહ્યું હતું. આ કારણે શહેરનું મહત્તમ તાપમાન પણ છેલ્લા ૨૪ કલાકમાં ૨.૬ ડિગ્રી ઘટીને ૨૫.૮ ડિગ્રીએ પહોંચી ગયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા નોંધાયું હતું.

