Melbourne,તા.૨૮
સચિન તેંડુલકરની ગણતરી વિશ્વના મહાન બેટ્સમેનોમાં થાય છે. તે ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તે એકમાત્ર એવો ખેલાડી છે જેના નામે ૧૦૦ સદી છે. હવે સચિન તેંડુલકરે મેલબોર્ન ક્રિકેટ ક્લબનું માનદ સભ્ય બનવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. મેલબોર્ન ક્રિકેટ ક્લબે ટિ્વટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે.
મેલબોર્ન ક્રિકેટ ક્લબ, ઑસ્ટ્રેલિયાની સૌથી જૂની સ્પોર્ટિંગ ક્લબમાંની એક છે, જેની સ્થાપના ૧૮૩૮માં થઈ હતી. તે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના સંચાલન અને વિકાસ માટે જવાબદાર છે, જે રમતના મુખ્ય સ્થળોમાંનું એક છે.એમસીસીએ એક ’એકસ’ પોસ્ટ કર્યું અને તેની સાથે લખ્યું કે ’આઇકન’નું સન્માન કરવામાં આવ્યું.એમસીસીએ જાહેરાત કરતાં આનંદ અનુભવે છે કે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સચિન તેંડુલકરે રમતમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનની માન્યતામાં માનદ ક્રિકેટ સભ્યપદ સ્વીકાર્યું છે.
સચિન તેંડુલકર એ ભારતીય બેટ્સમેન છે જેણે એમસીજીમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવ્યા છે. તેણે આ મેદાન પર પાંચ ટેસ્ટ મેચોમાં ૪૪.૯૦ની એવરેજ અને ૫૮.૬૯ની સ્ટ્રાઈક રેટથી ૪૪૯ રન બનાવ્યા છે. તેણે આ મેદાન પર એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. અગાઉ ૨૦૧૨માં, તેંડુલકરને દેશના સર્વોચ્ચ સન્માનમાંના એક ’ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા’થી નવાજવામાં આવ્યા હતા.એમસીજી હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની શ્રેણીની ચોથી ટેસ્ટ મેચનું આયોજન કરી રહ્યું છે.
સચિન તેંડુલકરે ભારતીય ટીમ માટે ૨૦૦ ટેસ્ટ મેચોમાં કુલ ૧૫૯૨૧ રન બનાવ્યા છે, જેમાં તેણે ૫૧ સદી ફટકારી છે. તેના નામે ૪૬૩ વનડે મેચોમાં ૧૮૪૨૬ રન છે. તેણે વનડેમાં ૪૯ સદી ફટકારી છે. ભલે તે ઘરેલુ હોય કે વિદેશમાં. તેણે દુનિયાના દરેક મેદાન પર પોતાની બેટિંગની ક્ષમતા સાબિત કરી છે.