તમામ વયના રમતવીરો માટે ખેલકૂદ ક્ષેત્રે કૌશલ્ય ઝળકાવવાનો અવસર એટલે ખેલ મહાકુંભ
૨૫ ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે વિજેતા ખેલાડી, શાળા અને કોચને રોકડ પુરસ્કાર અપાશે
Rajkot, તા. ૭
ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે, તેના મૂળમાં છે ખેલ મહાકુંભ. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ આવે, શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે અને ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય, તેવા આશયથી વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો. જેના ભાગરૂપે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલમહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ડાયરેકટર જનરલશ્રી આર. એસ. નીનામાના માર્ગદર્શન મુજબ ’રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના ધ્યેય સાથે આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોન, જિલ્લા/મહાનગરપાલિકા, ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધાઓ યોજવામાં આવી છે. શાળાકક્ષાએ અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ના વયજુથમાં ખેલ મહાકુંભની એથ્લેટીકસની રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે.
રજિસ્ટ્રેશન
૧. ખેલ મહાકુંભ ૩.૦નું ઓનલાઈન રજિસ્ટ્રેશન તા. ૫ ડિસેમ્બર, ૨૦૨૪થી શરૂ કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન તા. ૨૫ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સાંજે ૬.૦૦ સુધી કરી શકાશે. નિયત વયજૂથના ખેલાડીઓએ https://khelmahakumbh.gujarat.gov.in ‘પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.૨. ખેલાડીઓ મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે, બે રમત કરતાં વધુ રમતમાં ભાગ લઇ શકાશે નહીં.૩. અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ ફરજિયાત જે-તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટેશન કરી શકશે. તેમજ અભ્યાસ ન કરતાં હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વયજુથમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે.
શાળા અને ગ્રામ્યકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ
૧. ૯ વર્ષથી નીચે ૩૦ મીટર દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ,૨. ૧૧ વર્ષથી નીચે ૫૦ મીટર દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ,૩. ૧૪ વર્ષથી નીચે એથ્લેટીક્સ, વોલીબોલ, ખોખો, કબડ્ડી,૪. ૧૭ વર્ષથી નીચે એથ્લેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડી,૫. ઓપન એજ ગ્રુપ એથ્લેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડી,૬. ૪૦ વર્ષથી ઉપર રસ્સાખેંચ,૭. ૬૦ વર્ષથી ઉપર રસ્સાખેંચ,
તાલુકાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ
૧. ૧૧ વર્ષથી નીચે ચેસ,૨. ૧૪ વર્ષથી નીચે એથ્લેટીક્સ, ચેસ, યોગાસન,૩. ૧૭ વર્ષથી નીચે એથ્લેટીક્સ, ચેસ, યોગાસન,૪. ઓપન એજ ગ્રુપ એથ્લેટીક્સ, ચેસ, યોગાસન૫. ૪૦ વર્ષથી ઉપર ચેસ,૬. ૬૦ વર્ષથી ઉપર ચેસ,
જિલ્લાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ
૧. ૧૧ વર્ષથી નીચે એથ્લેટીક્સ, સ્વીમીંગ, સ્કેટીંગ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, બેડમિન્ટન ૨. ૧૪ વર્ષથી નીચે સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલટેનીસ, લોનટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવેન્ડો, કરાટે, આર્ટીસ્ટીક સ્કેટીંગ ૩. ૧૭ વર્ષથી નીચે સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલટેનીસ, લોનટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવેન્ડો, યોગાસન, કરાટે, રગ્બી ૪. ઓપન એજ ગ્રુપ સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલટેનીસ, લોનટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવોન્ડો, શુટીંગબોલ, કરાટે, યોગાસન, રગ્બી, આર્ટીસ્ટીક સ્કેટીંગ ૫. ૪૦ વર્ષથી ઉપર બેડમિન્ટન, ટેબલટેનીસ, લોનટેનીસ, સ્વીમીંગ, શુટીંગબોલ ૬. ૬૦ વર્ષથી ઉપર બેડમિન્ટન, ટેબલટેનીસ, લોનટેનીસ, સ્વીમીંગ
સીધી રાજયકક્ષાએ યોજાતી સ્પર્ધાઓ
૧. ૧૧ વર્ષથી નીચે સ્વીમીંગ, સ્કેટીંગ૨. ૧૪ વર્ષથી નીચે એથ્લેટીક્સ, સ્વીમીંગ, જુડો, કુસ્તી, આર્ચરી, ફેન્સીંગ, બોક્સીંગ, શુટીંગ, ટેકવોન્ડો, જિમ્નાસ્ટીકસ, સ્કેટીંગ, મલખમ્બ, સ્પોર્ટસ ક્લાઈમીંગ, રોલબોલ, સેપક ટકરાવ ૩. ૧૭ વર્ષથી નીચે એથ્લેટીક્સ, સ્વીમીંગ, જુડો, કુસ્તી, આર્ચરી, ટેકવોન્ડો, વેઈટલીફટીંગ, ફેન્સીંગ, બોક્સીંગ, શુટીંગ, જિમ્નાસ્ટીકસ, સ્કેટીંગ, મલખમ્બ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટસ ક્લાઈમીંગ, રોલબોલ, સેપક ટકરાવ, વુડબોલ ૪. ઓપન એજ ગ્રુપ એથ્લેટીકસ,સ્વીમીંગ, ટેકવોન્ડો, જૂડો, કુસ્તી, આર્ચરી જિમ્નાસ્ટીકસ, સાયકલિંગ (૨૦ કિ.મી.), શુટીંગ, સ્કેટીંગ, વેઈટલીફટીંગ, ફેન્સીંગ, બોક્સીંગ, મલખમ્બ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટસ ક્લાઈમીંગ, ઘોડેસવારી, વુડબોલ, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ ૫. ૪૦ અને ૬૦ વર્ષથી ઉપર યોગાસન
સ્પર્ધાના સામાન્ય નિયમો
૧. સ્પર્ધામાં ભાગ લેવા વય મર્યાદા નક્કી કરવા માટે કટ ઓફ ડેટ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ રહેશે.૨. જે કક્ષાએથી સ્પર્ધા શરૂ થાય ત્યાં ટીમ રમતમાં માત્ર એક જ શાળાના વિદ્યાર્થીઓની ટીમ હોવી જોઈએ.જેના આચાર્ય અને શાળાનો કોડ નંબર એક હોવો જોઈએ અને બોનાફાઈડ વિદ્યાર્થીઓ હોવા જોઈએ.૩. રજિસ્ટ્રેશન કરતી વખતે જે-તે ખેલાડીએ જન્મતારીખ સાચી દર્શાવવાની રહેશે. જન્મતારીખ ખોટી દર્શાવીને રજિસ્ટ્રેશન કરેલું હશે તો તે ખેલાડી ખેલ મહાકુંભની સ્પર્ધામાં ૩ વર્ષ સુધી ભાગ લઈ શકશે નહીં.૪. રમતવીર કોઈપણ એક જિલ્લામાંથી બે જ રમતમાં ભાગ લઈ શકશે. ૫. રજિસ્ટ્રેશનની સમસ્યા બાબતે રાજ્યસ્તરે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૭૪૬ ૧૫૧ પર સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકાશે.૬. ખેલાડી ગુજરાત રાજયનો જન્મથી વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજયમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ/નોકરી/વ્યવસાય/નિવાસ કરતો હોવો જોઈએ. તેમજ ખેલાડી જે જિલ્લામાં ભાગ લે તે જિલ્લામાં નિવાસ/વ્યવસાય છેલ્લા ૬ માસથી કરતો હોવો જોઈએ. જેના આધાર-પુરાવા કે પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે. ૭. શાળા/કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરતાં હોય તે તાલુકા/જિલ્લામાંથી ભાગ લઈ શકશે. ૮. અન્ય રાજયમાંથી બદલી/ડેપ્યુટેશનથી આવેલા કર્મચારી રજિસ્ટ્રેશનની તારીખે ઓછામાં ઓછા છ માસ પહેલા બદલી થઈને ગુજરાતમાં જે-તે જિલ્લામાં આવેલા હોય તો જ ભાગ લઈ શકશે. ૯. સ્પર્ધા સમયે ખેલાડીએ આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, બોનાફાઇડ અને બેંક પાસબુકની નકલ સાથે લઇને આવવાની રહેશે.
રોકડ પુરસ્કાર
ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના વિજેતા ખેલાડીઓ અને શાળાઓને રોકડ પુરસ્કાર અપાશે. અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭, ઓપન એજ ગ્રુપ, ૪૦ વર્ષથી ઉપર અને ૬૦ વર્ષથી ઉપર ગ્રુપના ખેલાડીઓની વાત કરવામાં આવે તો તાલુકાકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા ખેલાડીને વ્યક્તિગત ૧૫૦૦ રૂ. અને ટીમને ૧૦૦૦ રૂ., દ્વિતીય ક્રમે વિજેતા ખેલાડીને ૧૦૦૦ રૂ. અને ટીમને ૭૫૦ રૂ., તૃતીય ક્રમે વિજેતા ખેલાડીને રૂ. ૭૫૦ અને ટીમને રૂ. ૫૦૦, જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા ખેલાડીને ૫૦૦૦ રૂ. અને ટીમને ૩૦૦૦ રૂ., દ્વિતીય ક્રમે વિજેતા ખેલાડીને ૩૦૦૦ રૂ. અને ટીમને ૨૦૦૦ રૂ., તૃતીય ક્રમે વિજેતા ખેલાડીને ૨૦૦૦ રૂ. અને ટીમને ૧૦૦૦ રૂ., રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા ખેલાડીને વ્યક્તિગત ૧૦,૦૦૦ રૂ. અને ટીમને ૫૦૦૦ રૂ., દ્વિતીય ક્રમે વિજેતા ખેલાડીને ૭૦૦૦ રૂ. અને ટીમને ૩૦૦૦ રૂ., તૃતીય ક્રમે વિજેતા ખેલાડીને વ્યક્તિગત ૫૦૦૦ રૂ. અને ટીમને ૨૦૦૦ રૂ. રોકડ ઇનામ અપાશે.
આ ઉપરાંત, અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭, ઓપન એજ ગ્રુપ, ૪૦ વર્ષથી ઉપર અને ૬૦ વર્ષથી ઉપર ગ્રુપની સ્પર્ધા માટે શાળાની વાત કરવામાં આવે તો તાલુકાકક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરીને પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ પ્રાપ્ત કરનારી શાળાને અનુક્રમે રૂ. ૨૫,૦૦૦, રૂ. ૧૫,૦૦૦ અને રૂ. ૧૦,૦૦૦ રોકડ પુરસ્કાર અપાશે. જિલ્લાકક્ષાએ પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન પ્રાપ્ત કરનારી શાળાને અનુક્રમે રૂ. ૧,૫૦,૦૦૦, રૂ. ૧,૦૦,૦૦૦, રૂ. ૭૫,૦૦૦ રોકડ પુરસ્કાર અપાશે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ પ્રાપ્ત કરનારી શાળાને અનુક્રમે રૂ. ૫,૦૦,૦૦૦, રૂ. ૩,૦૦,૦૦૦ અને રૂ. ૨,૦૦,૦૦૦ રોકડ ઇનામ અપાશે.
વધુમાં, રાજ્યકક્ષાએ અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭, ઓપન એજ ગ્રુપના વિજેતા ખેલાડીઓના કોચની વાત કરવામાં આવે તો પ્રથમ ક્રમે વ્યક્તિગત રૂ. ૧૫૦૦ અને ટીમને રૂ. ૧૦૦૦, દ્વિતીય ક્રમે વ્યક્તિગત રૂ. ૧૨૦૦ અને ટીમને રૂ. ૭૫૦, તૃતીય ક્રમે વ્યક્તિગત રૂ. ૯૦૦ અને ટીમને રૂ. ૫૦૦ રોકડ પુરસ્કાર અપાશે. ત્યારે રાજ્ય સરકારે રાજકોટ જિલ્લા સહીત ગુજરાતના છેવાડા વિસ્તારમાં રહેતા રમતવીરને ખેલ મહાકુંભ ૩.૦માં ભાગ લઈને ખેલકૂદ ક્ષેત્રે કૌશલ્ય ઝળકાવવા તથા રાજ્યનું નામ દેશ અને વિશ્વસ્તરે રોશન કરવા આહ્વાન કર્યું છે.
આલેખન માર્ગી મહેતા