Rajkot, તા. 16
સૌરાષ્ટ્ર-કચ્છમાં સંક્રાંતિ બાદ પણ ઠંડીનું જોર યથાવત રહ્યું છે. રાજકોટ-જામનગરમાં ફરી ઠંડીમાં વધારો થયો છે. આજે પૂરા રાજયમાં સૌરાષ્ટ્રનું અમરેલી સૌથી ઠંડુ શહેર બન્યું છે અને તાપમાનનો પારો કચ્છ કરતા પણ નીચો 8.2 ડિગ્રી થઇ ગયો હતો. બીજી તરફ રોજ સૌથી વધુ ઠંડી અનુભવતા નલીયા કરતા પણ આજે રાજકોટમાં પારો ગગડીને 9.4 ડીગ્રી પર સ્થિર થયો છે.
મકરસંક્રાંતિ બાદ પણ ઠંડી ઓછું થવાનું નામ લેતી નથી. આજે તો દરિયા કાંઠાના વિસ્તારોમાં પણ તાપમાનનો પારો ગગડયાનું લાગતું હતું અને વેરાવળ, પોરબંદર, દ્વારકા જેવા શહેરોમાં પણ લોકોને સારી એવી ઠંડીનો અનુભવ થયો હતો. હજુ ચાલુ સપ્તાહ ઠંડીનું જોર ચાલુ રહે તેવા સંકેત હવામાન વિભાગે આપ્યા છે.
નલીયામાં આજે 9.6 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. તેનાથી નીચુ તાપમાન 9.4 ડીગ્રી રાજકોટમાં હતું. આ સિવાય ભુજમાં 11.2, જામનગરમાં 13.8, ભાવનગર 13.7, દ્વારકા 15.7, વેરાવળમાં 14.3 ડીગ્રી તાપમાન હતું. રાજયમાં આજે સૌથી નીચો પારો અમરેલીમાં 8.2 ડીગ્રી હતો. તે દરિયાકાંઠાના પોરબંદરમાં પણ 10.8 ડીગ્રી તાપમાન હતું.
ભાવનગર
ગોહિલવાડમાં ઠંડીનું પ્રમાણ ફરી વધ્યું છે. લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થતાં ફરી ઠંડીનું જોર વધ્યું છે .આજે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન ઘટીને 13.7 ડીગ્રી નોંધાયું હતું .આજે સવારે વાતાવરણમાં ભેદ નું પ્રમાણ 69% રહ્યું હતું જ્યારે પવનની ઝડપ 14 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
જામનગર
જામનગરમાં મકરસંકાતીના પર્વ ઉપર ઠંડીનું મોજુ ફરી વળ્યા પછી આજે પણ સતત ત્રીજા દિવસે પણ ઠંડીનું જળવાઈ રહલી હતી અને તીવ્રઠારથી દિવસભર ટાઢોડા થી જનજીવન પ્રભાવિત થયું હતું
જામનગર શહેરમાં આજે લઘુત્તમ તાપમાન નો પારો 13.8 ડિગ્રી પહોંચ્યો હતો. જ્યારે ભેજમાં 11 ટકાના ઘટાડા સાથે 70 ટકા રહ્યુ હતુ. જો કે પવનની ગતિ માં આજે ચાર કિલોમીટરનો ઘટાડો નોંધાયો હતો આમ છતાં ઠંડીને લીધે જનજીવન પ્રભાવિત થયું હતું.
જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાન 13.8 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું છે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70 ટકા રહ્યું હતું જ્યારે પવનની ગતિ કલાક 3.4 કિલોમીટરની નોંધાય છે.
શહેરમાં તીવ્ર ઠારના કારણે રાજમાર્ગો અને ખાણ-પાણીની બજારોમાં લોકોની હાજરી ઓછી જોવા મળી હતી અને કાતિલ ઠંડીના કારણે લોકો ઘરમાં પુરાવાનું જ પસંદ કર્યું હતું.