Rajkot, તા.28
રાજકોટમાંથી જે રાજ્યવ્યાપી GST ચોરી કૌભાંડ સામે આવ્યું હતું તેમાં લીંબડી – રાજકોટના પાંચ શખ્સની ધરપકડ કરાઈ છે. પોલીસ તપાસમાં ગીર સોમનાથ, જામનગર, ભાવનગર, ગાંધીનગર, સુરત, મહેસાણા, અમદાવાદ સહિત 15 પેઢીઓના નામ ખુલ્યા છે. બોગસ બિલ બનાવનાર અને આ બોગસ બિલ લેનાર બંને કંપનીઓને આરોપી બનાવાઈ છે. ચાર માસમાં જ રૂ.61.38 લાખની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનું સામે આવ્યું છે.
આ અંગે પત્રકાર પરિષદ યોજી રાજકોટ શહેર પોલીસના ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, તેમને માહિતી મળી હતી કે, રાજકોટના ભગવતીપરા મેઈન રોડ પર પરમાર એન્ટરપ્રાઈઝ નામે એક પેઢી આવેલ છે.
જેના જીએસટી નંબર પણ છે. જોકે જમીની હકીકતે આ પેઢીનું કોઈ જ અસ્તિત્વ નથી. જેથી ક્રાઇમ બ્રાંચની ઈઓડબ્લ્યુ શાખા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જીએસટી વિભાગની મદદ લેવાઈ હતી. બાદમાં જાણવા મળેલ કે આ વિસ્તારમાં દુકાન ભાડે રાખી હોય તેનું ભાડા કરાર જીએસટી નંબર મેળવતી વખતે આપવામાં આવેલ. ભાડા કરાર જોતા તે બોગસ હોવાનો ખ્યાલ આવ્યો હતો.
આ પછી તપાસ આગળ ચાલી હતી અને રાજ્યવ્યાપી જીએસટી ચોરી કૌભાંડ ઝડપાયું હતું. જેમાં રાજકોટના ક્રાઇમ બ્રાંચ ડીસીબી પોલીસ મથકે આઈ.પી.સી.કલમ 465, 467, 418, 431, 474, 420, 120(બી) મુજબ ગુનો દાખલ કરાયો છે. જેમાં જણાવ્યું છે કે, જૂન 2023 થી તા.30/09/2023 દરમ્યાન કોઈ વ્યક્તિ દ્વારા પરમાર એન્ટરપ્રાઈના નામથી બનાવટી ભાડા કરાર બનાવાયો હતો.
ભાડા કરાર ખોટો હોવાનું જાણવા છતા તે ભાડા કરારને ખરા તરીકે સેન્ટ્રલ જી.એસ.ટી. ઓફીસ રાજકોટ સી.જી.એસ. ટી. ભવન રેસકોર્ષ રીંગ રોડ રાજકોટ ખાતે જી.એસ.ટી. વિભાગમાં ઓનલાઈન રજુ કર્યું હતું. જે પછી પરમાર એન્ટરપ્રાઈના નામે જી.એસ.ટી. નંબર મેળવી બોગસ ઇનપુટ ટેક્સ મેળવવા માટે અન્ય કંપનીઓ પેઢીઓના સંચાલકો સાથે મળી ગુન્હાહિત કાવતરૂ રચી બનાવટી બીલીંગ, બનાવટી દસ્તાવેજો અને ખોટી રજુઆતો દ્વારા બોગસ ઇનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવી સરકારને રૂ.61,38,168નું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.
રાજકોટ વિભાગના સીજીએસટીના સુપ્રીન્ટેન્ડન્ટ જયપ્રકાશસિંઘ રામચંદ્રસિંઘએ ફરિયાદી બની ડીસીબી પોલીસ મથકે ફરિયાદ આપી છે. જેમાં પરમાર એન્ટરપ્રાઇઝ ઉપરાંત 14 પેઢીઓ સામેલ છે.
આ પેઢીઓમાં (1) યશ ડેવલોપર (પહેલો માળ દર્ષિત કોમ્પલેક્ષ ઓફીસ નંબર 2 નંદી પાર્ક એસ.એન.કે.સ્કુલ પાછળ રાજકોટ), (2) ઇકરા એન્ટરપ્રાઈઝ ગોકુલ ચોક પાસે મફતીયાપરા કોટડા સાંગાણી જી.રાજકોટ), (3) સિવિલ પ્લસ એન્જીનીયરીંગ (દુકાન નંબર 7 કાકા કોમ્પલેક્ષની પાછળ રઘુવીર એપાર્ટમેન્ટ ઝાઝરડા રોડ જુનાગઢ), (4) ધનશ્રી મેટલ આર/એસ. 151 પ્લોટ નંબર-1 મુળ પડવલા પડવલા રોડ તા.કોટડા સાંગાણી જિ રાજકોટ), (5) ડી.એ.એન્ટરપ્રાઇઝ (નંદ વિહાર રેસીડન્સી-6 કબીર એન્કેશ્વ પાસે વીભુસા રોડ ઘુમા અમદાવાદ), (6) આર્યન એસોશીયેટ (ગામતળ પ્લોટ નંબર 3 સનદ નં 7/1 977 માધવ ટ્રાન્સપોર્ટની પાછળ આજોઠા વેરાવળ જી.ગીર સોમનાથ), (7) જ્યોતી ઇન્ફ્રાસ્ટ્રકચર (ગ્રાઉન્ડફફ્લોર 114 4 કમી નંગર સો.સા. ભાગ-1 સરથાણા થી કામરેજ સરથાણા સુરત), (8) અર્હમ સ્ટીલ ત્રીજો માળ મેરીડીયન સ્ક્વેર 307 કાળુભાથી પરીમલ રોડ હોમ સ્કુલ પાસે વિદ્યાનગર ભાવનગર), (9) રિદ્ધિ ઇન્ફાસ્ટકચર (199 ઇલેક એસ્ટેટ જી.આઇ. ડી.સી સેકટર 25 ગાંધીનગર), (10) આશાપુરા ટ્રેડીંગ (બાલાજી એમ્સ ઇન્ડસ્ટ્રીઝ એરીયા સરદાર ગૌ-શાળા પાસે કોઠારીયા પ્લોટ નંબર 2 શેડ નંબર 33 કોઠારીયા રાજકોટ), (11) શિવ મીલન પ્લાસ્ટીક તથા ગ્લોબટ્રાઈમ્પેક્સ રતનપર સ્વાતિ પાર્ક સી.એન.જી પંપ પાસે સર્વે નં 180 પ્લોટ નં 06 મોરબી રોડ રતનપર તા.જી. રાજકોટ), (12) મા દુર્ગા સ્ટીલ શુભ -લાભ એસ્ટેટ શેડ નંબર 26 કડી-છત્રાલ રોડ મારૂતી સુજુકી અરેના સ્ટ્રેલાઈન કાર પ્રા.લી. જી.આઇ.ડી.સી કડી મહેસાણા), (13) મારૂતી નંદન કેન્ટ્રક્શન ગોમતી નંદન સોસાયટી, શ્રીજીનગર પાસે જોષીપુરા જુનાગઢ (રહેણાંક મકાન છે), (14) લખુભા નાનભા જાડેજા (મોટી ખાવડી હાઇસ્કુલ વીસ્તાર તા.જી.જામનગર)નો સમાવેશ થાય છે. આ અંગે વધુ તપાસ ઈઓડબ્લ્યુના ઇન્ચાર્જ પીઆઇ એસ. એમ. જાડેજાને સોંપાઈ છે.
વધુ પાંચેક કંપનીના નામ ખુલવાની સંભાવના : ક્રાઇમ બ્રાંચની ટીમના રાજ્યભરમાં એક સાથે દરોડા
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, હજુ પણ આ કૌભાંડમાં વધુ પાંચેક કંપનીના નામ ખુલી શકે છે. પોલીસે આ પ્રકરણમાં બોગસ ભાડા કરાર કરનાર વિશાલ પ્રવીણ પરમાર(રહે.વાલ્મીકિનગર મેઇન રોડ શેરી નં.1, લીંબડી), કારાણી અમન નાશીર (રહે.માતમ ચોક, લીંબડી), ભાડા કરાર કરાવનાર અમન રફીક બીનહરીશ (રહે.ભગવતી પાર્ક શેરી નં.2, અયોધ્યા પાર્ક, રાજકોટ), સૈયદ ઉર્ફે કાળુ મજીદભાઈ સારી (રહે.શિવપરા શેરી નં.4, રૈયા ચોકડી, રાજકોટ) અને પાર્થ સતિષ પરમાર (રે.શ્રીનંદનગર શેરી નં.4ની સામે શાંતિનગર શેરી નં.1, અમદાવાદ મૂળ લીંબડી)ની ધરપકડ કરી છે. જ્યારે બે બિલ બનાવનારા શખ્સોના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.
એક પાન નંબરથી દેશમાં પાંચ સ્થળે પેઢી
પોલીસે જણાવ્યા મુજબ અને ફરિયાદમાં થયેલ ઉલ્લેખ મુજબ, ભેજાબાઝ આરોપીઓએ પાન નં. એફઝેડએમપીપી1720ઈ નો ઉપયોગ આ ગુનામાં કરેલ છે. જેમાં સમગ્ર દેશમાં પાંચ સ્થળે કંપનીઓ ખોલી છે. ગુજરાતમાં બે પેઢી અને ઉત્તરપ્રદેશ, તમિલનાડુ અને છત્તીસગઢમાં એક એક પેઢી ખોલી હોવાનું સામે આવે છે.
આ રીતે કૌભાંડ આચરતા
ડીસીપી (ક્રાઇમ)ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે, આ કૌભાંડમાં કંપનીઓ કોઇ જાતની પ્રોડક્ટ કે સર્વિસની લેતીદેતી કરતા નહોતા. બોગસ કંપનીના સંચાલકો બોગસ ખરીદ-વેચાણના વ્યવહારો દેખાડતા હતા. બોગસ જીએસટી બીલો બનતા અને બોગસ ઈ-વે બિલ બનાવતા. બોગસ બિલ બનાવનાર કંપની અને બોગસ બિલ સ્વીકારના કંપની એક બીજાની મદદગારી કરી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવતા હતા. આમ જીએસટી ચોરી થતી હતી.
અમદાવાદમાં ઝડપાયેલ કૌભાંડના આરોપી પત્રકાર મહેશ લાંગાના ભાઈ મનોજ લાંગાની કંપની સામેલ
રાજકોટમાં જે 15 કંપનીઓ કૌભાંડમાં સામેલ છે તેમાં અમદાવાદમાં જે જીએસટી અને બોગસ કંપની કૌભાંડના આરોપી પત્રકાર મહેશ લાંગાના ભાઈ મનોજ લાંગાની કંપનીનો પણ સમાવેશ છે. અમદાવાદમાં જે જે કંપનીઓ સામે આવી તેમાં ગીર સોમનાથની કંપની સહિત ત્રણ કંપની આરોપી છે. આ ત્રણ કંપની રાજકોટના ગુનામાં પણ સામેલ છે.