વૃક્ષ અને વૃદ્ધ વિના આપણું કલ્યાણ નથી, શોભા, શીલ, સ્નેહ ભારતીય નારીના અલંકારો
રાજકોટ તા.૩૦
મોરારિબાપુએ અર્થ કરતાં જણાવ્યું કે જેના મૂળમાં બ્રહ્મા છે, ત્વચા માં વિષ્ણુ છે,શાખામાં મહેશ્વર છે, પાંદડે પાંદડે પરમાત્મા છે તેવા વૃક્ષને અમે પ્રણામ કરીએ છીએ. તેમણે એમ પણ કહ્યું કે વૃદ્ધ ના ચરણમાં પણ બ્રહ્મા વસે છે, તેમાં પણ વિષ્ણુ અને મહેશ છે માટે વૃક્ષ અને વૃદ્ધને હમેશા પ્રણામ કરવા.
મોરારિબાપુએ જણાવ્યું કે સદભાવના વૃદ્ધાશ્રમ ભારતની પૃથ્વીને હરિત કરવા સંકલ્પ કર્યો છે ત્યારે આપણે સૌ એમાં જોડાઈ જઈએ. વૃક્ષ અને વૃદ્ધ વિના આપણું કલ્યાણ નથી. ભારતીય પરંપરામાં વૃક્ષ અને વૃદ્ધનું મહિમા ગાન કરવામાં આવ્યું છે. તેમણે શાસ્ત્રોમાં આધાર લઈ વૃદ્ધોને જ્ઞાનવૃદ્ધ, અનુભવવૃદ્ધ, વૈરાગ્યવૃદ્ધ, ધર્મવૃદ્ધ, સ્મૃતિવૃદ્ધ કહ્યા. તેમણે કહ્યું કે રામકથામાં સાત પ્રકારના વૃદ્ધોનો ઉલ્લેખ છે.
મોરારિબાપુએ રાજકોટ હવે રામમય બની ગયું છે તેમ કહી કાયમ માટે રામમય રહે એ માટે પોતે હનુમાનજીને પ્રાર્થના કરશે તેવું પણ જણાવ્યું હતું. તેમણે આજની કથામાં સીતાજીનું વર્ણન કરી ભારતીય નારીની શોભા, શીલ, સ્નેહ વગેરે અલંકારો હોવાનું જણાવ્યું. મહાભારતની કથા યાદ કરીને મહાભારતમાં જે છે તે દુનિયામાં છે અને જે મહાભારતમાં નથી તે દુનિયામાં ક્યાંય નથી એવું પણ જણાવ્યું હતું.
મોરારી બાપુ દેશના પ્રખ્યાત રામકથાકાર છે. તેઓ માત્ર દેશમાં જ નહીં,પરંતુ સમગ્ર વિશ્વમાં રામકથાનું આયોજન કરે છે. તેમની કથા કહેવાની શૈલી અનોખી હોય છે.પૂ. મોરારી બાપુનો જન્મ તલગાજરડા ગામમાં થયો હતો. તેઓએ માત્ર રામાયણ જ નહી, સાહિત્યને પણ એટલું જ મહત્વ આપ્યું છે. તેમની પ્રેરણાથી ઘણાં બધાં સાહિત્ય પુરસ્કારો પણ આપવામાં આવે છે. મોરારિબાપુએ મે, ૧૯૬૬માં ગાંઠિલા(તા. વંથલી,જિ. ભાવનગર)માં રામકથાનું પ્રથમ નવાહન પારાયણ કર્યું અને તે પછી તો દેશ-વિદેશમાં તથા સ્ટીમર, એરોપ્લેન વગેરેમાંયે કથાઓ કરતા રહ્યા. તેમણે કૈલાસ-માનસરોવર જઈને ત્યાં પણ કથા-પારાયણ કરેલું છે. તેમણે ૯૪૭ કથા-પારાયણ કર્યાં છે. તેમણે ગુજરાતીમાં તેમજ હિન્દીમાં પણ રામકથાનાં સુંદર પારાયણો કરેલા છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, જાપાન, શ્રાલંકા, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, યુ એન સહિતનાં ઘણા દેશોમાં રામકથા કરી છે. સંયુક્ત રાષ્ટ્ર મથક ખાતે મોરારી બાપૂની રામ કથા કરાઈ હતી તે કથામાં એ.આઈ(આર્ટિફીશિયલ ઇન્ટલીજન્સ)નો ઉપયોગ કરીને તેમની પોતાની અવાજમાં અંગ્રેજી સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું હતું.
મોરારી બાપૂએ ન્યુયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં રામકથાનું આયોજન કર્યુ હતુ. યુએનના મુખ્યાલયમાં કરાયેલ આ આયોજન કોઇપણ આધ્યાત્મિક ગુરૂ દ્વારા કરાયેલું આ પ્રકારનું પ્રથમ આયોજન હતું. બાપુએ તેમના નવ દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમ સંસ્થાનને સમર્પિત કર્યો હતો અને વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેઓ યુએનની જનરલ એસેમ્બલી પણ ગયાં હતાં, જ્યાં તેમણે ગોસ્વામી તુલસીદાસનું રામચરિત માનસ (રામાયણ) મૂકીને વૈદિક સ્તોત્રનો ઉચ્ચાર કર્યો હતો. આ પ્રવચનના મુખ્ય પાંચ તત્વો હતાં આકાશ, જળ, પૃથ્વી, વાયુ અને અગ્નિ. બાપુએ સંયુક્ત રાષ્ટ્રના ઉપ મહાસચિવ અમીના જે. મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી, જેમણે કહ્યું કે, અગાઉ તમે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની પરિક્રમા કરી હતી અને હવે તમે મુખ્યાલયના કેન્દ્રમાં છો. તેમણે કહ્યું કે આ આયોજને ૧૭ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને સાકાર કરવાના પ્રયાસોને બળ આપ્યું છે. બાપુએ તેમને કહ્યું હતું કે, તેમની વ્યાસપીઠ હંમેશા વિશ્વ શાંતિ,વિશ્વ પ્રગતિ અને વિશ્વ સુખ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘના કાર્યક્રમની સાથે રહેશે. તેમણે હંમેશા ભારપૂર્વક કહ્યું છે કે વિશ્વના નેતાઓએ સ્વાર્થ છોડીને ઇઝરાયલ અને યુક્રેન સહિત અન્ય ચાલી રહેલાં યુદ્ધની સમાપ્તિ માટે પ્રયાસો કરવા જોઇએ.
મોરારિબાપુએ સનાતન ધર્મનો યજ્ઞમાં પોતાની પૂર્ણ,પુણ્ય આહુતિ આપી છે. પૂ.બાપુ સારા વક્તા તો છે,પણ એટલા જ સારા શ્રોતા પણ છે. વિશ્વોત્તમ પ્રતિભાઓથી માંડીને લોકજીવનના તળિયાના માણસ સુધી સૌને સમાન ધારણાથી બાપુ સાંભળી શકે છે. કોઈ પણ કલાકાર, ગાયક, વ્યાખ્યાતાની પ્રસ્તુતિની કલાની ટોચની પળ બાપુ પકડી જાણે છે અને આગવી રીતે પોંખે – દાદ આપે. ક્યારેક ઝૂમી ઊઠતા દેખાય, ક્યારેક હાથ લંબાવીને વધાવતા હોય, તો ક્યારેક ખભો ઊંચકીને મોજનો ઉમળકો બાપુ બતાવતા હોય.
રામકથા તો છેવટે રામકથા જ રહેવાની પણ રામાયણને કેન્દ્રમાં રાખીને બાપુએ તદ્દન અલગ-અલગ વિષયોને આવરી લેતી અનેક કથાઓ કરી છે. ૧૯૭૬માં થઇ હતી ત્યારબાદ ૧૯૮૨, ૧૯૮૬ અને એ પછી ૧૯૯૮ માં માનસ મુદ્રિકા, ૨૦૦૭ માં માનસ વાલ્મિકી,૨૦૧૨ માં માનસ હરિહર નામે રામકથા યોજાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નિઃસંતાન, નિરાધાર, પથારીવશ,બીમાર વડીલ માવતરના લાભાર્થે ખૂબ આનંદ અને ભક્તિભાવ સાથે પ્રખર રામાયણી પૂ.મોરારિબાપુ દ્વારા, વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા ‘‘માનસ સદભાવના‘‘ શરુ થઇ ચુકી છે. આ કથા ૧ ડીસેમ્બર સુધી ચાલશે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ૩૦ એકર જગ્યામાં, ૫૦૦૦ નિસંતાન, નિરાધાર વડીલોને આજીવન સમાવી શકાય તેવું ૧૪૦૦ રૂમ યુક્ત નવું પરિસર ૩૦૦ કરોડનાં માતબર ખર્ચે બની રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલો અને તેની વૃક્ષારોપણની પ્રવૃત્તિનાં લાભાર્થે આ વૈશ્વિક રામકથા યોજાઈ છે. રામકથા દરમિયાન વડિલોનું માન, પર્યાવરણ જતન અને જીવનમાં વૃક્ષોના મહત્વ અંગેની પણ વાત કરવામાં આવી રહી છે. આ કથા દરમિયાન જે પણ અનુદાન એકત્રિત થશે તે સદભાવના વૃધ્ધાશ્રમની સેવાસુશ્રુસા, નવા અદ્યતન પરિસરના નિર્માણ અને સમગ્ર ભારતમાં ૧૫૧ કરોડ વૃક્ષો વાવીને તેનો ૪ વર્ષ સુધી ઉછેર કરવાની પ્રવૃતિના વિકાસ માટે, સમગ્ર ભારતને ગ્રીન કરવા માટે વાપરવામાં આવશે.
ઉધ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા તરફથી સદભાવના વૃદ્ધાશ્રમને રૂ. ૧ કરોડનું અનુદાન
સંતરામજી મંદિર, નડિયાદ કલ્પસર સમિતિના અધ્યક્ષ વિનુભાઈ ગાંધી તરફથી લાખોનું અનુદાન
માનસ સદભાવના રામકથાના આઠમા દિવસના પ્રારંભે સુરતના ઉધ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા તરફથી ૧ કરોડ રૂપિયા, નડિયાદ સંતરામ મંદિર તરફથી રૂપિયા ૧૧ લાખ, કલ્પસર સરોવર સમિતિ તરફથી ૧૧,૧૧,૧૧૧ નું અનુદાન પ્રાપ્ત થયું.
આ તકે પ. પૂ (ડૉ.) પરમાત્માનંદ સરસ્વતીજી જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં જેમ પૂ. જલારામબાપાનું મંદિર અન્નદાન માટે વિખ્યાત છે તેમ નડિયાદમાં સંતરામ મંદિર વિખ્યાત છે. આજે તેમના સંતોએ અહી પધારી સદભાવના વૃદ્ધાશ્રમને રૂપિયા ૧૧ લાખનું અનુદાન આપ્યું છે.
કલ્પસર સરોવર સમિતિના અધ્યક્ષ વિનુભાઈ ગાંધીએ તેમણે મળેલા ૧૧ લાખના અનુદાનમાં ૧,૧૧૧ ઉમેરી સદભાવના વૃદ્ધાશ્રમને એનાયત કર્યા તો સુરતના ઉધ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાએ ૧ કરોડ રૂપિયાનું અનુદાન આપ્યું. વિનુભાઈ ગાંધીએ આ તકે જણાવ્યું કે સૌરાષ્ટ્ર કચ્છની જળ સમસ્યાનો એક જ વિકલ્પ કલ્પસર યોજના છે. આપણે વડાપ્રધાનને વિનંતી કરીએ કે તેઓ આ યોજનાનો વહેલી તકે ખાત મુહૂર્ત કરે. આપણે સૌ માંગણી નહીં પણ સહયોગ કરીએ.
જાણીતા મોટિવેશનલ રાઇટર પાર્થ ગિરીશભાઈ કોટેચાએ પૂ. મોરારિબાપુને પોતાનું પુસ્તક ભેટ આપ્યું હતું તો સદભાવના વૃદ્ધાશ્રમ પરિવારના જ હિતેશભાઈ રૂપારેલીયાની ભાણેજ માર્ગીએ પૂ. બાપુને તેમનું ચિત્ર અર્પણ કર્યું હતું. આજની કથામાં સંતરામ મંદિર, નડિયાદના સંતો, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, ડૉ. ભરતભાઇ બોઘરા, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આજે કથાના આઠમા દિવસે પણ ભાવિકો કથા મંડપમાં ઉમટી પડ્યા હતા.