Rajkot,તા.20
આજના યુગમાં વૃદ્ધાશ્રમો એ વૃદ્ધોના આશ્રયસ્થાનો નહિ પણ વડિલોના માનાશ્રમો છે એવું આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર જય છનિયારાએ જણાવ્યું હતું. તેમણે સદભાવના વૃદ્ધાશ્રમ આયોજિત પૂ.મોરારિબાપુની રામકથા માટે જન જનમા જોવા મળતા ઉમંગની ખૂબ પ્રશંસા કરી હતી.
જય છનિયારાએ જણાવ્યું હતું કે, “પહેલા 5 વર્ષ બાળકની આંગળી પકડનાર માતા-પિતાનો જિંદગીના છેલ્લા 5 વર્ષ હાથ ઝાલવો એ દરેક સંતાનની ફરજ છે.આજે વૃદ્ધાશ્રમો સમયની માંગ બની ગયા છે. સંતાનો માતા-પિતાને તરછોડે એવા કિસ્સા બહુ ઓછા બને છે પણ વડિલોના નિરાધારપણાને કારણે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે.”
એમણે વૃક્ષારોપણની પ્રવૃતિ માટે સદભાવનાના ખૂબ વખાણ કર્યા અને જણાવ્યું કે દેશને હરિયાળો કરવા સદભાવનાએ જે પહેલ કરી છે તે અપ્રતિમ છે. વૃક્ષ પર જ્યારે કુહાડો ચાલતો હોય છે ત્યારે એમાં ક્યાંક લાકડાનો હાથો જવાબદાર હોય છે.
જયભાઈએ વધુમાં કહ્યું કે કથાના અક્ષરો ઉલટાવીએ તો થાક થાય.એનો અર્થ એ કે કથા સાંભળવાથી થાક ઉતરી જાય છે માટે આપણે સૌ સદભાવના આયોજિત પૂ.મોરારિબાપુની કથાનો ખૂબ લાભ લેશું.
વૃદ્ધ અને વૃક્ષ બંને છાયા આપે છે. રાજકોટમાં વડીલો અને વૃક્ષોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા “માનસ સદભાવના”નું આયોજન કરાયું છે. 23 નવેમ્બરથી શરૂ થનારી આ કથાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે હાલમાં ત્રણ હજાર કાર્યકર્તાઓની ફોજ તૈનાત છે. જેમાં ઉદ્યોગપતિ, વેપારીઓ, સીએ, ડોક્ટરો, વકીલો તેમજ દરેક સમાજના શ્રેષ્ઠીઓ, દરેક સ્તરનાં કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્સ ખાતે જ કાર્યાલય શરૂ કરાયું છે. જે સવારથી લઈને રાત સુધી ધમધમે છે