Rajkot,તા.13
હાલ ભાજપમાં સંગઠન પર્વ ચાલી રહ્યુ છે ત્યારે હવે પ્રદેશ થી લઇ શહેર જિલ્લા સ્તરે પ્રમુખ અને ટીમ નક્કી કરાશે. આવતીકાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારબાદ એક બાદ એક જાહેરાતો થશે. રાજકોટ શહેર તથા જિલ્લા ભાજપની વાત કરીએ તો 15 જાન્યુઆરી બાદ હવે પ્રમુખના નામોની જાહેરાત થશે.
શહેર ભાજપ :
શહેર ભાજપમાં પ્રમુખ તરીકે હાલ મુકેશ દોશી છે જેને દોઢ વર્ષ થયો છે. પ્રમુખ તરીકે તેમના કાર્યકાળ તરીકે તેમની કામગીરી પ્રશંસનીય રહી છે પરંતુ પ્રમુખની જાહેરાત બાદ અનેક વોર્ડમાં અસંતોષની જ્વાળા જોવા મળી છે. આ પેહલા પણ લોકસભા ચૂંટણી વખતે સર્જાયેલ પ્રશ્નોને હેન્ડલ કરવા, મનપામાં સંકલનની બેઠકમાં ભાજપના જ કોર્પોરેટરનો આક્રોશ, વેગેરે જેવા પ્રશ્નો પણ સામે આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે એક વર્ષની અંદર મનપાની ચૂંટણી આવશે ત્યારે ભાજપ ટીઆરપી અગ્નિકાંડ થી લઈને તમામ મુદ્દાઓ થી બહાર આવવા માંગે છે અને હવે ચૂંટણી માટે તૈયારી કરશે.
હાલ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો.ભરત બોઘરા થી નજીક છે. મુકેશ દોશીને 16 વર્ષ બાદ ફરીથી સક્રિય રાજકારણમાં લાવવા પાછળ પણ ડો.બોઘરાનો ફાળો છે. મુકેશ દોશી 2007-08 માં શિક્ષણ સમિતિના ચેરમેન હતા અને ત્યારબાદ એકંદરે શહેરના રાજકારણમાં જોવા મળતા ન હતા. તે સમયે તેમની દોઢ વર્ષ પેહલા ભાજપ પ્રમુખ તરીકે ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.
જે એક સરપ્રાઇઝ પણ કહી શકાય. કમલેશ મીરાણીએ જે રીતે ભાજપના સંગઠનને બે ટર્મ સુધી સંભાળ્યું હતું તે કાબિલેદાદ હતું અને તેથી હવે તેમના જ પથ પર ચાલવું તે પણ એક રીતે પડકાર હતો. હવે મુકેશ દોશી યથાવત રહે તે માટે ડો. બોઘરા એન્ડ ટીમ ઘણી મહેનત કરી રહી છે.
હાલમાં સંગઠન પર્વ દરમ્યાન ભાજપ પ્રમુખના ફોર્મ ભરવા માટે નેતાઓની લાઈન લાગી હતી તેમાં કહેવામાં આવે છે જે જૂનું જૂથ જે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી થી નજીકનું છે તે પણ સક્રિય થયું છે ફોર્મ ભર્યું હતું. 2012-13 માં સ્ટેન્ડિંગ ચેરમેન અને ત્યારબાદ 2015 માં મેયર બનેલા ડો. જેમન ઉપાધ્યાયનું નામ ચર્ચામાં છે. તેઓ 10 વર્ષ બાદ ફરી સંગઠનમાં મહત્વની જવાબદારી માટે લોબિંગ કરી રહ્યા છે.
જો મુકેશ દોશી રિપિટ ન થાય તો બ્રાહ્મણ સમાજમાંથી આમનું નામ મહત્વનું બની રહેશે. આ જ રીતે અન્ય એક બ્રાહ્મણ નેતાનું નામ છે કશ્યપ શુક્લા. ભાજપ હાઈકમાંડ અને સંઘ સાથે નજીક હો સીધું દિલ્હીથી સ્ટ્રોંગ લોબિંગ કરી રહ્યા છે. રાજકોટ મહાપાલિકામાં બે હજારથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરતા મહાનગરપાલિકા કર્મચારી પરિષદમાં પ્રમુખ છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે અને 2012 માં રાજકોટ પૂર્વ થી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. આ ઉપરાંત સામાકાંઠે થી ભાજપના ધારાસભ્ય તેમના વિશ્વાસુ અને હાલ શહેર ભાજપના મહામંત્રી અશ્વિન મોલીયાનું નામ આગળ રાખી રહ્યા છે, તેઓ લેઉવા પાટીદાર નેતા છે અને પૂર્વ ડેપ્યુટી મેયર છે. આ તમામ દાવાઓ વચ્ચે કોની પતંગ કેટલી આકાશમાં ચાગશે અને કેની કપાશે તે જોવાનું રહ્યું.