Surendranagarતા.૧૮
સુરેન્દ્રનગર દર વર્ષે શિયાળાની સીઝનમાં સુરેન્દ્રનગર જીલ્લાના કરછના નાના રણમાં મોટી સંખ્યામાં અલગ અલગ પ્રકારના વિદેશી પક્ષીઓનુ આગમન થતુ હોય છે ત્યારે ચાલુ વર્ષે પણ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવી પહોંચતા દેશ વિદેશથી પ્રવાસીઓ વિદેશી પક્ષીઓને જોવા ઉમટી ૫ડયા છે.
આ અંગે મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્ય સાથે ઝાલાવાડમાં પણ ધીરે ધીરે ઠંડીનો માહોલ જામતો જાય છે ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જીલ્લાના કચ્છના નાના રણ એવા પાટડી અને ધ્રાંગધ્રા તાલુકાનો અભ્યારણ વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન થઈ ચુક્યું છે અલગ-અલગ દેશમાંથી શિયાળાની સિઝનમાં હજારો કિલોમીટરનું અંતર કાપીને વિદેશી પક્ષીઓ રણમાં આવી પહોંચ્યા છે જેમાં ફ્લેમિંગો, સ્પૂન બિલ, કુંજ, ટિલોર, પેરિગ્રીન, ફાલકન, રણ ચકલી, નાઈટ જાર, ડેમોલિન જેવા અલગ અલગ જાતના પક્ષીઓનુ આગમન થયુ છે. કચ્છના નાના રણનો વિસ્તાર અંદાજે ૪૯૫૩ ચોરસ કિલોમીટર એરિયામાં ફેલાયેલ છે. આ રણની અંદર શિયાળાની સીઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને શિયાળા દરમિયાન મહેમાન ગતી માણતા હોય છે ત્યારે પક્ષીઓને જોવા માટે માત્ર ગુજરાત જ નહિં પરંતુ અન્ય રાજ્યો અને વિદેશથી પણ પ્રવાસીઓ મોટીસંખ્યામાં ઉમટી પડે છે ત્યારે અભ્યારણ્યમાં પક્ષીઓને જોવા માટે પ્રવાસીઓનો ઘસારો દિવસેને દિવસે વધી રહ્યો છે. હાલ યુરોપ જેવા દેશોમાં બરફ વધુ હોવાથી ત્યાંનું ભૌગોલીક વાતાવરણ અનુકુળ ન આવતા વિદેશી પક્ષીઓ વિદેશ છોડી રણ વિસ્તારમાં આવી પહોંચે છે અને શિયાળાની સીઝન એટલે કે ચાર મહિના સુધી અહિં વસવાટ કરે છે જ્યારે પક્ષીવિદોના જણાવ્યા મુજબ શિયાળાની સીઝનમાં રણ વિસ્તારમાં વિદેશી પક્ષીઓને પુરતો ખોરાક મળી રહે છે અને વાતાવરણ પણ અનુકુળ હોય છે. આથી છેલ્લા ઘણા વર્ષોથી શિયાળામાં વિદેશથી પક્ષીઓ અહીં મહેમાન બને છે જ્યારે પક્ષીઓને પણ કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે અભ્યારણ્ય ટીમ દ્વારા ખાસ કાળજી પણ લેવામાં આવે છે દર વર્ષે પ્રવાસીઓની મુલાકાતથી અભ્યારણ્યની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે.