New Delhi,તા.15
સજા એ મોતનો અર્થ હંમેશાં ફાંસી થતો નથી. દેશભરની જેલોમાં મૃત્યુદંડની સજાનાં હજારો કેદીઓ ફાંસીની રાહ જોઈને માનસિક રીતે બીમાર બની રહ્યાં છે. કારણ કે અડધાં ટકાથી પણ ઓછા કેસોમાં ફાંસી આપવામાં આવી છે. દેશની જેલોની સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલાં ’પ્રિઝન ઇન ઇન્ડિયા-2024’ રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
રિપોર્ટ અનુસાર, ભારતમાં 2018 અને 2022 ની વચ્ચે મૃત્યુદંડની સજાનાં કેદીઓની સંખ્યામાં 35.3 ટકાનો વધારો થયો છે, પરંતુ તેમને ફાંસી આપવામાં આવશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે.
2006 અને 2022 ની વચ્ચે, ફક્ત સાત લોકોને ફાંસી આપવામાં આવી હતી, જે આ સમયગાળા દરમિયાન કોર્ટ દ્વારા આપવામાં આવેલી 2172 મૃત્યુદંડની સજામાંથી માત્ર 0.3 ટકા છે. પંજાબની જેલોમાં સૌથી વધુ 3500 મૃત્યુદંડના કેદીઓ ફાંસીની રાહ જોઈ રહ્યાં છે. દિલ્હીની જેલોમાં આ સંખ્યા 1200 અને યુપીમાં 1100 થી વધુ છે.
જેલમાં 82 કેદીઓની તપાસ કરવામાં આવી
સુપ્રીમ કોર્ટની રીપોર્ટમાં નેશનલ લો યુનિવર્સિટી, દિલ્હીનાં પ્રોજેક્ટ 39-એ દ્ગારા પાંચ રાજ્યોનાં 82 મૃત્યુદંડના કેદીઓની તપાસ કરી હતી.એનએલયુએ છત્તીસગઢ, દિલ્હી, કર્ણાટક, કેરળ અને મધ્યપ્રદેશની જેલોમાં કેદીઓ સાથે વાતચીત કરી હતી.
મૃત્યુદંડની સજાનાં 62 ટકા કેદીઓ માનસિક બિમાર
લાંબા સમયથી જેલમાં રહેલાં 62 ટકાથી વધુ મૃત્યુદંડના કેદીઓ માનસિક રીતે બીમાર છે. આનું મુખ્ય કારણ લાંબા સમયથી જેલમાં બંધ હોવાને કારણે કેદીઓમાં એકલતા અને ફાંસી અંગેની અનિશ્ચિતતા છે.
સેશન્સ કોર્ટમાંથી ફાંસીની સજા સંભળાવ્યાં બાદ દોષિતોની અપીલ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ઉકેલવામાં બે થી પાંચ વર્ષનો સમય લાગે છે. આ પછી, દયાની અરજી પર પ્રક્રિયા કરવામાં 13 વર્ષ જેટલો સમય લાગે છે.