Rajkot, તા. 24
રાજકોટના રસ્તા પર તાજેતરમાં નવી 22 સીએનજી સીટી બસ ઉમેરવામાં આવી છે અને નવા રૂટ પણ જોડવામાં આવ્યા છે ત્યારે છેલ્લા સમયમાં આ બસોના કારણે જીવલેણ અકસ્માતો પણ થયા છે. રવિવારે સીટી બસે માસુમ બાળકનો ભોગ લીધો છે ત્યારે મહાપાલિકાની ઓપરેટર એજન્સીના બેદરકારીભર્યા વહીવટનું વધુ એક ઉદાહરણ મળ્યું છે.
તેમાં પણ ગઇકાલે સીટી બસનો એક કંડકટર નશાની હાલતમાં જોવા મળ્યા બાદ તેને હાંકી કાઢવામાં આવ્યો છે. કોર્પો. દ્વારા સીટી અને બીઆરટીએસ બસ સેવાના પરિવહન માટે એજન્સી રોકવામાં આવી છે. જેની સામે આવી ગંભીર બેદરકારી બદલ પેનલ્ટીના પગલા લેવા સાથે હવે તમામ ડ્રાઇવર કંડકટરના સરકારી મેડીકલ ફિટનેસ સર્ટીફીકેટ ફરજીયાત બનાવાયા છે.
હાલ દોડતી સીટી બસના આ સ્ટાફને સીવીલ હોસ્પિટલે ચેકઅપ માટે એજન્સી મારફત મોકલાઇ રહ્યો છે. તો હવે નવી ભરતીમાં સરકારી નોકરીની જેમ જ શારીરિક અને માનસિક રીતે ફીટ કર્મચારીને જ ડ્રાઇવર અને કંડકટર તરીકે રાખવા પણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
રવિવારે કણકોટ રોડ પર ઇજનેરી કોલેજ સામે સીટી બસે માતા-પુત્રને હડફેટે લેતા માસુમ બાળકનું મૃત્યુ થયું હતું. આ અગાઉ રેલનગરમાં કરૂણ બનાવમાં ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટએટેક આવતા નિર્દોષ મહિલાનો ભોગ લેવાયો હતો. સોરઠીયાવાડી સર્કલ પાસે એક વૃધ્ધને થોડા સમય અગાઉ બસે ઉડાવ્યા હતા.
કણકોટ રોડના બનાવના કલાકોમાં જ આ ડ્રાઇવરને ટર્મીનેટ કરી દેવામાં આવ્યો છે. શનિવારે એક સીટી બસનો કંડકટર નશો કરેલી હાલતમાં દરવાજા પર લટકેલો હોવાનો વિડીયો મનપા પાસે પહોંચ્યો હતો. આથી ગઇકાલે આ કંડકટરને પણ છુટો કરી દેવામાં આવ્યો છે.
હાર્ટ ફેઇલની ઘટના બાદ તમામ કંડકટર અને ડ્રાઇવરના ફિટનેશ સર્ટીફીકેટ ફરજીયાત બનાવાયા છે. હાલ 199 બસના આ કર્મચારીઓના ફિટનેસ ટેસ્ટ ચાલે છે. માત્ર સિવિલના સર્ટીફીકેટ જ માન્ય રહેશે. જે કોઇ કર્મચારી અનફીટ મળશે તેને છુટા કરવામાં આવશે. તો સાથે હવે નવી ભરતીમાં સરકારી કર્મચારીના ટેસ્ટની જેમ ડ્રાઇવર અને કંડકટરના ફીટનેસ સર્ટીફીકેટ સિવિલ હોસ્પિટલમાંથી ઇસ્યુ થાય તે બાદ જ નોકરીએ રાખવા નિર્ણય લેવાયો છે.
હાલ સિવિલમાં આ ટેસ્ટ સમયાંતરે ચાલી રહ્યા છે.તાજેતરમાં નવી 22 બસને લીલી ઝંડી અપાતા આ રૂટ સાથે ગ્રીનલેન્ડ, પરાપીપળીયા, ગોંડલ ચોક, માધાપર ચોકને જોડવામાં આવ્યા છે. તો ટ્રાફિકવાળા ત્રણ રૂટ પર નવી છ બસનો ઉમેરો કરવામાં આવ્યો છે.
હાલ રાજકોટમાં દૈનિક અંદાજીત અર્ધો લાખથી વધુ લોકો દ્વારા લાભ લેવામાં આવી રહેલ છે. સિટી બસ સેવામાં સિનિયર સિટિઝનને ફ્રી મુસાફરીની જાહેરાતના નિર્ણયથી અંદાજીત દૈનિક 7,000થી વધુ સિનિયર સિટિઝન દ્વારા પણ લાભ લેવામાં આવે છે.
રાજકોટમાં કુલ સિટી બસ તથા બીઆરટીએસ સેવા અંતર્ગત હાલમાં કુલ 199 બસ દ્વારા કુલ 73 રૂટ પર પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ શહેરમાં સિટી બસ સેવાના હયાત રૂટ તેમજ નવા રૂટ ચાલુ કરવા પણ સમયાંતરે સમીક્ષા કરવામાં આવે છે. પરંતુ સીટી બસના ડ્રાઇવર તથા કંડકટરમાં શિસ્ત અને જવાબદારી વધારવા પણ પ્રયાસ કરવાની જરૂર છે.
કારણ કે જીવલેણ બેદરકારીમાં નિર્દોષ લોકોના પરિવારોના માળા પીંખાઇ જાય છે અને રૂટ પર ડ્રાઇવરો ટેકસી અને છકડાની જેમ કાવા મારીને ઓવરટેક કરતા જોવા મળે છે. ચેકીંગ ટીમને પણ વધુ વિજીલન્ટ કરવાની જરૂર છે. એકંદરે આ આવશ્યક સેવામાં સલામતીની ગેરેંટી વધારવી અનિવાર્ય છે.
બેદરકાર એજન્સીઓ સામે કાર્યવાહી પર ઢાંકપીછોડા
સીટી બસ ઓપરેટર એજન્સીની અવારનવાર બહાર આવતી બેદરકારી બદલ પેનલ્ટી સહિતની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ એકાદ વર્ષથી એકાએક મહાપાલિકાએ આવી જીવલેણ બેદરકારી બદલ કરાતી કાર્યવાહીની સત્તાવાર યાદી બહાર પાડવાનું બંધ કરી દીધું છે.
માત્ર 25 હજારનો વેરો બાકી હોય તો પણ સીલ મારવા જતા, ચેક આપી દેવા છતાં સામાન્ય વેપારી કે કરદાતાનું નામ છાપરે ચડાવતા મનપા તંત્ર આવી ઘોર બેદરકાર એજન્સી સામે કરાતી કાર્યવાહી ઢાંકીને રાખે છે.
દર મહિને કંડકટર સસ્પેન્ડ કરવામાં આવે છે. મોટી પેનલ્ટી થાય છે. પરંતુ તેમાં તંત્રને પોતાનું ખરાબ દેખાતું હોવાનું લાગતા આવી બેદરકારી પડદા પાછળ ઢાંકી દેવામાં આવે છે તે આશ્ચર્યજનક વાત છે.