Rajkot, તા.3
આરોગ્ય-ગ્રામ વિકાસ સહિતના ક્ષેત્રોમાં અસરકારક કામગીરી બદલ રાજકોટ જીલ્લા પંચાયતનો ડંકો વાગી જ રહ્યો છે ત્યારે હવે સમગ્ર ગુજરાતમાં રાજકોટ જીલ્લા પંચાયત નંબર-વન બની છે.
જીલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેએ વાતચીતમાં કહ્યું કે સરકાર દ્વારા જુદા-જુદા 70 માપદંડોની ચકાસણી કરીને તમામ જીલ્લા પંચાયતોને રેન્કીંગ આપવામાં આવે છે તેમાં 74થી વધુની ટકાવારી સાથે રાજકોટ જીલ્લા પંચાયતને પ્રથમ ક્રમ મળ્યો છે. પંચાયત, ગ્રામ વિકાસ તથા આરોગ્ય ક્ષેત્રમાં સૌથી વધુ માર્કસ મળ્યા છે. સામાન્ય રીતે લાંબા વખતથી રાજકોટ જીલ્લા પંચાયતનો સ્ટેટ રેન્કીંગમાં ટોપ-ફાઇવમાં તો સમાવેશ થતો જ હતો. આ વખતે પ્રથમ સ્થાન મળ્યું છે.
જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઇ રંગાણીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર પંચાયતી રાજ સંસ્થાઓની અસરકારક રહે તે માટે કટીબધ્ધ છે જ. સંશોધનોનો મહતમ ઉપયોગ કરીને ગ્રામ વિકાસ તથા સંસ્થાઓના સશક્તિકરણ માટે કાર્યવાહી થાય છે.
ગુજરાતમાં પંચાયતી રાજના અસરકારક અમલ તથા પારદર્શિતા માટે સીએમ કેશબોર્ડ ઉપલબ્ધ છે. પંચાયત, ગ્રામ વિકાસ, કૃષિ-સહકાર, માર્ગ મકાન, પરિવાર કલ્યાણ, આરોગ્ય, સામાજીક ન્યાય સહિતના વિભાગોમાં કેપીઆઇ રજીસ્ટરમાં રાજકોટ જીલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે છે. સરળ અને પારદર્શી વહીવટ તથા અસરકારક સંકલનથી શક્ય બન્યું છે તેમાં માટે ચૂંટાયેલા સભ્યો તથા અધિકારી સહિત સમગ્ર સ્ટાફનું યોગદાન છે.