Rajkot , તા. 31
રાજકોટની સેશન્સ કોર્ટે હત્યાની કોશીશના ગુનામાં બે આરોપીઓને આજીવન કેદની સજા અને પ્રત્યેકને રૂા. 2.5 લાખનો દંડ ફટકાર્યો છે. વર્ષ 2013ના બનાવમાં ફરિયાદી ઉપર હથિયારોથી મરણતોલ હુમલો કરનાર બે આરોપીઓનો ઇરાદો મૃત્યુ નિપજાવવાનો હતો તેવું અદાલતે માન્ય રાખ્યું છે.
આ સમગ્ર કેસની વિગત મુજબ તા. 11/11/2013ના સવારના 8.30 કલાકે ફરિયાદી પ્રવિણભાઇ લુણાગરીયા (ઉ.વ.53) ઉપર ધારીયા, તલવાર અને પાઇપથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડનાર આરોપીઓ ભરત રઘુભાઇ કુંગશીયા, ગંભીર નાગદાન ડાંગર, રામભાઇ દેવશીભાઇ પીઠીયા અને બીજા પાંચ ઇસમોએ સ્કોર્પિયો ગાડીમાં આવીને પોતાના બાઇક ઉપર જતા ફરીયાદીને પાછળથી ગાડી ભટકાડી પછાડી દીધેલ હતા.
ત્યારબાદ સાતેય ઇસમો સ્કોર્પિયો ગાડીમાંથી ઉતરી ફરિયાદી પ્રવિણભાઇ ઉપર હથિયારો વડે હુમલો કરી તેઓને બંને પગમાં, હાથની કોણીમાં, આંગળામાં અને માથામાં સખ્ત ઇજાઓ કરેલ હતી અને ત્યારબાદ ત્યાંથી નાસી છુટેલ હતા. ફરીયાદીને હોસ્પિટલમાં દાખલ કરતા તેઓએ આ ગુનાની હકીકતો જણાવેલ હતી.
પોલીસ તપાસ બાદ કેસ ચાલવા પર આવતા ગંભીરભાઇએ બનાવ સમયે પોતે ચોટીલા હોવાનો બચાવ લીધેલ અને બે આરોપીઓએ બચાવમાં જણાવેલ કે, જે હથિયારો વડે હુમલો થયાનું ફરીયાદી જણાવે છે તે હથિયારોથી થઇ શકે તેવી ઇજાઓ મેડીકલ સર્ટીફીકેટમાં નથી. આ કારણે જમીન અંગેની જુની અદાવત હોવાથી ફરિયાદીએ આરોપીઓના ખોટા નામો ફરિયાદમાં લખાવેલ છે.
સરકાર તરફે અને મુળ ફરિયાદીના વકીલ દ્વારા રજુઆત કરવામાં આવેલ કે, આરોપી ગંભીર બનાવ સ્થળે ન હતો અને ચોટીલા હતો તે સાબિત કરવા માટે જે સાહેદોને બચાવમાં તપાસવમાં આવેલ છે તે સાહેદોએ પોતાની ઉલટ તપાસ દરમ્યાન ગંભીર 8.30 કલાકે બનાવ સ્થળે હતો તેમ સાબિત થાય છે. આથી ગંભીર ખોટો બચાવ ઉભો કરવા માટે જે સાહેદોની જુબાની લીધેલ છે તે સાહેદો વિશ્ર્વાસપાત્ર જણાતા નથી.
બીજા આરોપીઓ વતી હથિયાર અને ઇજાઓ અંગે જે વિસંગતતા જણાયેલ છે તેના જવાબમાં સરકાર તરફે રજુઆત કરવામાં આવેલ કે, કોઇ એક જ વ્યકિત ઉપર જીવલેણ હુમલો કરવા માટે જયારે સાત વ્યકિતઓ હથિયાર સાથે આવે ત્યારે દરેક આરોપીના હાથમાં રહેલ હથિયાર વડે ઇજાઓ થાય તે અનિવાર્યપણે જરૂરી નથી, કારણ કે એક જ આરોપીના હાથમાં રહેલ હથિયારથી ફરીયાદીને જયારે ગંભીર ઇજા થયેલ હોય અને તેઓ જમીન ઉપર ચડી ગયેલ હોય.
ત્યારે બીજા આરોપીઓએ પોતાની પાસેના હથિયાર વડે ફરિયાદીને ઇજાઓ કરવાની જરૂરત રહેતી નથી. આ રીતે દરેક આરોપીના હાથમાં હથિયાર હોય તો પણ દરેક આરોપીઓએ પોતાના હથિયાર વડે ઇજાઓ કરેલ ન હોય તેમ પણ બને. પરંતુ આ તમામ આરોપીઓ સમાન ઇરાદો પાર પાડવા અને ફરીયાદીને મારી નાખવા માટે કાવતરૂ ઘડયાના આરોપસર દોષિત કરે છે.
આ રજુઆતો માન્ય રાખી સેશન્સ જજ વી.કે.ભટ્ટ એ સેશન્સ કેસમાં હાજર ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને પ્રત્યેકને રૂપિયા 2.5 લાખનો દંડ ફરમાવેલ છે તેમજ એક આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકેલ છે. જયારે નાશતા ફરતા ત્રણ આરોપીઓ સામેનો કેસ તેઓ પકડાઇ ગયેથી નવેસર ચાલવા પાત્ર રહે છે.
આ કેસમાં ફરિયાદી તરફે સીનીયર ધારાશાસ્ત્રી અર્જુનભાઇ પટેલ અને તેમની સાથે વકીલ મુકેશભાઇ કેસરીયા રોકાયેલા હતા અને સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઇ કે. વોરા અને પરાગભાઇ એન. શાહ રોકાયેલ હતા.