Canada,તા.25
કેનેડાના શહેર મોન્ટ્રીયલમાં શુક્રવારે રાત્રે ઈઝરાયેલ વિરોધી અને પેલેસ્ટાઈન તરફી પ્રદર્શનોમાં થયેલી હિંસા અંગે જસ્ટિન ટ્રુડો ઘેરાયા છે. કેનેડાના વિપક્ષી નેતા પિયર પોઈલીવરે આ ઘટના માટે PM જસ્ટિન ટ્રુડોને જવાબદાર ગણાવ્યા છે અને કહ્યું છે કે, તમે આ હિંસાની નિંદા કરવાનું માત્ર નાટક કરી રહ્યા છો.
હકીકતમાં, PM જસ્ટિન ટ્રુડો ટેલર સ્વિફ્ટ કોન્સર્ટમાં ડાન્સ કરતાં હોય તેવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને તેમને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ટીકાકારો કહી રહ્યા છે કે, એક બાજુ મોન્ટ્રીયલમાં હિંસા ભડકી ઉઠી, જ્યારે બીજી બાજુ વડાપ્રધાન ટ્રુડો ટેલર સ્વિફ્ટના ટ્રેક યુ ડોન્ટ ઓન મી પર ડાન્સ કરતા જોવા મળ્યા.
જસ્ટિન ટ્રુડોએ શનિવારે હિંસા વિશે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘ગઈ રાત્રે અમે મોન્ટ્રીયલની શેરીઓમાં જે જોયું તે ભયાનક હતું. યહૂદી વિરોધી કૃત્યો, ધમકીઓ અને હિંસા જ્યાં પણ થાય છે તેની નિંદા થવી જોઈએ. RCMP સ્થાનિક પોલીસના સંપર્કમાં છે. આ માટે જવાબદાર અને તોફાનીઓને જવાબદાર ગણવામાં આવશે. ટ્રુડોના આ ટ્વિટની વિપક્ષી નેતા પોઈલીવરે કડક શબ્દોમાં નિંદા કરી છે
જસ્ટિન ટ્રુડોને જવાબ આપતા કેનેડિયન રાજકારણી પિયર પોઈલીવરે કહ્યું હતું. ‘તમે આશ્ચર્યચકિત થવાનો ઢોંગ કરી રહ્યા છો. તમે જે વાવ્યું તે અમે લણી રહ્યા છીએ. વડાપ્રધાન તરીકે તમે નવ વર્ષ સુધી ઝેરી ઓળખની રાજનીતિ કરીને જાતિ, લિંગ, ધર્મ અને પ્રદેશના આધારે લોકોને વિભાજિત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, કેનેડાના શહેર મોન્ટ્રીયલમાં શુક્રવારે રાત્રે ઈઝરાયેલ વિરોધી અને પેલેસ્ટાઈન તરફી સમર્થકો વચ્ચે હિંસા થઈ હતી. NATOના સભ્યો અને ભાગીદાર દેશોના 300 પ્રતિનિધિઓ મોન્ટ્રીયલમાં બેઠક કરી રહ્યા છે ત્યારે આ બન્યું છે.
આ દરમિયાન ઈઝરાયેલના સમર્થનમાં એકઠા થયેલા દેખાવકારો અને લોકો વચ્ચે અથડામણ થઈ હતી. હિંસા અને આગચંપી બાદ પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કરવો પડ્યો હતો.