તેણે ઓસ્ટ્રેલિયામાં એક સીરિઝમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાના મામલે બેદીનો રેકૉર્ડ તોડી નાખ્યો છે
Sydney, તા.૪
ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઈતિહાસ રચતા પાંચમી અને છેલ્લી ટેસ્ટના બીજા દિવસે બોલથી વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ટેસ્ટ મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી રહેલા બુમરાહે પહેલા સેશનની શરૂઆતમાં જ માર્નસ લાબુશેનની મોટી વિકેટ ખેરવી હતી. તેણે ઓસ્ટ્રેલિયામાં એક સીરિઝમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાના મામલે ૪૭ વર્ષ બાદ દિગ્ગજ બિશન સિંહ બેદીનો રેકૉર્ડ તોડી નાખ્યો છે.
૩૧ વર્ષીય બુમરાહ આ સીરિઝમાં સર્વશ્રેષ્ઠ બોલર રહ્યો છે અને તેણે એકલા હાથે ભારતને ઘણી વખત મેચમાં વાપસી કરાવી છે. તેણે પહેલા દિવસે ઉસ્માન ખ્વાજાની વિકેટ લીધી હતી. બીજા દિવસે સવારે લાબુશેન તેના બોલ પર આઉટ થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયન બેટ્સમેને સ્ટમ્પની પાછળ ઋષભ પંતના હાથમાં બોલ મારી દીધો હતો અને સિરીઝની નિર્ણાયક મેચમાં તે માત્ર બે રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ વિકેટ સાથે બુમરાહે સીરિઝમાં પોતાની વિકેટોની સંખ્યા વધારીને ૩૨ કરી નાખી અને બેદીનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. બેદીએ ૧૯૭૭/૭૮માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં ૩૧ વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયામાં એક સીરિઝમાં ભારત માટે સૌથી વધુ વિકેટ
૩૨ વિકેટ- જસપ્રીત બુમરાહ- ૨૦૨૪/૨૫
૩૧ વિકેટ- બિશન બેદી- ૧૯૭૭/૭૮
૨૮ વિકેટ- બીએસ ચંદ્રશેખર- ૧૯૭૭/૭૮
૨૫ વિકેટ- ઈએએસ પ્રસન્ના- ૧૯૬૭/૬૮
૨૫ વિકેટ- કપિલ દેવ- ૧૯૯૧/૯૨
બુમરાહ સતત પાંચ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો માટે સૌથી ખરાબ સ્વપ્ન રહ્યો છે. ૩૧ વર્ષીય બોલરે સીરિઝમાં ૩ વખત ૫ વિકેટ ઝડપી છે. તે કાંગારૂ બેટ્સમેનોને ડરાવવામાં સફળ રહ્યો છે.