New Delhi, તા.5
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક વિવાદાસ્પદ વિધાનમાં દેશની સેના 10 ટકા લોકોના નિયંત્રણમાં હોવાનો દાવો કર્યો હતો. ગઈકાલે બિહારમાં ચુંટણી પ્રચાર સમયે રાહુલ ગાંધીએ કુટુંબામાં એક ચૂંટણીસભાને સંબોધતા કહ્યું હતું કે જો તમે શાંતિથી જુઓ તો દેશની 90 ટકા વસ્તી દલીત, મહાદલીત, પછાત અને અતિ પછાત તેમજ અલ્પસંખ્યક (લઘુમતી) સમુદાયની છે.
દેશના 90 ટકા લોકો સૌથી પછાત અને આદિવાસી વર્ગમાંથી આવે છે અને જો તમે ભારતની ટોચની 500 કંપનીઓની યાદી જુઓ તો કોઈ દલીત સમુદાયનો વ્યક્તિ તેમાં જોવા નહી મળે. તમામ ટોચના 10 ટકા લોકોમાંથી આવે છે.
સારી નોકરીઓ તેઓ લઈ જાય છે અને રાહુલે તે પછી એવું વિધાન કર્યુ કે, દેશના સૈન્ય પર પણ તેમનો કબ્જો છે. બાકીના 90 ટકા લોકોનું કોઈ નિયંત્રણ નથી. રાહુલ ગાંધીના આ વિધાનોએ જબરો વિવાદ સર્જયો છે અને ભાજપે રાજકારણમાં સૈન્યને ઘસેડવા મુદે રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગણી કરી છે.
એક તરફ આજે રાહુલ ગાંધી ફરી એક વખત તેમના વોટ ચોરીના આક્ષેપ મુદે પત્રકાર પરિષદ કરી રહ્યા છે તે સમયે જ આ નવો વિવાદ વિપક્ષના નેતા માટે આગામી દિવસોમાં મુશ્કેલી સર્જી શકે છે.

