પાંચ ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું, 90 વિજચોરી ઝડપી લઇ કનેક્શન કટ કરી દેવાયા :પોલીસની કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ
Rajkot,તા.25
રાજકોટ શહેર પોલીસ દ્વારા 100 કલાકના એજન્ડા દરમિયાન 876 ઈસમોના અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા. ઉપરાંત આઠ શખ્સોની હદપારી જ્યારે ત્રણ શખ્સોને પાસા તળે ધકેલવા દરખાસ્ત કરવામાં આવી હતી. શહેર પોલીસ દ્વારા 8 ખનન માફિયા વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે પાંચ ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને 90 વીજચોરોને ઝડપી લઇ તેમના ગેરકાયદે કનેક્શન કટ કરી શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સજ્જનસિંહ પરમાર અને ડીસીપી ઝોન 2 જગદીશ બંગરવાના માર્ગદર્શન હેઠળ રાજ્ય પોલીસ વડાએ આપેલ 100 કલાકના એજન્ડા હેઠળ શહેર પોલીસ દ્વારા શહેરના કુલ 756 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી ગુનેગારો પર ધોસ બોલાવવામાં આવી હતી શહેર પોલીસ દ્વારા પાંચ દિવસમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અંગે મળતી વિગત મુજબ શહેર પોલીસ દ્વારા પાંચ દિવસ દરમિયાન કુલ 876 શખ્સોના અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત પાંચ દિવસ દરમિયાન શહેર પોલીસ દ્વારા કુલ ત્રણ શખ્સોને પાસા તળે ધકેલવાની દરખાસ્ત જ્યારે આઠ શખ્સોની હદપારીની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અલગ અલગ વિભાગ સાથે સંકલનમાં રહી કરવામાં આવેલી કામગીરી અંગે જો વાત કરવામાં આવે તો ખનીજ વિભાગ સાથે સંકલનમાં રહી શહેર પોલીસ દ્વારા 8 ખનન માફિયાઓ વિરુદ્ધ આકરા અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા.
Ll પોલીસની ટીમે કુલ 157 ગેરકાયદે બાંધકામની યાદી કરી મહાનગરપાલિકા સાથે સંકલન કરતા હાલ સુધીમાં પાંચ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બાંધકામોની ખરાઈ ચાલુ હોય આ બાંધકામો જો ગેરકાયદે જણાઈ આવશે તો તેની ઉપર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવશે. આ સિવાય પોલીસ દ્વારા પીજીવીસીએલ તંત્ર સાથે સંકલન કરી કુલ 147 ગેરકાયદે વીજ કનેક્શન અંગે ખરાઈ શરૂ કરવામાં આવી હતી. જે પૈકી 90 વીજ કનેક્શન ગેરકાયદે જણાઈ આવતા આ કનેક્શન કાપી વીજ ચોરો વિરુદ્ધ દંડનીય પગલા લેવામાં આવ્યા હતા.