Ahmedabad,તા.૭
અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માતમાં સ્કૂલેથી ઘરે પરત ફરી રહેલી ૧૨ વર્ષની બાળકીનું મોત થયું છે. બાળકી તેની માતા સાથે એક્ટિવા પર જઈ રહી હતી ત્યારે ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે માતાની નજર સામે જ બાળકીનું મોત નીપજ્યું હતું. સદનસીબે બાળકીની માતાને કોઈ ઈજા થઈ નહોતી
મળતી માહિતી મુજબ, ૧૨ વર્ષની આરાધ્યા બારોટ સ્કૂલેથી છૂટ્યા બાદ પોતાની માતા સાથે એક્ટિવા પર ઘરે જઈ રહી હતી. દરમિયાન થલતેજ વિસ્તારમાં જીજે ૨૪ એકસ ૫૧૩૦ નંબરના ડમ્પર સાથે એક્ટિવાની ટક્કર થઈ હતી. અકસ્મતમાં આરાધ્યાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોતાની આંખો સામે દીકરીને અકસ્માતમાં ગુમાવતાં માતા માટે ઘટનાની ક્ષણ અત્યંત આઘાતજનક બની હતી. અકસ્માતમાં માતાને કોઈ ઈજા થઈ નથી.
અકસ્માતમાં સામેલ ડમ્પર અંગે એવી માહિતી સામે આવી છે કે જીજે ૨૪ એકસ ૫૧૩૦ નંબરના આ ડમ્પર અગાઉ પણ એક અકસ્માતમાં સામેલ રહ્યું હતું, જેમાં બે લોકોના જીવ ગયા હતા. આ બાબતને લઈને પણ સમગ્ર ઘટનાને ગંભીરતાથી જોવામાં આવી રહી છે.
અકસ્મતની જાણ થતાં એસ.જી.-૧ ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતમાં સામેલ ડમ્પર ચાલકને સ્થળ પરથી જ ઝડપી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને અકસ્માતના સંજોગો અંગે વધુ તપાસ હાથ ધરી છે.
સ્કૂલેથી ઘરે પરત ફરતી બાળકીનું અકસ્માતમાં મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. માતાની નજર સામે જ દીકરીનું મોત થતાં સમગ્ર ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં પણ અરેરાટી ફેલાવી છે. હાલ પોલીસ દ્વારા અકસ્માત કેવી રીતે સર્જાયો અને ડમ્પર ચાલકની બેદરકારી સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

