Ahmedabad,તા.૭
શહેરના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલી શારદા વિદ્યામંદિરમાં ધોરણ-૮ના વિદ્યાર્થીને શાળા છૂટ્યા બાદ હાથમાં ગંભીર ઈજા થતાં તેને હોસ્પિટલમાં સારવાર કરાવવી પડી હતી. ઈજા એટલી ગંભીર હતી કે વિદ્યાર્થીના હાથમાં આશરે ૧૫ ટાંકા આવ્યા હતા. વિદ્યાર્થીને ઈજા કઈ રીતે થઈ તે હજુ સ્પષ્ટ થયું નથી. વિદ્યાર્થીના વાલીએ શાળા પાસે સીસીટીવી ફૂટેજની તપાસ કરવાની રજૂઆત કરી હતી. જોકે, ઘટના સમયે સીસીટીવીનું રેકોર્ડિંગ ઉપલબ્ધ ન હોવાનું શાળા તરફથી જણાવવામાં આવ્યું છે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ શાળા પાસેથી સમગ્ર ઘટનાનો રિપોર્ટ તેમજ સીસીટીવી ફૂટેજ રજૂ કરવા સૂચના આપી છે.
મળતી માહિતી મુજબ, ૩૧ ઓગસ્ટે શાળા છૂટ્યા બાદ ધોરણ-૮નો વિદ્યાર્થી સ્કૂલ વાનમાં બેસવા ગયો હતો. તે સમયે અન્ય એક વિદ્યાર્થીએ તેના હાથમાંથી લોહી નીકળતું જોયું હતું. વિદ્યાર્થીના હાથમાં ગંભીર ઘા હોવાથી સ્કૂલ વાનના ચાલકે તાત્કાલિક તેના હાથ પર પાટો બાંધી પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થીને તેના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. ઘટના ગંભીર જણાતાં પરિવારજનો બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા. તબીબી સારવાર દરમિયાન તેના હાથમાં આશરે ૧૫ ટાંકા લેવામાં આવ્યા હતા.
વાલીઓ માટે સૌથી મોટો સવાલ એ છે કે વિદ્યાર્થીના હાથમાં આટલો ગંભીર ઘા કઈ રીતે થયો. વિદ્યાર્થીએ પણ તેને કઈ વસ્તુથી ઈજા થઈ અથવા ઘટના કયા સંજોગોમાં બની તે અંગે સ્પષ્ટ માહિતી આપી ન હોવાનું પરિવારનું કહેવું છે. આથી વાલીએ શાળા સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી અને ઘટના અંગે સીસીટીવી ફૂટેજ તપાસવાની માંગ કરી હતી. વાલીને સીસીટીવી જોવા માટે શાળામાં બોલાવવામાં આવ્યા હતા.
વાલી સીસીટીવી તપાસવા શાળાએ પહોંચ્યા ત્યારે ઘટના સમયના સીસીટીવી રેકોર્ડિંગને લઈને પ્રશ્નો ઊભા થયા હતા. શાળા તરફથી જણાવાયું હતું કે આખા દિવસનું સીસીટીવી રેકોર્ડિંગ ઉપલબ્ધ છે, પરંતુ ઘટનાના સમયગાળાના આશરે ત્રણથી ચાર કલાકના ફૂટેજ મળતા નથી. શાળા મેનેજમેન્ટે આ માટે ટેક્નિકલ કારણ આગળ ધર્યું છે. હવે ટેક્નિકલ નિષ્ણાતની મદદથી આ સમયગાળાનું રેકોર્ડિંગ મળી શકે છે કે નહીં તે તપાસવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સવાલ એ પણ ઊભો થયો છે કે જો સીસીટીવી કેમેરા આખો દિવસ કાર્યરત હતા તો ચોક્કસ ઘટના બની તે સમયગાળાનું જ રેકોર્ડિંગ કેમ ઉપલબ્ધ નથી.
સ્કૂલ વાનના ચાલકના જણાવ્યા મુજબ, વિદ્યાર્થી શાળા છૂટ્યા બાદ સીધો વાનમાં આવીને બેઠો હતો. ત્યારબાદ અન્ય વિદ્યાર્થીએ તેના હાથમાંથી લોહી નીકળતું હોવાનું જોયું હતું. ચાલકને જાણ થતાં તેણે વિદ્યાર્થીના હાથ પર પાટો બાંધી આપ્યો હતો. તેના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીને પણ હાથમાં ઈજા કઈ રીતે થઈ તે અંગે જાણ નહોતી. ઘા મોટો હોવાથી લોહી નીકળતું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીને ઘરે પહોંચાડવામાં આવ્યો હતો.
શારદા વિદ્યામંદિર ના ટ્રસ્ટી સુરેશ બારોટે જણાવ્યું હતું કે તેમને સમગ્ર ઘટનાની જાણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી થઈ હતી. ત્યારબાદ તેમણે પ્રિન્સિપાલને બોલાવીને સમગ્ર મામલે માહિતી મેળવી હતી. ટ્રસ્ટીના જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીને શાળાની અંદર જ ઈજા થઈ હોવાની બાબત સ્પષ્ટ થઈ નથી. વિદ્યાર્થી શાળાની બહાર નીકળીને વાનમાં બેઠો ત્યારે અન્ય વિદ્યાર્થીએ તેના હાથમાં ઈજા હોવાનું ધ્યાન દોર્યું હતું. વાલીએ પ્રિન્સિપાલને રજૂઆત કરી ત્યારે ઘટનાની તપાસ કરીને જાણ કરવા કહેવામાં આવ્યું હતું. જોકે, મેનેજમેન્ટને ઘટનાની જાણ કરવામાં આવી નહોતી.
ટ્રસ્ટી સુરેશ બારોટે સ્વીકાર્યું હતું કે મેનેજમેન્ટને સમયસર જાણ કરવામાં આવી ન હોવાથી સંસ્થાના સ્તરે ચૂક થઈ છે. તેમણે જણાવ્યું હતું કે આચાર્ય દ્વારા મેનેજમેન્ટને ઘટનાની જાણ કરવામાં આવી ન હોવાથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ વાલીને મળીને સમગ્ર ઘટનાની હકીકત જાણવામાં આવશે અને તપાસ બાદ યોગ્ય અહેવાલ તૈયાર કરીને જિલ્લા શિક્ષણાધિકારીને મોકલવામાં આવશે. ઝ્રઝ્ર્ફ અંગે તેમણે જણાવ્યું હતું કે આખા દિવસનું રેકોર્ડિંગ ઉપલબ્ધ છે, પરંતુ ઘટના બની તે સમયના ત્રણથી ચાર કલાકના ફૂટેજ મળ્યા નથી. આ સમયગાળાનું રેકોર્ડિંગ ટેક્નિકલ કારણોસર ગુમ થયું હોવાનું જણાવાયું છે અને તેને મેળવવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે.વિદ્યાર્થીને ઈજા કેવી રીતે થઈ તે અંગે હજુ સ્પષ્ટતા ન થતાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ સમગ્ર મામલે રિપોર્ટ માગ્યો છે.

