Ahmedabad,તા.01
અમદાવાદના વટવા વિસ્તારમાં અકસ્માત બાદ શંકાના આધારે પોલીસે એક કારની તપાસ કરતા તેમાંથી કોડીન આધારિત કફ સિરપની 120 બોટલો મળી આવી હતી. આ મામલે પોલીસે નારોલમાં રહેતા 33 વર્ષીય કારચાલક શેરસિંહ રાજપૂતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર, વટવા વિસ્તારમાં સોમવારે (31મી ઓગસ્ટ) રાતે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં મોપેડચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
સ્થળ પર પહોંચેલી પોલીસે કારચાલક શેરસિંહ રાજપૂતની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન શંકા જતાં પોલીસે કારની ઝીણવટભરી તપાસ કરી હતી, જેમાં સીટ નીચે છુપાવેલી કફ સિરપની બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 165ની કિંમત ધરાવતી કોડીન આધારિત કફ સિરપની કુલ 120 બોટલો (કુલ કિંમત 19,800 રૂપિયા) જપ્ત કરી હતી. પોલીસે કાર તેમજ અન્ય સામાન મળીને કુલ 7.21 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ મામલે વટવા પોલીસે આરોપી શેરસિંહ વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આ કફ સિરપનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનું ગેરકાયદે વિતરણ કોને કરવાનું હતું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

