Ahmedabad,તા.01
અમદાવાદના ત્રિકમપુરા વિસ્તારમાં જૂની અદાવતમાં એક યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સોમવાર (31મી ઓગસ્ટ)ની રાતે બનેલી આ ઘટનામાં તલવાર અને લોખંડની પાઇપ જેવા ઘાતક હથિયારો વડે કરાયેલા હુમલામાં અજીતસિંહ નામના યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે તેને બચાવવા વચ્ચે પડેલા બે મિત્રો ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે પોલીસે ચાર શખસો સામે હત્યા અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હેમંતસિંહ નેગીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. 31મી ઓગસ્ટે રાત્રે હેમંતસિંહ, તેના ફઈનો દીકરો અજીતસિંહ અને મિત્ર અર્જુન ત્રિકમપુરા ચાર માળિયા ખાતે અજીતસિંહના ગીરવે મૂકેલા મકાન અંગે વાતચીત કરવા ગયા હતા. જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે જૂની અદાવત રાખીને હરેશ ઉર્ફે હિતેષ સોલંકી, અક્ષય સોલંકી, રવી સોલંકી અને ધર્મેશ સોલંકીએ તેના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.
ફરિયાદમાં જણાવ્યાનુસાર, અજીતસિંહને મારી નાખવાના ઈરાદાથી હિતેષ અને અક્ષયે તલવાર વડે તથા રવી અને ધર્મેશે લોખંડની પાઇપ વડે અજીતસિંહ પર આડેધડ ઘા ઝીંક્યા હતા, જેના કારણે અજીતસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ દરમિયાન બચાવવા પડેલા મિત્ર અર્જુન પર ધર્મેશે લોખંડની પાઇપ વડે હુમલો કરી માથામાં ઈજા પહોંચાડી હતી.

