Rajkot,તા.25
રાજકોટ ફેમિલી કોર્ટના હુકમ મુજબ પરિણીતાને વચગાળાનું ભરણપોષણ નહીં ચુકવનારા પતિને અદાલતે 132 દિવસની સજા ફટકારી છે. આ અંગેની હકીકત મુજબ, રાજકોટના દયાબેન વા./ઓ. હાર્દિકભાઈ સોલંકીએ સામા વાળા તેના પતિ હાર્દિક સોલંકી વિરુદ્ધ વચગાળાના ભરણપોષણની રકમની વસુલાત મેળવવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી કોર્ટમાં ગુણદોષ પર ચાલેલી અને તે અંતર્ગતની વચગાળાના ભરણપોષણની અરજી ફેમિલી કોર્ટ જ્જે અંશતઃ મંજૂર કરીને માસિક 4,500 વચગાળાના ભરણપોષણ પેટે ચૂકવવાનું તારીખ 4/ 12/ 23ના રોજ હુકમ કરવામાં આવેલ હતો. પરંતુ પતિ દ્વારા કોર્ટના વચગાળામાં ભરણપોષણ ચુકવવાના હુકમનું પાલન કરવામાં નહીં આવતા અરજદાર પરિણીતાએ હાલની અરજી તારીખ 19/ 1/ 24થી છ માસની ચડેલી માસિક વચગાળાની રકમ રૂપિયા 27000/ વસૂલવા માટે અરજી કરેલી, સદર કામમાં સામાવાળાને ધોરણસરની નોટિસથી હાજર કરી કોર્ટ દ્વારા ભરણપોષણની રકમ અંગે પૂછતા તેઓનો જવાબ વ્યાજબી ન લાગતા અરજદારના વકીલ રચનાબેન બી કક્કડની દલીલો જેવી કે સામાવાળા ભરણપોષણની રકમ ભરી શકે તેવી સ્થિતિમાં હોવા છતાં તેઓ હેરાન કરવાના બદઈરાદે ભરણપોષણની રકમ ચૂકવતા ન હોય જે ધ્યાને રાખી અને સામાવાળાનો જવાબ વ્યાજબી ન જણાતા ફેમિલી કોર્ટના જજ સામાવાળા પતિ હાર્દિક સોલંકીને 132 દિવસની કેદની સજા કરવાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં અરજદાર તરફે વકીલ રચનાબેન કક્કડ રોકાયા હતા.