Ahmedabad,તા.23
એર ઈન્ડિયાની ફ્લાઈટ્સના શિડ્યૂલ ખોરવાઈ રહ્યા છે અને એરક્રાફ્ટ્સમાં ટેકનિકલ પ્રોબ્લેમ્સ આવવાનું હજુય ચાલુ જ છે ત્યારે એર ઈન્ડિયાની ટોરન્ટોથી નવી દિલ્હી આવતી ફ્લાઈટ નંબર AI 188માં ઈન્ડિયા આવવા નીકળેલા અમુક ગુજરાતી પેસેન્જર્સે એરલાઈન પર કેટલાક ચોંકાવનારા આક્ષેપ કર્યા છે.
જૂન 18ની આ ઘટનાનો એક વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પોતાની ઓળખ ડો. ગૌરાંગ જોષી તરીકે આપનારા એક ગુજરાતી એવું કહેતા સાંભળી શકાય છે કે ફ્લાઈટના ડિપાર્ચરની આગલી રાતથી જ તેમને ફ્લાઈટ મોડી હોવાના ઈમેલ અને મેસેજ મળવાનું શરૂ થઈ ગયું હતું.
આ ફ્લાઈટ ટોરન્ટો એરપોર્ટ પરથી બપોરે એક વાગ્યે ટેક-ઓફ થવાની હતી પરંતુ પેસેન્જર્સને છેક સાંજે સાત વાગ્યે ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યા હતા.
ફ્લાઈટ ગેટ પરથી ડિપાર્ચર માટે બહાર નીકળી ત્યારબાદ તેને પોણો કલાક સુધી ઉભી રખાઈ હતી અને તેને દોઢ કલાકે ફરી ગેટ પર લાવવામાં આવી હતી.
ત્યારબાદ પેસેન્જર્સે ફ્લાઈટ ટેક-ઓફ કેમ નથી થઈ રહી તેનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ક્રુ મેમ્બર્સે ટેકનિકલ ફોલ્ટને કારણે ટેક-ઓફમાં મોડું થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.
જોકે, ખરેખર શું ફોલ્ટ હતો તેની કેબિન ક્રુને પણ કોઈ જાણ નહોતી, આ દરમિયાન અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશને ધ્યાનમાં રાખતા આ ફ્લાઈટમાં કેટલાક સવાર ગુજરાતી પેસેન્જર્સે પોતાનો પ્રવાસ પડતો મૂકવાનું નક્કી કરતાં પોતાને ડીપ્લેન કરી દેવા અને ટિકિટના પૈસા પાછા આપવા માટે ફ્લાઈટ મેનેજર સાથે વાત કરી હતી.
પેસેન્જર્સનો આક્ષેપ છે કે ફ્લાઈટ મેનેજરે તેમને ટિકિટ ફેર રિફંડ નહીં મળે તેવી વાત કરતા પોતાની જવાબદારીએ ડીપ્લેન થવા માટે કહી દીધું હતું. કોઈ રિસ્ક ના લેવા માગતા 15 જેટલા ગુજરાતી પેસેન્જર્સે ટિકિટના પૈસા પાછા ના અપાય તો પણ પ્રવાસ પડતો મૂકવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન ફ્લાઈટ મેનેજરે ઉદ્વતાઈભર્યું વર્તન કર્યું હોવાનો પણ પેસેન્જર્સ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.