આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખાસ કરીને તાવના કિસ્સામાં સ્લાઈડો લેવાની કામગીરી અવિરતપણે કરવામાં આવતી રહે છે
Kutch તા.૨૦
આ વખતે કચ્છમાં અત્યાર સુધીમાં બે વખત વાતાવરણમાં પલટો આવવાની સાથે કમોસમી વરસાદ પડી ચૂક્યો છે, હજુ પણ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. જેની વચ્ચે જિલ્લામાં ૧૪૦ દિવસમાં ૨.૮૭ લાખ તાવના કેસ સામે આવી ચૂક્યા છે. તેમાં મોટાભાગના કેસ વાયરલ ફીવરના હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે મેલેરિયાના માત્ર ૧૭ કેસ નોંધાયા છે, જેમાં ૨ ઝેરી મેલેરિયાના કેસનો પણ સમાવેશ થાય છે. આ સિવાય ૧૩ કેસ ડેન્ગ્યૂના પોઝિટિવ સામે આવ્યા છે. જ્યારે કોલેરા કે ચિકનગુનિયાનાં એક પણ કેસ નોંધાયા નથી.
આ બાબતે વધુ માહિતી આપતાં ઈન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કેશવકુમારે જણાવ્યું હતું કે, જિલ્લામાં જાન્યુઆરીથી લઇને ૨૦મી મે સુધીના ૧૪૦ જેટલા દિવસોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા વિવિધ ગામોમાં શંકાસ્પદ મેલેરિયાને ધ્યાને લઇને ૨,૮૭,૭૮૩ જેટલા રક્તના નમૂનાઓ લઈને પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં અત્યાર સુધીમાં મેલેરિયાના ૧૭ કેસ સામે આવ્યા છે. જેમાંથી ૨ કેસ ઝેરી મેલેરિયાના હતા. આ સિવાય આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શંકાસ્પદ ડેન્ગ્યૂને ધ્યાને લઇને ૪૬૮ જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી ડેન્ગ્યૂના ૧૩ કેસ પોઝિટિવ આવ્યા છે.
જ્યારે ચિકનગુનિયાના શંકાસ્પદ કેસોમાં ૧૪ જેટલા રક્તના નમૂના લેવામાં આવ્યા હતા, જેમા એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. આ સિવાય હજુ સુધીમાં કચ્છમાં કોલેરાનો પણ એક પણ કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખાસ કરીને તાવના કિસ્સામાં સ્લાઈડો લેવાની કામગીરી અવિરતપણે કરવામાં આવતી રહે છે. જેને કારણે ક્યા ગામમાં ક્યા રોગના વધુ લક્ષણો છે તેની જાણકારી મળી રહેવા પામે અને તે મુજબ આરોગ્ય વિભાગ આગળનો એક્શન પ્લાન ઘડી શકે.
કચ્છ જિલ્લામાં ૨૦૨૪ દરમ્યાન ભુજ તાલુકાના બન્ની, દિનારા સહિત વિવિધ તાલુકાઓનાં ૪૬ ગામોમાં સૌથી વધુ મેલેરિયાનાં કેસ નોંધાયા હતા. આ ગામો આ વખતે પણ મેલેરિયાગ્રસ્ત ન બને તે માટે આરોગ્ય વિભાગની ટીમ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઇ છે. આરોગ્ય વિભાગની કુલ ૩૯ ટીમો અને અર્બનની ૧૫ ટીમો દ્વારા હાલે આ ૪૬ ગામોમાં ઘરે ઘરે જઇને સ્પીનિંગની કામગીરી કરવામાં આવી રહી છે. જેને કારણે મેલેરિયાનાં મચ્છરો ઘરમાં પ્રવેશી ન શકે. આ સિવાય કચરા સહિતની ગંદકી તેમજ ઉભરાતી ગટરોનાં સ્થળોની સફાઇ બાદ ડસ્ટિંગની પણ કામગીરી કરવામાં આવી રહી છે, જેનો પ્રારંભ દિનારથી કરવામાં આવ્યો છે.
કચ્છમાં ૨૦૨૪ દરમ્યાન ખાસ કરીને જાન્યુઆરીથી ૨૦ મે સુધીમાં નોંધાયેલા મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા સહિતનાં કેસો ઉપર નજર કરવામાં આવે તો આ ૧૪૦ દિવસ દરમ્યાન કુલ શંકાસ્પદ મેલેરિયાને ધ્યાને લઇને ૨,૮૫,૯૩૪ જેટલા રક્તના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં મેલેરિયાના ૨૧ કેસ પોઝિટિવ જોવા મળ્યા હતા, જેમાં ઝેરી મેલેરિયાનાં પણ ૫ કેસનો સમાવેશ થાય છે.
આ સિવાય શંકાસ્પદ ડેન્ગ્યૂને ધ્યાને લઈને ૨૫૯ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં ૧૬ કેસ પોઝિટિવ જોવા મળ્યા છે. આ જ રીતે શંકાસ્પદ ચિકનગુનિયાના કેસને ધ્યાને લઈને ૧૬ સેમ્પલ લેવાયા હતા, જેમાંથી ૧ પોઝિટિવ કેસ સામે આવ્યો હતો.