Porbandar,તા.04
પોરબંદરના ખારવા સમાજના યુવાનો જાત મહેનત અને ખંતપૂર્વક આગળ વધીને ભારતીય નેવીમાં સબ લેફ્ટનન્ટ ઓફિસર તેમજ વિદેશની ખાનગી કંપનીમાં મર્ચન્ટશીપ કેપ્ટન તરીકે પસંદગી પામ્યા છે.
પોરબંદરનાં ખારવા સમાજના હિરેન કરશનભાઇ ગોહેલે સાયન્સમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કેડેટશીપની સખત તાલીમ પાસ કરતાં હોંગકોંગની એક કંપનીમાં શીપ કેપ્ટન તરીકે તેની પસંદગી થઈ છે. એ જ રીતે, સાવન પ્રવીણભાઇ ગોહેલે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નેવલ એકેડેમીમાં દોઢ વર્ષની તાલીમ પાસ કરતાં હવે તે ઇન્ડિયન નેવીમાં સબ લેફટનન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. બન્ને યુવાનોએ ખારવા સમાજનું ગૌરવ વધારતા ખારવા સમાજ પંચાયત મંદિર મઢી ખાતે સમાજના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા હારતોરા કરી એ બંનેને તેમજ તેમનાં માતાપિતાને પણ સન્માનિત કરાયા હતા.