New Delhi,તા.29
પેરિસ ઓલિમ્પિકસ 2024માં ભારતીય શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચ્યો છે. તેણે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે જ તે ઓલિમ્પિકસમાં મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા શૂટર બની ગઈ છે. આ ઇવેન્ટમાં દક્ષિણ કોરિયાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો હતો.
નિરાશાને પાછળ છોડી પેરિસ ઓલિમ્પિકસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
ટોક્યો ઓલિમ્પિકસમાં મળેલી હારની નિરાશાને પેરિસ ઓલિમ્પિકસમાં પાછળ છોડી દીધી હતી. પિસ્તોલમાં ખામીને કારણે તે આગળ વધી શકી નહીં, જેના કારણે તે ભાવુક પણ થઈ ગઈ હતી. પરંતુ પેરિસમાં તેણે એક કલાક અને 15 મિનિટ સુધી સંયમ જાળવી રાખ્યો હતો. ભારત 2012માં યોજાયેલા લંડન ઓલિમ્પિકસ પછી શૂટિંગમાં કોઈ મેડલ જીત્યો નથી.
રિયો ઓલિમ્પિકસ બાદ પિતા પાસેથી બંદૂક માંગી હતી
મનુ હરિયાણાની ઝજ્જરની રહેવાસી છે. તેના પિતા મર્ચન્ટ નેવીમાં ચીફ એન્જિનિયર છે. તેણે 14 વર્ષની ઉંમરે શૂટિંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કરી લીધું હતું. રિયો ઓલિમ્પિકસ 2016 પૂરો થયા પછી તેણે તેના પિતા પાસેથી શૂટિંગ માટે પિસ્તોલ માંગી હતી. એપ્રિલ 2016માં પહેલીવાર મનુ શૂટિંગ રેન્જમાં પહોંચી હતી. તેના માત્ર 15 દિવસ બાદ તેણે હરિયાણા ઓપન ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.તેણે 2017માં એશિયન જુનિયર ચેમ્પિયનશિપનો સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી તેણે નેશનલ ચેમ્પિયનશિપમાં ધૂમ મચાવી હતી. તેણે હિના સિંધુને પણ હરાવી અને સાથે-સાથે ઘણાં રાષ્ટ્રીય રેકોર્ડ પણ તોડ્યા હતા. આ ઈવેન્ટમાં તેણે 9 ગોલ્ડ જીત્યા હતા.
2018માં તેણે કોમનવેલ્થ ગેમ્સ અને યુથ ઓલિમ્પિકસમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય એ જ વર્ષે જુનિયર વર્લ્ડકપમાં પણ 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. જોકે, તે ટોક્યો ઓલિમ્પિકસમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શકી ન હતી. ક્વોલિફિકેશન રાઉન્ડમાં તે 12મા ક્રમે રહી હતી. બાદમાં તેની પિસ્તોલ ખામીયુક્ત હોવાનું બહાર આવ્યું હતું.