સી.ડબ્લ્યુ.સી.ના ગોદામમાંથી રૂા.૩૧,૬૪,૯૫૬ ની કિંમતની ૪૨૪૦૦ કિલોથી વધુ મગફળીની ચોરી થયેલ
Jetalsar તા.૬
જીલ્લાના જેતપુર તાબાના જેતલસર ખાતે કેન્દ્રિય ગોદામ નિગમના ગોદામમાં રાજ્ય સરકાર મારફત લઘુતમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી નાફેડ દ્વારા ખરીદ કરાયેલ મગફળીની ૧૨૧૧ ગુણી મગફળીની ચોરી મામલે જેતપુર તાલુકા પોલીસ મથક ખાતે ફરીયાદ નોંધાવતા પોલીસ ઈન્સ્પેકટર અજીતસિંહ એમ.હેરમા ત્થા મદદનીશો હાથ ધરેલ પ્રારંભિક તપાસમાં મગફળી ચોરી પ્રકરણમાં જેતપુરના ૪ શખ્સોની અટકાયત કરી વિશેષ પુછપરછ અર્થે તમામ આરોપીને આવતીકાલે અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે.
જેતલસર ખાતે કેન્દ્રિય ભંડાર(ગોદામ) નિગમના ગોદામમાં નાફેડ દ્વારા ખરીદ કરવામાં આવેલ ૪૨,૪૦૦ કિલોથી વધુ (૧,૨૧૨ ગુણી) મગફળી ગોદામમાંથી ચોરાય જતા ગોદામ મેનેજર દ્વારા આ મામલે જેતપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઈન્સ્પેકટર એમ.એ.હેરમાની સીધી દેખરેખ હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવતા તપાસમાં જેતપુર શહેરના ત્રાકૂડીપરામાં રહેતા ૨ ત્થા જેતપુર તાલુકાના દેરડી ત્થા જેતલસર ગામે રહેતા ૧-૧ શખ્સની અટકાયત કરી પ્રાથમિક તપાસ હાથ ધરતા ગોદામમાંથી થયેલ મગફળી ચોરીની ચારે શખ્સોએ કબુલાત કરી છે.
નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદ કરાયેલ મગફળીનો જે જથ્થો જેતલસરના ગોદામમાં સુરક્ષિતરીતે-સંગ્રહિત કરાયેલ તે જથ્થો ચોરી થતા મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે મિહીર ઉર્ફે મીલો દુર્ગેશભાઈ વેકરીયા, (ત્રાકૂડીપરા-જેતપુર), બિસન ઉર્ફે બીલો ધીરૂભાઈ મકવાણા (જેતલસર), જૈમિન ઉર્ફે બાઠીયો ભરતભાઈ બારૈયા(ત્રાકૂડીપરા જેતપુર)અને સહજ રામજી તારપરા (દેરડી જેતપુર)ની અટકાયત કરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક પુછપરછમાં ચારે શખ્સોએ ચોરીના કારસાને અંજામ આપ્યાની કબુલાત આપેલ છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી જૈમિન બારૈયા સરકારી ગોદામમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો. તાજેતરમાં એકાદ પખવાડીયાના પહેલા જ તેમને નોકરીમાંથી કાઢી મુકાયાનુ જાણવા મળેલ છે.
ઝડપાયેલા ચારે આરોપીઓની વિસ્તૃત પુછપરછ કરવા માટે પોલીસ દ્વારા તમામને આવતીકાલે અદાલતમાં રજુ કરી રિમાન્ડની માંગ કરવામાં આવશે, ત્યાર બાદ ચોરી પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી ઉપરાંત મુદામાલ તેમજ વાહનની વિગતો બહાર આવશે.
કડક-તટસ્થ તપાસ માંગતા કુંડારીયા
જેતલસરમાં આવેલ કેન્દ્રિય નિગમના ગોદામમાં નાફેડ દ્વારા સંગ્રહ કરાયેલ ૧૨૧૨ ગુણી રૂા.૩૧,૬૪,૯૦૦ થી વધુ કિંમતની મગફળીની ચોરી થવાના મામલાની જાણ થતા માજી સાંસદ અને નાફેડના ડિરેકટર મોહન કુંડારીયાએ થયેલ ચોરી પ્રકરણે કોઈ મોટામાથાની સંડોવણી અંગે શંકા દર્શાવી પોલીસ દ્વારા ચાલતી તપાસ નિષ્પક્ષ રીતે યોજવા અને સંડોવાયેલ લોકોને કડક સજા થાય તેવી રીતે યોજવા માંગ ઉઠાવી છે.