Rajkot. તા.7
હજ અને ઉમરાહની પવીત્ર ધાર્મિક યાત્રા કરાવવાના નામે 60 લોકો સાથે રાજકોટના રઝવી ટુર એન્ડ ટ્રાવેલ્સનાં સંચાલકો અને તેની મહિલા એજન્ટ રૂ.14.06 લાખની છેતરપીંડી આચરી ફરાર થઈ જતા બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. રાજ્યભરના મુસ્લિમ લોકો પવિત્ર ધાર્મિક યાત્રામાં જવા આરોપી અફઝલ રૂમી, ફિરોઝ જાફાઈ પાસે એડવાન્સ રૂપીયા આપી ટીકીટ બુક કરાવી, તા.4 ના અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જાણ થઈ કે, તેઓની સાથે છેતરપીંડી થઈ છે.
બનાવ અંગે રાજકોટમાં ભાવનગર રોડ પર બેડીપરા ફાયર સ્ટેશન પાસે મદ્રાસાવાળી શેરીમાં રહેતાં સમીરભાઇ રજાકભાઈ મુલતાની (ઉ.વ.28) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભગવતીપરા યદુનંદન હોસ્પીટલની સામે આવેલ રઝવી ટુર એન્ડ ટ્રાવેલ્સનો માલીક અફઝલ રૂમી, ફિરોઝ જાફાઈ અને બંનેના એજન્ટ તરીકે કામ કરતાં બિસમિલાબેનનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ શહેરમાં જુદા જુદા કાર્યક્રમોનાં ઇવેન્ટ ડેકોરેશનનું કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. એક વર્ષ પહેલા દંપતીએ વિચાર કરેલ કે, આપણા માતા-પિતા કે જેઓ વૃધ્ધ થઇ ગયેલ હોય જેઓને હજ તથા ઉમરાહની ધાર્મીક યાત્રા કરવા મોકલવા છે. જેથી શહેરના ભગવતીપરામાં યદુનંદન હોસ્પીટલની સામે આવેલ રઝવી ટુર એડ ટ્રાવેલ્સનાં માલીક અફઝલ રૂમી અને ફિરોઝ જાફાઈનો સંપર્ક કરેલ હતો. જેમાં બિસ્મીલાબેન તે જગ્યાએ નોકરી કરે છે. તેમની ઓફીસમાં ગઈ તા.14/07/2024 ના રૂબરૂ મળેલ જ્યાં પુછપરછ કરતા બંને સંચાલકોએ સાઉદી આરબ જવા માટેની ટીકીટ પાસપોર્ટ અને ત્યાં રહેવા જમવા માટેની વિગતો સમજાવેલ તેમજ એક વ્યક્તી દિઠ અલગ અલગ તારીખો માટે રૂ.61 હજાર થી લઈ રૂ.75 હજાર સુધીનો ખર્ચ જણાવેલ હતો.
તેમજ જણાવેલ કે, ઉમરાહ માટે વહેલી ટીકીટ બૂક કરાવશો તો ઓછો ખર્ચ અને મોડી ટીકીટ કરાવશો તો ખર્ચ વધી જશે જેથી માતા-પિતા, પતિ-પત્ની અને તેમના દિકરા અને મોટાભાઈ રિયાઝભાઈની દિકરીની તેમ કુલ છ વ્યક્તીની ટીકીટ બૂક કરાવેલ હતી. જેમાં તા.14/07 નાં રૂ.30 હજાર, બાદમાં રૂ.3500 અને રૂ.40 હજાર રઝવી ટુર એન્ડ ટ્રાવેલ્સ નામનાં ગૂગલ પે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ હતાં. તેમજ તા.02/12/2024 નાં રૂ.1 લાખ, તા.03/12 નાં રૂ.1 લાખ અને બાદમાં રૂ.25 હજાર તેઓને ટ્રાન્સફર કરેલ હતાં.
ગઇ તા.27/11/2024 ના તેમના સગા મોટાભાઈ રિયાઝભાઈ અને ભાભીની પણ ઉમરાહ જવા માટે વધારાની ટીકીટ ઉમરેવી હોય જેથી બંને સંચાલકોની હાજરીમાં રૂ.1.45 લાખ રોકડા આપેલ હતાં. જે બાબતની રઝવી ટુર્સ એંડ ટ્રાવેલ્સ નામની પહોંચ આપેલ તેમજ અલગ અલગ તારીખે રૂ.1.19 લાખ રોકડા આપેલ હતાં. તેમજ અન્ય પાંચ લોકોએ પણ ટુર્સમાં જવા કુલ રૂ.14,06,500 આરોપીને તેમની ઓફીસમાં આપેલ હતાં. તેમજ વિશ્વાસ આપેલ કે, તમોને તમામ 19 વ્યક્તીઓને ઉમરાહ કરાવીને પરત લાવીશું અને પેકેજ અમદાવાદ થી અમદાવાદનું રહેશે તેમ જણાવેલ હતું.
તેમજ તા.04/01/2025 નાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોડામાં મોડુ સાંજે છ વાગ્યા સુધીમાં પહોંચી જઈ રાત્રે બાર વાગ્યે અમદાવાદથી જેદાહ સુધીની ફલાઇટ છે જ્યાં અમદાવાદ એરપોર્ટ પર અમારી ટીમ હાજર હશે
બાદ ગઈ તા.04 નાં રોજ ફરીયાદી પરીવારજનોને લઇ અમદાવાદ એરપોર્ટ પર સાંજના છએક વાગ્યે પહોંચેલ અને બંને સંચાલકો ફિરોઝ અને અફઝલને ફોન કરતા બંનેના ફોન બંધ આવેલ હતાં. બંને પાસે એક માસ પહેલા તમામ પરીવારજનોના અસલી પાસપોર્ટ ભગવતીપરામાં આવેલ તેની ઓફીસમાં જમા કરાવેલ હતા. જેથી અમદાવાદ એરપોર્ટ ટર્મીનલ-02 પર પહોંચતા સાથે આવેલ ટુર્સમાં આવવાવાળા તમામ લોકોના ફોન આવેલ અને જણાવેલ કે, રીઝવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળાએ આપણી સાથે ફ્રોડ કરી છેતરપીંડી કરી છે.
તેમજ ફરિયાદીએ તેમના અને પરીવારજનોના અસલ પાસપોર્ટ કયાં છે તે બાબતે ટુર્સમાં આવતા અન્ય માણસોને ફોનમાં પુછપરછ કરતા જાણવા મળેલ કે, બગોદરા હાઇવે ઉપર આવેલ અંબર હોટેલ પર એક ઇનોવા કાર પડેલી છે, જેની અંદર બીસ્મીલાબેન બેસેલ છે, જેઓની પાસે ટુર્સમાં આવતા તમામ માણસોના અસલ પાસપોર્ટ છે. જેથી તેઓ ત્યાં જતા અગાઉથી ટુર્સમાં આવતા અન્ય માણસો બીસ્મીલાબેન પાસે હાજર હોય જેમની પાસે પાસપોર્ટ તથા ટીકીટ બાબતે પુછતા કહેલ કે, મારી પાસે તમારા બધાના ફક્ત પાસપોર્ટ જ છે ફ્લાઇટની ટીકીટો અફઝલ અને ફિરોઝ પાસે છે અને તેઓ હાલ ક્યાં છે તેની મને ખબર નથી.
તેઓના ફોન બંધ આવે છે તેમજ આ બંનેએ મારી પાસે 60 વ્યક્તીનોનું બૂકિંગ કરાવેલ છે અને તેના પણ રૂપીયા ઓળવી ગયેલ છે, તેવી વાત બીસ્મીલાબેને જણાવેલ હતી. જે બાદ તેઓ પોતાના પરીવારને લઈ તથા બીજા માણસો પોતપોતાના ઘરે જતા રહેલ હતાં અને બાદમાં ફરીયાદ નોંધાવી હતી.
હજ અને ઉમરાહની પવિત્ર યાત્રાના નામે ભોગ બનેલા લોકો
હજ અને ઉમરાહની પવીત્ર યાત્રાના નામે રફીકભાઈ રહેમાન, તોફીકભાઈ શાહમદાર, આઝમભાઈ હારૂનભાઈ મંસુરી તથા અબ્દુલ રહીમ જીમંજી મારવીયા તથા ફુરકાન રહીમભાઈ બોરડીવાલા સહિત રાજ્યભરના 60 લોકો રઝવી ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ કરેલ છેતરપિંડીનો ભોગ બન્યાનું સામે આવ્યું છે.