New Delhi, તા.22
દેશભરના નાનામોટા શહેરોમાં ભારે ટ્રાફિક સમસ્યા હળવી કે દૂર કરવાના પ્રયાસરૂપે કાયદામાં વધુને વધુ સુધારા કરવાનો સિલસિલો સરકારે જારી રાખ્યો હોય તેમ વધુ એક કડક જોગવાઇનો ઉમેરો કર્યો છે જે અંતર્ગત એક વર્ષમાં પાંચ વખત ટ્રાફિક ગુના-નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકનું લાયસન્સ સસ્પેન્ડ થઇ જશે. ત્રણ મહિના સુધી વાહન ચલાવવા પર પ્રતિબંધ રહેશે.
કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા મોટર વ્હીકલ કાયદામાં આ સુધારો કર્યો છે. નિયમોની ઐસીતૈસી કરીને વારંવાર કાયદાભંગ કરતા વાહન ચાલકો પર અંકુશ મુકવા આ કદમ ઉઠાવવામાં આવ્યું છે. વાહન સસ્પેન્ડ કરવા માટે આરટીઓને સત્તા આપવામાં આવી છે.
જો કે, નિયમ મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરતા વાહન ચાલકને સાંભળવા એક તક આપવાની રહેશે. વર્ષમાં પાંચ કે વધુ ટ્રાફિક ગુનામાં ત્રણ માસ લાયસન્સ સસ્પેન્ડ કરવાનો નિયમ જાન્યુઆરીથી જ લાગૂ થઇ ગયાનું નોટીફીકેશનમાં કહેવાયું છે.
નોટીફીકેશનમાં એમ પણ કહેવાયું છે કે આગલા વર્ષે એક પણ ટ્રાફિક ગુનો ન કરાયો હોય તો તેને પણ લાયસન્સ સસ્પેન્ડ કરવાના નિર્ણય વખતે ધ્યાને લેવાશે. અત્યાર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા કાયદામાં જુદી-જુદી 24 જોગવાઇ હતી તેમાં વાહનચોરી, ચાલક પર હુમલો-અપહરણ, ઓવર સ્પીડે વાહન ચલાવવા, ઓવરલોર્ડિંગ, જાહેર સ્થળે વાહન રેઢા મુકી દેવા જેવા કૃત્યોમાં જોગવાઇ હતી.
હવે નવી સુધારા જોગવાઇમાં વર્ષમાં પાંચ ટ્રાફિક ગુના નોંધાય તો લાયસન્સ સસ્પેન્શનની જોગવાઇનો ઉમેરો થયો છે. હેલ્મેટ ન પહેરવા, સીટ બેલ્ટ ન બાંધવો, રેડ લાઇટ જમ્પ વગેરે નિયમભંગ પણ આ શ્રેણીમાં ગણાશે.
કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ કાયદામાં દાખલ કરેલા આ સુધારાના માર્ગ સુરક્ષા નિષ્ણાંતોમાં મીશ્ર પ્રત્યાઘાતો છે. દિલ્હીના ભૂતપૂર્વ ટ્રાન્સપોર્ટ કમીશ્નર અનિલ છીકારાએ કહ્યું કે નવો નિયમ સાચી દિશાનો છે છતાં ખતરનાક ડ્રાઇવિંગ કે નિયમ ભંગ કરનારાને ખાસ અટકાવતા નથી. ટ્રાફિક વિશે કોઇ નિશ્ચિત એસઓપી ન હોવાથી ટ્રાફિક ચલણને મોટી માત્રામાં અદાલતમાં પડકારાય છે.
પરિવહન મંત્રાલયના નોટીફિકેશનમાં ટ્રાફિક ચલણ ઇસ્યુ કરવાથી માંડીને વસુલાતની પ્રક્રિયા પણ દર્શાવવામાં આવી છે. સરકારે નિયુક્ત કરેલા પોલીસ જવાનો ચલણ ઇસ્યુ કરી શકે છે. નિયમભંગ કરનારા વાહન ચાલકોએ 45 દિવસમાં દંડ ભરવા અથવા અદાલતમાં પડકારવાની મુદ્ત છે. અન્યથા ટ્રાફિક ગુનો મંજુર હોવાનું માની લેવાશે.
લાયસન્સ સસ્પેન્શન પ્રક્રિયા
* ટ્રાફિક ભંગના પાંચ કેસ થયા બાદ તંત્ર દ્વારા વાહનચાલકને સસ્પેન્શન નોટીસ ફટકારાશે.
* ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરતા પૂર્વે તંત્ર દ્વારા ખુલાસાની તક અપાશે.
* વાહન ચાલકના ખુલાસાથી સંતોષ થાય તો લાયસન્સ સસ્પેન્ડ નહીં કરાય.
* ખુલાસાથી તંત્ર સંયુક્ત ન થાય અને પુરાવાના આધારે ત્રણ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ થશે.

