Gandhinagar,તા.30
ગુજરાત હાઈકોર્ટે ગાંધીનગર સાયબર સેલના પોલીસ અધિકારીઓ અને જાણીતા લોક ગાયક કીર્તિદાન ગઢવી સામે ગંભીર આક્ષેપોને ધ્યાનમાં લઈને કડક વલણ અપનાવ્યું છે.
અરજદાર જયેશ નારણભાઈ પરમારે કરેલી સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશનના સંદર્ભમાં હાઈકોર્ટે સાયબર સેલના પી.આઈ. બી.એમ. ચૌધરી, પી.એસ.આઈ. પરમાર અને એસ.પી. રાજદીપસિંહ ઝાલા સહિત અન્ય ભાગીદારો અને કલાકાર કીર્તિદાન ગઢવીને નોટિસ ફટકારી છે. આ સાથે જ કોર્ટે સંબંધિત પોલીસ સ્ટેશનના 20 અને 21 ફેબ્રુઆરી 2026ના સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવા અને તેને કબજે કરવાનો મહત્વનો આદેશ આપ્યો છે.
આ સમગ્ર મામલાની વિગતો મુજબ, અરજદાર જયેશ પરમારે આક્ષેપ કર્યો છે કે 20 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 10 વાગ્યાથી મોડી રાતના 2 વાગ્યા સુધી તેમને કોઈ પણ પ્રકારના સમન્સ, વોરંટ કે નોટિસ વગર ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવ્યા હતા.
નાગરિક ડ્રેસમાં આવેલા લોકોએ તેમને પકડીને ગાંધીનગર સાયબર સેલ ખાતે ગોંધી રાખ્યા હતા અને ત્યાં હાજર અધિકારીઓએ કાયદો હાથમાં લઈને તેમને ઢોર માર માર્યો હતો.
અરજદારનો દાવો છે કે કલાકાર કીર્તિદાન ગઢવી અને તેમના ભાગીદારો સાથેના નાણાકીય વિવાદમાં મધ્યસ્થી બનીને પોલીસે આ અત્યાચાર ગુજાર્યો હતો.
અરજીમાં જણાવ્યા અનુસાર, આ વિવાદ નવરાત્રીના ગરબા આયોજનના હિસાબોને લગતો એક સિવિલ અને વ્યાપારી પ્રકૃતિનો મામલો હતો.
તેમ છતાં, ગાંધીનગર સાયબર સેલ દ્વારા પોતાની હદ બહાર જઈને અને કાયદાકીય પ્રક્રિયાનું ઉલ્લંઘન કરીને જયેશ પરમારને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
જયેશ પરમારે કોર્ટ સમક્ષ પોતાની ઈજાઓના ફોટા અને હોસ્પિટલના દસ્તાવેજો પણ રજૂ કર્યા છે. હાઈકોર્ટે આ બાબતને ગંભીરતાથી લઈને હવે આગામી 17 જૂન 2026 સુધીમાં તમામ સામાવાળાઓ પાસેથી ખુલાસો માંગ્યો છે.

