આ શો ચતુરાનાં ચિત્તનો ચાળો રે.. એ રચનામાં નરસિંહનાં મતે ચતુરાનો સંદર્ભ શું છે?
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. એકવીસમી સદીનાં માનવીની સૌથી કોઈ મોટી ઉપલબ્ધિ હોય તો, એ બૌદ્ધિકતા છે! છેલ્લાં થોડા વર્ષ પાછળ નજર કરીએ તો, વિજ્ઞાનની ત્રણે ત્રણ શાખાઓ એટલે કે રાસાયણિક, ભૌતિક, અને જૈવિક ક્ષેત્રે કેટલીય શોધ થઈ અને માનવીનું જીવન વલણ દિવસે દિવસે એશોઆરામ તરફ ઢળતું જાય છે! આમાં કોઈ ત્રૂટિ કાઢવાની વાત નથી! પણ એશોઆરામની ચાહ માનવીને અનૈતિક બનાવી રહી છે! તે તરફ માનવી આંખ આડા કાન કરતો જાય છે, અને એ રીતે પરિવાર, જ્ઞાતિ, સમાજ, દેશ અને વિશ્વ અશાંતિનું ધામ બનતું જાય છે! જે પૃથ્વીને કવિઓએ સ્વર્ગ બતાવી વર્ણન કર્યું હતું, એનું એણે નિકંદન કાઢી નાખ્યું! એમ કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી. આજે ગુરુવાર એટલે પ્રાર્થનાનો ક્રમ તો નરસિંહની આવી જ એક રચના.
નરસિંહ મહેતા
આ શો ચતુરાનાં ચિત્તનો ચાળો રે, એને કોઈ નિહાળો રે.
કવિ અહીં સૂક્ષ્મ અર્થને સાથે રાખીને કહે છે કે ચતુરા એટલે કે બુદ્ધિની ચતુરાઈને કારણે એણે ઈશ્વરે જે ઘડ્યું હતું એ પોતાનું સ્વરૂપ બદલી નાખ્યું એને તું જો! પણ હકીકતમાં પોતે જ્યારે કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગોપી બની ગોકુળ જાય છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને કહે છે કે તું મને નિહાળ, એટલે કે મારી સામે જો.
બ્રહ્માએ નથી ઘડી ભામિની, એ તો આપે બનીને આવી રે,
ત્રણ લોકમાં નહીં રે તારુણી, આવડું રૂપ ક્યાંથી લાવી રે?
ત્રણે લોકમાં આવી પ્રખર ભક્તિ શક્તિનો મુકાબલો કોઈ કરી શકે એમ નથી! અને અધધધ એનું રુપ સ્વરૂપ છે! બ્રહ્મા એ ઘડેલું આ માનવીય રુપ નથી! એ તો પોતાની ખુદની ચતુરાઈથી બનીને આવી છે. ભક્તિ સંદર્ભ લઈએ તો ભગવાન અને ભક્ત વચ્ચે પછી લીંગ ભેદ પણ નથી રહેતો, એટલે નરસિંહને બ્રહ્માએ તો જન્મે નર બનાવ્યાં હતાં, એટલે કે નર હોવા છતાં ગોપી એટલે કે એક નારી બનીને ગોકુળ આવ્યાં છે. નરસિંહ ભગત ભગવાનને કહે છે કે, તને ત્રણે લોકમાં મારાં જેવો કોઈ ભક્ત નહીં મળે! અથવા ગોકુળની છોડ, ક્યાંય તને મારા જેવી તરુણા એટલે કે નવ યૌવના જોવા નહીં મળે એવું મારું રુપ છે!
દર્શન કરતાં દુઃખડા ભાજે, સ્પર્શે પાતક જાયે રે,
એ નારીની જાતને જાણે તેને આવામન નહીં થાય રે.
જેનું દર્શન કરવાથી દુઃખ ભાગી જાય છે, અને સ્પર્શ કરવાથી પાપનો નાશ થાય છે! ભક્તિની પરાકાષ્ઠા વાળા ભક્તના એટલે કે સાધુ ચરિત સંતના દર્શનથી આપણા દુઃખ ભાંગે છે, અને એમની કૃપા કે આશીર્વાદથી પાપનો નાશ થાય છે!: ભક્તિ રુપી નારીના સ્વરૂપને જાણી લે છે, એનું પછી જન્મ મૃત્યુનું આવવું જવું બંધ થાય છે, એટલે મુક્તિને પામે છે.
ઘડ્યું ઘરેણું એને રે હાથે, હાથે ભરી છે ચોળી રે,
સાળિડે ભાત નારી કુંજરની, કસુંબાના રંગમાં બોળી રે.
ભક્તિ રુપી નારીએ પોતાના શણગારના સાધનોને જાતે બનાવ્યા છે! એટલે કે સાધના કે તપથી કિર્તી અપાવે એવું જીવન તરાસ્યુ છે. ભક્ત ભગવાનનાં મિલન માટે એણે જાતે સાળુ એટલે કે લગ્ન સમયે પહેરવાનું કન્યાના વસ્ત્રમાં કુંજર એટલે કે હાથીની ભાત પાડી છે, અને કસુંબી રંગ એટલે કે મસ્તીના રંગમાં બોળી છે.
એને ગાને ગુણી ગાંધ્રવ મોહ્યાં, તાંડવ નૃત્યને જાણે રે,
જળની ઝારી જુગતે ઝાલી, મારા મંદિરિયામાં માણે રે.
ભક્તિ રુપી નારીનું ગાન સાંભળીને ગંધર્વ મોહ્યાં અને તાંડવ નૃત્ય જાણનાર ભગવાન શંકર પણ મોહિત થયા! જળની ઝારી એટલે કે ભગવાન પર ભક્ત પ્રેમની ધારા કરે છે, અને જગત રુપે જે જગદીશ છે, એને પોતાના મંદિરિયામાં ભક્તનાં ભાવ ઝીલતા જોઈ ધન્યતા અનુભવે છે.
કહીએ છીએ પણ કહ્યું ન માને, એ નારી નહીં ગિરિધારી રે,
બ્રહ્મા ઈન્દ્ર શેષ શારદા એના ચરણ તણા અધિકારી રે.
આત્મા પરમાત્માનાં મિલનની એટલે કે સાક્ષાત્કારની ઘડીએ ભક્ત પોતાનાં અસ્તિત્વને ભગવાનમાં જુવે છે, અને કહે છે એ નારી નથી,એ જ ગિરધારી છે! બ્રહ્મા ઈન્દ્ર શેષનાગ અને વિદ્યાની દેવી મા શારદા એનાં ચરણનાં અધિકારી છે.
વાસ કરે વૃન્દાવન માંહે, હમણા ગોકુળથી આવે રે,
નરસૈયાના સ્વામીને જોજો, એ તો નયણામાં ને જણાવે રે.
વૃન્દાવનમાં વાસ કરે ! એટલે કે ગોકુળમાં રહેતો હોવા છતાં જ્યાં રાધા રુપે ભક્તિ છે, ત્યાં જ એટલે કે વૃંદાવનમાં એનો વાસ છે! નરસિંહના સ્વામીનાં દર્શન કરીએ તો એની આંખોમાં આવો ભક્ત પ્રત્યેનો ઉત્કૃષ્ટ ભાવ છે, એવું એ જણાવે છે.
નરસિંહ મહેતાને આદિકવિ ઉપરાંત ભક્ત નરસિંહ એ રીતે પણ ઓળખવામાં આવે છે, અને એમની એક એક રચના આપણને વેદ વેદાંતનું જ્ઞાન કે ભક્તિનો મર્મ સમજાવે છે. આ રચનાની વાત કરીએ તો આપણે જોયું એમ ભક્તિનો નિખાર ધીરેધીરે સાક્ષાત્કાર સુધી પહોંચે છે. પરંતુ હજી કંઈક અધૂરું છે! એવું મને લાગે છે! આ ઉપરાંત નરસિંહની રચનામાં કોઈને કોઈ ગૂઢ સંકેત છુપાયેલ હોય છે, તો આ રચનાનું કોઈ મુખ્ય સૂત્રધાર હોય તો એ ચતુરા છે. તો ચતુરા શબ્દનો પ્રયોગ કરીને નરસિંહ કહે છે કે ચતુરધા મુક્તિની ઈચ્છાના ત્યાગ વગર ભક્તિ ફળતી નથી, એટલે કે આન્તર ભક્તિ, અર્થાર્થિ ભક્તિ, જીજ્ઞાસુ ભક્તિ અને જ્ઞાની ભક્તિ, આ ચારેય પ્રકારે ભક્તિ કરીને પણ મુક્તિ ન માંગે, અથવા તો બુદ્ધિનું ચતુરા સ્વરૂપ એટલે કે ચતુરાઈ જે એક ચંચળ નારીનું કામ કરે છે, એને છોડ્યા વગર ભક્તિ ફળતી નથી! હજી આનાથી પણ સુક્ષ્મ દર્શન ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ એ ચારેયનું આચરણ કરે, પણ ફળની આશા રાખે નહીં! કે પછી બાલ્યાવસ્થા, યુવાવસ્થા પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા આ ચારેય અવસ્થામાં ભગવાનની માયાનો મર્મ સમજી ભક્તિ કરે. ચતુરાનો એક અર્થ માનવ શરીરના અંગોનું વિભાજન ચાર દિશા પ્રમાણે કરી, અને જ્યારે પ્રત્યેક અંગની શક્તિ ભક્તિથી પ્રેરાઈને હરિ ગુણ ગાય ત્યારે ભગવાને પણ ભક્તનાં હ્રદય રુપી વૃન્દાવનમાં વાસ કરવો જ પડે છે. આમ સ્વેચ્છાએ કે પ્રેમનાં અનુબંધથી સ્વામીએ દાસનું દાસત્વ સ્વીકારવું પડે છે. પણ આપણે રહ્યાં સંસારી એટલે વિષય ભોગી જીવ માટે જ વિચારવું પડશે. ભગવત્ ગીતા મુજબ વિષ્ણુનું ખુદનું એક રુપ માયા છે, અને એ રીતે જોઈએ તો, વિષ્ણુનાં ચતુરા સ્વરૂપ રુપી નારી એટલે કે માયા ના ચાળાથી કોઈ બચ્યું નથી! અને આમ જુવો તો માયાની જ આ બલિહારી છે કે, માનવી ખુદનાં જન્મનું કારણ ભૂલતો જાય છે. નરસિંહની રચના જન્મોજન્મના આવરણ દૂર કરીએ તોય એના અર્થ ન ખૂટે એવી અભેદ હોય છે, અને એનો સાર સ્વયં નરસિંહ કે એનાં સ્વામીની કૃપા વગર સમજી શકાતો નથી. તો માનવીય જીવનને ઉત્કૃષ્ટ બનાવવા એની રચનાનાં મૂળ સારને એટલે માયામાં ફસાયા વગર એની ભક્તિ રુપી નારી બની આપણાં હ્રદય કુંજ ને વૃંદાવન બનાવીએ કે જેથી કરીને રાધાનો નટખટ નંદલાલ ગિરધારી એમાં વાસ કરે, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. તો સૌને મારા આજના દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

