Gandhinagar,તા.20
ગુજરાત રાજ્યના વહીવટી અને ઈમરજન્સી કામકાજ માટે ઉપયોગમાં લેવાતા સરકારી વિમાનો અને હેલિકોપ્ટરના નિભાવણી ખર્ચની વિગતો વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા પોતાના હસ્તકના ઉડ્ડયન કાફલાને કાર્યરત રાખવા માટે દર વર્ષે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે.
તાજેતરમાં વિધાનસભા સત્ર દરમિયાન એક પ્રશ્નના લેખિત જવાબમાં આ અંગેનો સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે સરકાર પોતાના એરક્રાફ્ટની સુરક્ષા અને સર્વિસિંગ પાછળ મોટો ખર્ચ કરી રહી છે.
વિધાનસભમાં ધારાસભ્ય અમૃતજી મોતીજી ઠાકોર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રી હર્ષ સંઘવીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બર 2025 સુધીમાં સરકારી વિમાનો અને હેલિકોપ્ટરોના સંચાલન, જાળવણી, રિપેરિંગ અને સર્વિસિંગ પાછળ કુલ રૂ।.29.84 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ આંકડો ચાલુ નાણાકીય વર્ષના અંત પહેલાનો છે, જે સૂચવે છે કે વર્ષના અંત સુધીમાં આ રકમમાં હજુ પણ વધારો થઈ શકે છે.
રાજ્યના સરકાર દ્વારા વર્ષ 2025-26ના અંદાજપત્રમાં ઉડ્ડયન વિભાગ માટે કુલ 37.96 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આ બજેટનો મુખ્ય હેતુ રાજ્યના અધિકૃત વિમાનો અને હેલિકોપ્ટરોની ઓપરેશનલ જરૂરિયાતો પૂરી કરવાનો છે.
અત્યાર સુધી થયેલો રૂ।.29.84 કરોડનો ખર્ચ આ ફાળવેલા બજેટનો એક મોટો હિસ્સો છે. આ ભંડોળનો ઉપયોગ માત્ર ઈંધણ જ નહીં, પરંતુ ટેકનિકલ ખામીઓ સુધારવા અને નિયમિત મેન્ટેનન્સ માટે પણ કરવામાં આવે છે.

