Gandhinagar તા.20
ગુજરાત સરકારના ઉદ્યોગ અને MSME વિભાગ દ્વારા રાજ્યના લાભાર્થીઓને ઝડપી અને પારદર્શક રીતે નાણાકીય સહાય પહોંચાડવાના ઉમદા હેતુથી આજે સાંજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ આયોજિત આ સિંગલ ક્લિક પેમેન્ટ પ્રોગ્રામમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સિંગલ ક્લિકથી કુલ 2048 લાભાર્થીઓના બેંક ખાતામાં રૂ।. 461.04 કરોડની માતબર રકમ સીધી જમા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત ઉદ્યોગ વિભાગની વિવિધ પ્રોત્સાહક યોજનાઓનો વ્યાપક લાભ આપવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે MSME ક્ષેત્રની વિવિધ યોજનાઓ હેઠળ 1715 લાભાર્થીઓને રૂ. 80.96 કરોડની સહાય ચુકવવામાં આવી છે.
આ ઉપરાંત, રાજ્યના મહત્વના ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા 202 લાભાર્થીઓને રૂ. 184.97 કરોડ અને લાર્જ ઇન્ડસ્ટ્રીઝ (મોટા ઉદ્યોગો)ના 126 લાભાર્થીઓને રૂ. 188.77 કરોડની સહાય ઈ-પેમેન્ટ મારફતે ત્વરિત પૂરી પાડવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય સહાય ચુકવણીની પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ, સરળ અને ટેક્નોલોજી આધારિત બનાવવાનો છે. આ પ્રકારના ડિજિટલ અભિગમથી લાભાર્થીઓને સમયસર અને વચેટિયાઓ વગર પારદર્શક રીતે સહાય પ્રાપ્ત થઈ રહ્યો છે.
ગુજરાત સરકાર રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ, રોકાણ પ્રોત્સાહન અને રોજગારીના સર્જન માટે સતત પ્રયત્નશીલ છે, અને આ `સિંગલ ક્લિક’ પ્રક્રિયા તે દિશામાં એક મજબૂત કદમ સાબિત થઈ છે.

