કેટલાક તોફાનીઓએ પોલીસ પર પણ હુમલો કર્યો અને એક પોલીસ વાહનને આગ ચાંપી દીધી પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે હવામાં ગોળીબાર પણ કર્યો હતો
Nepal,તા.૨૧
ભારતના પાડોશી દેશ નેપાળમાં એક ગંભીર સમુદાયિક અથડામણની ઘટના સામે આવી છે. મધેસી પ્રદેશના રૌતહાટ જિલ્લોમાં આવેલા ગૌર નગરપાલિકાના સાનગઢ ગામમાં બે સમુદાયો વચ્ચે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું. આ ઘટનામાં તોફાનીઓએ પોલીસના વાહનને આગ ચાંપી દીધી, પથ્થરમારો કર્યો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું.
મળતી માહિતી અનુસાર, ગુરુવારે રાત્રે એક હિન્દુ લગ્નનું સરઘસ મોટા અવાજે ડીજે વગાડતું મસ્જિદ પાસેથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે મસ્જિદમાં રાત્રિની નમાજ ચાલી રહી હતી. સંગીતના મોટા અવાજને લઈને એક સમુદાયે ડીજે બંધ કરવાની માંગ કરી, જેને કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલ શરૂ થઈ. શરૂઆતમાં મૌખિક ઝઘડો હતો, પરંતુ થોડા જ સમયમાં સ્થિતિ બગડી ગઈ અને પથ્થરમારો શરૂ થયો.
ઝઘડો વધતા બંને પક્ષોના લોકો રસ્તા પર આવી ગયા. રાત્રે શરૂ થયેલો વિવાદ શુક્રવારે સવારે ફરી ભડકી ઉઠ્યો. અહેવાલો મુજબ, પથ્થરમારા સાથે સાથે કેટલાક તોફાનીઓએ પોલીસ પર પણ હુમલો કર્યો અને એક પોલીસ વાહનને આગ ચાંપી દીધી. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે હવામાં ગોળીબાર પણ કર્યો હતો.
સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે હિંસા માત્ર સાનગઢ ગામ સુધી સીમિત રહી નથી, પરંતુ તેની અસર આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળી છે. કેટલાક સ્થળોએ તોડફોડ અને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચારના બનાવો નોંધાયા છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.
પરિસ્થિતિ ગંભીર બનતા રૌતહાટ જિલ્લા વહીવટીતંત્રએ તાત્કાલિક પગલાં લીધા. મુખ્ય જિલ્લા અધિકારીએ ગૌર નગરપાલિકાના સંવેદનશીલ વિસ્તારોમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ જાહેર કર્યો છે.
આ કર્ફ્યુ હેઠળ પાંચથી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ સરઘસ, રેલીઓ, ધરણાં, પ્રદર્શન અને ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી છે. વિસ્તારમાં વધારાની પોલીસ દળો તૈનાત કરવામાં આવી છે અને સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. અધિકારીઓએ લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે. વહીવટીતંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે કર્ફ્યુના આદેશનો ભંગ કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

