New Delhi, તા.23
ભારતીય વાયુસેનાનુ સ્વદેશી લડાયક વિમાન ‘તેજસ’ તાજેતરમાં એક દુર્ઘટનામાં રનવે પરથી ઉતરી જતાં તેને મોટું નુકસાન થયું છે, જેને પગલે વાયુસેનાએ સાવચેતીના ભાગરૂપે મહત્ત્વના પગલાં લીધા છે.
ભારતીય વાયુસેનાનું એક તેજસ લડાયક વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, 7 ફેબ્રુઆરીના રોજ એક તાલીમ ઉડાન ભરીને પરત ફરી રહેલું આ વિમાન શંકાસ્પદ બે્રક ફેલ થવાને કારણે રનવે પરથી આગળ નીકળી ગયું હતું.આ ઘટનામાં વિમાનના માળખાને ભારે નુકસાન પહોંચ્યું છે, જોકે રાહતની વાત એ છે કે પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા હતા. આ અંગે વાયુસેના દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
આ દુર્ઘટના બાદ ભારતીય વાયુસેનાએ કડક વલણ અપનાવ્યું છે. વ્યાપક ટેકનિકલ તપાસ હાથ ધરવા માટે લગભગ 30 ‘સિંગલ-સીટ’ તેજસ જેટ વિમાનોના આખા કાફલાને હાલ પૂરતું ઉડાન ભરતા અટકાવી દેવામાં આવ્યું છે.તેજસ વિમાન સાથે જોડાયેલી આ ત્રીજી મોટી દુર્ઘટના છે. અગાઉ માર્ચ 2024માં જેસલમેર પાસે અને નવેમ્બર 2025માં દુબઈ એરશો દરમિયાન પણ તેજસ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

