New Delhi,તા.7
મધ્યપુર્વમાં સર્જાયેલ ભીષણ યુદ્ધના કારણે ભારતીય અર્થતંત્ર અને ખાસ કરીને ભારતીય રૂપિયો સૌથી વધુ ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યું છે. આયાત મોંઘી થઈ રહી છે અને નિકાસ ઘટી રહી છે જેના કારણે રૂપિયો ગગડતા રિઝર્વ બેંક માટે રૂપિયાને વધુ નીચે જતા બચાવવા આ સપ્તાહમાં જ અંદાજે 12 અબજ ડોલર માર્કેટમાં નાંખવા પડયા છે જેના કારણે ડોલર સામે રૂપિયો ટકી રહે તે જોવા આરબીઆઈ માંગે છે.
સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ આ રકમ રૂા.9 બિલિયન ડોલરથી 15 બિલિયન ડોલર વચ્ચેની હોઈ શકે છે. રિઝર્વ બેન્ક કરન્સી માર્કેટમાં ડોલર નાંખીને રૂપિયાને ટકાવી રાખવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. મધ્યપુર્વના યુદ્ધને આઠ દિવસ જેવો સમય થઈ ગયો છે અને હજુ યુદ્ધના અંતનો કોઈ સંકેત નથી. ભારતના વિદેશી હુંડીયામણ રિઝર્વમાં રૂા.723 બિલિયન ડોલર જમા છે.
જેના કારણે આરબીઆઈને હાલ કોઈ ચિંતા નથી. પરંતુ આયાત ખર્ચ વધવા લાગશે તો આરબીઆઈ માટે પણ રૂપિયાને ચુકાવવો મુશ્કેલ બનશે. ગુરુવારે આરબીઆઈએ રૂપિયાને પ્રતિ ડોલર 92ની સપાટીથી વધુ તૂટે નહી તે માટે સૌથી વધુ મહેનત કરવી પડી હતી અને તેના કારણે રૂપિયો થોડો ઘણો મજબૂત થયો હતો પરંતુ તે કેટલો સમય ટકી રહેશે તે સૌથી મોટો પ્રશ્ન છે.

