New Delhi,તા.18
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં જ ભાવુકતા સાથે કહ્યું કે, તેઓ આજે દેશની માતાઓ, બહેનો અને દીકરીઓ સાથે સીધી વાત કરવા આવ્યા છે. તેમણે જણાવ્યું કે સમગ્ર દેશ જોઈ રહ્યો છે કે કેવી રીતે ભારતની નારી શક્તિની ઉડાન રોકવા માટે વિપક્ષે તેમના સપનાઓને કચડી નાખ્યા છે. સરકારના અથાક પ્રયાસો છતાં જરૂરી મતોના અભાવે આ સુધારો થઈ શક્યો નથી. વડાપ્રધાને પીડા વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે સંસદમાં આ પ્રસ્તાવ નિષ્ફળ ગયો, ત્યારે કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી અને સપા જેવી પાર્ટીઓના સાંસદો ટેબલ થપથપાવીને તાળીઓ વગાડી રહ્યા હતા. આ દ્રશ્ય દેશની કરોડો મહિલાઓ માટે અત્યંત આઘાતજનક હતું.
પીએમ મોદીએ કોંગ્રેસના કાર્યકારી સિદ્ધાંતો પર પ્રહાર કરતા કહ્યું કે, ‘લટકાવવું અને અટકાવવું’ એ કોંગ્રેસની કાર્યસંસ્કૃતિ રહી છે. જે પણ નિર્ણય દેશના હિતમાં હોય તેને કોંગ્રેસ હંમેશા કાર્પેટ નીચે દબાવી દે છે. વડાપ્રધાને દાવો કર્યો કે કોંગ્રેસે દરેક મોટા સુધારાનો વિરોધ કર્યો છે – પછી તે જનધન યોજના હોય, આધાર હોય, ડિજિટલ પેમેન્ટ હોય, જીએસટી હોય કે પછી આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય હોય. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ હવે યુનિફોર્મ સિવિલ કોડ અને ‘વન નેશન વન ઇલેક્શન’ જેવા સુધારાઓમાં પણ અવરોધ ઊભો કરી રહી છે. રીફોર્મનું નામ સાંભળતા જ કોંગ્રેસ વિરોધના મોડમાં આવી જાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં મહિલા અનામત બિલ લોકસભામાં પડી જવા બદલ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોની આકરી ટીકા કરી છે. 131માં બંધારણીય સુધારા માટે જરૂરી બે-તૃતીયાંશ બહુમતી ન મળતા આ બિલ પસાર થઈ શક્યું નથી. પીએમ મોદીએ આરોપ લગાવ્યો છે કે પરિવારવાદી પાર્ટીઓએ મહિલાઓના અધિકારો છીનવીને સંસદમાં જે રીતે ઉજવણી કરી છે, તે દેશની નારી શક્તિનું અપમાન છે. તેમણે દેશની માતાઓ અને બહેનોની માફી માંગતા વિશ્વાસ અપાવ્યો કે સરકાર આ દિશામાં પ્રયાસો ચાલુ રાખશે.
પોતાના સંબોધનના અંતિમ ચરણમાં પીએમ મોદીએ ખૂબ જ ગંભીર ચેતવણી આપતા કહ્યું કે, ‘નારી બધું ભૂલી શકે છે, પણ પોતાનું અપમાન ક્યારેય ભૂલતી નથી.’ સંસદમાં વિપક્ષી નેતાઓનું વર્તન દરેક નારીના મનમાં હંમેશા ખટકતું રહેશે. વડાપ્રધાને દેશની મહિલાઓની ક્ષમા યાચના કરતા કહ્યું કે, સરકાર માટે દેશહિત સર્વોપરી છે, પરંતુ જ્યારે કેટલાક લોકો માટે દળહિત દેશહિત કરતા મોટું થઈ જાય છે ત્યારે દેશને નુકસાન થાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશની જનતા અને ખાસ કરીને મહિલાઓ આ અપમાનનો જવાબ લોકશાહી ઢબે ચોક્કસ આપશે.

