America,તા.11
અમેરિકા તથા ઈઝરાયેલના ઈરાન પરના સંયુક્ત હુમલામાં હવે ક્રુડઓઈલના પરિવહન માટે મહત્વના હોર્મુઝના જળક્ષેત્રમાં ઈરાને સમુદ્રી સુરંગ બીછાવવાનું શરૂ કરતા જ અમેરિકી યુદ્ધ જહાજોએ હવે નહી ઈરાનના નૌકાદળ પર પ્રહાર કર્યો છે.
એક વાયરલ વિડીયોમાં હોર્મુઝ જળમાર્ગ પર સમુદ્રી સુરંગ બીછાવી રહેલા ઈરાની નૌકાદળના જહાજને ઉડાવી દેવામાં આવ્યું હતું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે મને એ જણાવતા ખુશી થાય છે કે છેલ્લા કેટલાક કલાકોમાં સમુદ્રી સુરંગ બીછાવતા ઈરાનના 10 જહાજોને ઉડાવી દીધા છે અને હજું પણ આ પ્રકારના હુમલા ચાલુ રહેશે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ પણ જાહેર કર્યુ છે.
અત્યાર સુધીમાં આ પ્રકારે 16 ઈરાની જહાજોને ઉડાવી દેવાયા છે. જેમાં તેઓએ એક વિડીયો પોસ્ટ કરતા અલગ અલગ જહાજો સામે અમેરિકી યુદ્ધ જહાજમાંથી છોડાતા મિસાઈલથી પળવારમાં આ જહાજોને નષ્ટ થતા દર્શાવાયા છે. ઈરાને અગાઉ જ હોર્મુઝ જળમાર્ગને તમામ વ્યાપારી જહાજો માટે બંધ કરવાની જાહેરાત કરી અહીથી તેલનું એક ટીપુ પણ પસાર થવા દેવાશે નહી તેવી ધમકી આપી છે.
તો અમેરિકાએ આ જળમાર્ગ બંધ થવા દેવાશે નહી તેવું જાહેર કરી અહી નૌકાદળને તૈનાત કર્યુ છે. અમેરિકાએ જાહેર કર્યુ કે જો ઈરાન આ જળમાર્ગ બંધ કરશે તો તેને કદી ન જોઈ હોય તેવી નુકશાની સહન કરવી પડશે.
બીજી તરફ ગલ્ફમાં ઈરાનના હુમલા ચાલુ જ રહ્યા છે. બહેરીનમાં હવાઈ હુમલાના સાયરન અને મિસાઈલ-ડ્રોન હુમલાના વિસ્ફોટના અવાજો સતત સંભળાતા રહ્યા છે અને અમેરિકી રક્ષા વિભાગે જાહેર કર્યુ છે કે યુદ્ધમાં તેના આઠ સૈનિક માર્યા ગયા છે. 140 ઘવાયા છે. ઈરાને હવે ઈઝરાયેલને પણ નિશાન બનાવવાનું શરૂ કરી મલ્ટી વોર હેડ મિસાઈલ ઈઝરાયેલના અનેક શહેરો પર છોડી હતી તો કુવૈત પર પણ ઈરાની હુમલા ચાલુ છે.
તો ઈરાને હવે પ્રથમ વખત આ યુદ્ધમાં કલ્સ્ટર બોમ્બનો હુમલો શરૂ કર્યો છે જે હવામાંજ ફાટી એક સાથે સેંકડો નાના બોમ્બથી જમીન પર ખુવારી વધી જાય છે અને તે પ્રતિબંધીત ગણાય છે. જો કે હજું હોર્મુઝ જળમાર્ગ બંધ હાલતમાં છે અને સેંકડો જહાજો પરત આવ્યા છે.
ઈરાને ઈરાકની રાજયની બગદાદમાં પણ અમેરિકા મથકોને નિશાન બનાવાયા છે. સાઉદી અરેબીયાએ દાવો કર્યો છે કે તેણે ઈરાનના અનેક ડ્રોનને હવામાંજ તોડી પાડયા છે. બીજી તરફ ઈઝરાયેલે લેબનોનમાં હુમલા ચાલુ રાખી ખૈરૂતમાં ઈરાની દૂતાવાસને નિશાન બનાવ્યુ છે.

