Morbi, તા.19
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકાનસર ગામે રહેતા યુવાને અન્ય વ્યક્તિ ઉપર થોડા સમય પહેલા પોલીસ ફરિયાદ કરી હતી.જે બાબતનું મનદુ:ખ રાખીને યુવાનને આંતરિ ધમકી આપી જાતિ પ્રત્યે હડધુત કરીને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો.જે અંગે ફરિયાદ નોંધાવાતા તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
જોકે અગાઉ પોલીસ ફરિયાદ થઇ હોય અને છતાં પણ હુમલો કરવાની હિંમત થાય તો આ બાબત પોલીસની ઓસરથી જતી ધાકની ચાડી ખાય છે. જે ખરેખર ચિંતાનો વિષય છે.
તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા અમૃતભાઈ પ્રવીણભાઈ શેખવા (38) નામના યુવાને મકનસર ગામના જ ભરત રાજપુત અને ભીખો રાજપુત એમ બે લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. થોડા સમય પહેલા તેમણે સામેવાળાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરેલી હતી.જે બાબતનું મનદુ:ખ રાખીને બંનેએ એકસંપ કરીને ધમકી આપી જાતિ પ્રત્યે હડધુત કરવામાં આવ્યા હતા. અને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો.
હાલ અમૃતભાઈ શેખવાની ફરિયાદ આધારે ઉપરોક્ત બંને સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જેની આગળની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી વી.બી.દલવાડી ચલાવી રહ્યા છે.
આધેડ રાજકોટ ખસેડાયા
મોરબીના નવલખી રોળ યમુનાનગર વિસ્તારમાં રહેતા દિલીપભાઈ અમૃતલાલ ગોહેલ નામના સત્તાવન વર્ષના આધેડનું મોટરસાયકલ સ્લીપ થયું હતું જેથી ઇજા પામતા વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે. જ્યારે જાંબુડીયા ગામે આવેલ નીલકંઠ સેનેટરી પાસે રહેતા બબનભાઇ ગોવિંદભાઈ પરમાર નામના 56 વર્ષના આધેડને જોધપર ગામના પુલ નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં ઈજા થઈ હોય સામેકાંઠે શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
વાહન અકસ્માત
ટીંબડી ગામના પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા થતાં રોહિતભાઈ સવજીભાઈ ડાભી (20) રહે.લક્ષ્મીનગરને અત્રે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને મોરબીના લાલપર ગામે સાઇકલમાંથી પડી જતા દીક્ષા મનીષભાઈ પટેલિયા નામની છ વર્ષની બાળકીને પણ ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવી હતી.જ્યારે માળિયા(મિં.)ના સરવડ ગામ પાસે બાઈક સ્લીપ થવાના અકસ્માત બનવામાં નારણભાઈ મગનભાઈ દેગામા (44) રહે.આમરણને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

