Morbi , તા.19
મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકના વતની અને હાલ મોરબી જિલ્લાના લાલપર ગામ નજીક રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીરવયની દીકરીનું અજાણ્યા ઇસમ દ્વારા અપહરણ કરવામાં આવેલ છે.
જેથી સગીરાના પિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ દ્વારા અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સગીરાની ભાળ મેળવવા તથા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.આ અંગેની આગળની તપાસ તાલુકા પીએસઆઇ એચ.આર.જાડેજા ચલાવી રહ્યા છે.
બાળકી સારવારમાં
ટંકારા ખાતે આવેલ રાધે પોલીપેક નજીક રહીને મજૂરી કામ કરતા પરિવારની રીયુ તિલકપ્રસાદ નામની બે માસની બાળકી મોટર સાયકલમાંથી પડી ગયેલ હોય ઇજા પામતા વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી છે. જ્યારે પાવડીયારી નજીક આવેલ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા સુમિત્રાબેન ગારીડાભાઈ નામની 25 વર્ષની મહિલા સિંદુર પી જતા તેને સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યારે બાઇક સ્લીપ થવાના બનાવમાં માધવ માનસંગભાઈ સનોડા નામના ચાર વર્ષના બાળકને ઇજા થતાં તેને પણ સારવાર માટે અત્રેની આયુષમાં લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માત
રફાળેશ્ર્વર પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજા થવાથી ઠાકરશીભાઈ રમેશભાઈ ટીડાણી (18) રહે.ત્રાજપરને અને રાજપર ગામે મારામારીના બનાવમાં ઈજા થતા સીમાબેન મુકેશભાઈ બદ્રકિયા નામના 48 વર્ષીય મહિલાને ઈજા થયેલ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તાલુકા પોલીસના એમ.પી.ઝાલા દ્વારા તપાસ કરવામાં આવી હતી.
મારામારીમાં ઇજા
મોરબીના પાવડીયાની નજીક કારખાના પાસે મારામારીના બનાવમાં ઈજા થતાં જતીનભાઇ હરિશ્ચંદ્રભાઇ યાદવ નામના 45 વર્ષના યુવાનને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રવાપર ગામે ધોળીધાર વિસ્તાર પાસે મારામારીના બનાવમાં ઇજા પામતા દિપક દેવકરણભાઈ પાટડીયા (26) રહે.ઘુનડા સારવાર માટે સિવિલ ખસેડાયો છે. મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે રહીને ત્યાં જ મજૂરી કામ કરતા સુભાષ રામનાથભાઈ નામના ત્રીસ વર્ષના યુવાનને યાર્ડ ખાતે મારામારીના બનાવમાં ઈજા થતાં તેને પણ સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.તેમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.
