Haryana,તા,03
હરિયાણાની 90 વિધાનસભા સીટો માટે 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે. ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપ-કોંગ્રેસ, જેજેપી, આઈએનએલડી સહિત તમામ રાજકીય પક્ષોએ પૂરા પ્રયાસો કર્યા. આ વિધાનસભા ચૂંટણીમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટર વીરેન્દ્ર સેહવાગ પણ પ્રચાર કરવા બુધવારે તોશામ પહોંચ્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અનિરુદ્ધ ચૌધરી માટે મત માંગ્યા હતા.
અનિરુદ્ધ ચૌધરીના પિતાએ મને ખૂબ સપોર્ટ કર્યોઃ સેહવાગ
મીડિયા સાથે વાત કરતા સેહવાગે કહ્યું હતું કે, ‘મારો આમની સાથે ખુબ જ જૂનો સંબંધ છે. હું અનિરુધ ચૌધરીને મારા મોટા ભાઈ માનું છું. તેમના પિતા રણબીર સિંહ મહેન્દ્ર BCCIના અધ્યક્ષ હતા. અનિરુદ્ધ ચૌધરીના પિતાએ મને ખૂબ સપોર્ટ કર્યો હતો. એ સમતે મને વાઈઝ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તો અમારા આ એટલા સમયથી સંબંધ ત્યારથી છે.’
સેહવાગે વધુમાં કહ્યું હતું કે, ‘અનિરુધ ચૌધરીજી માટે આજે સૌથી મહત્ત્વપૂર્ણ દિવસ છે અને મને લાગે છે મારા આવવાથી તેમને થોડી મદદ મળી રહેશે. હું અહીં મારી ફરજ નિભાવવા અહીં આવ્યો છું, અમારી ત્યાં એવું હોય છે કે મોટા ભાઈ કોઈ કામ કરે છે તો ત્યારે બધા ભેગા થઈને તેમની મદદ કરે છે. હું તોશામના લોકોને અનિરુદ્ધ ચૌધરીને જીતાડવાની અપીલ કરું છું.’
સેહવાગના પ્રચારની શું અસર થશે, તે તો 5 ઓક્ટોબરે જ ખબર પડશે
ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરેલા અનિરુદ્ધ ચૌધરીને વિશ્વાસ છે કે તોશામના લોકો તેમને સપોર્ટ કરશે. જો કે હવે 5 ઓક્ટોબરે જ ખબર પડશે કે વીરેન્દ્ર સેહવાગના પ્રચારથી અનિરુદ્ધ ચૌધરીને કેટલો ફાયદો થાય છે.