Ahmedabad,તા.૬
ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ બે શક્તિશાળી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ૭ થી ૧૨ એપ્રિલ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ખાસ કરીને આવતીકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ,રાજ્યમાં બે-બે સિસ્ટમ સક્રિય થતા આગામી ૨૪ કલાક ભારે આ વરસાદ માત્ર હળવો નહીં પણ આંધિ-તોફાન અને વીજળીના કડાકા-ભડાકા સાથે આવશે. પવનની ગતિ ૪૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. આ ગંભીર સ્થિતિને જોતા માછીમારોને આગામી ૨ દિવસ સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં નીચેના જિલ્લાઓનો સમાવેશ થાય છેઃ ઉત્તર ગુજરાતઃ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા , અરવલ્લી મધ્ય અને પૂર્વ ગુજરાતઃ મહીસાગર, પંચમહાલ,દાહોદ, વડોદરા,છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતઃ ભરૂચ,નર્મદા સૌરાષ્ટ્ર અને કચ્છઃ સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ
વરસાદી માહોલ વચ્ચે પણ ગરમીનો પારો યથાવત જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં ૩૬.૩ ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં ૩૫ ડિગ્રી અને ગાંધીનગરમાં ૩૪.૫ ડિગ્રી તાપમાન રહ્યું છે. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

