New Delhi,તા.09
એપ્રિલ મહિના સામાન્ય રીતે ગરમી પડતી હોય છે પણ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને પંજાબ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં પર્વતો પર હિમવર્ષા અને સતત વરસાદ પડી રહ્યો છે. ભારે પવન અને વરસાદને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો થયો છે, જેના કારણે ગરમીથી થોડી રાહત મળી છે.
હવામાન વિભાગે ગુરુવારે પણ ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં વરસાદ, તોફાન અને કરા પડવાની ચેતવણી જારી કરી છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆના નાથટોપમાં હિમવર્ષા થઈ હતી. હિમકોટી નજીક પથ્થરો પડવાના કારણે અર્ધકુમારીથી ભવન સુધીની વૈષ્ણોદેવી યાત્રા થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.
બે દિવસ બંધ રહ્યા બાદ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાંજે 6 વાગ્યે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હિમાચલમાં એપ્રિલમાં પણ શિયાળા જેવું વાતાવરણ જોવા મળ્યું. શિકારી દેવી, રોહતાંગ ટનલમાં બરફવર્ષા થઈ હતી.
ઉત્તરાખંડના બદ્રીનાથથી ઔલી સુધી બરફની ચાદર છવાઈ ગઈ છે. કેદારનાથમાં પણ હિમવર્ષા ચાલુ છે. ગંગોત્રી અને યમુનોત્રી મંદિરો પણ બરફથી ઢંકાઈ ગયા છે. આના કારણે યાત્રાની તૈયારીઓ અટકી ગઈ છે. નીચલા વિસ્તારોમાં સતત વરસાદના કારણે એપ્રિલ મહિનાને જાન્યુઆરી જેવો અનુભવ થઈ રહ્યો છે.
દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, ઝારખંડ અને મધ્ય પ્રદેશ માટે વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આવા ભારે પવન વૃક્ષો અને વીજળીના તારોને નુકસાન પહોંચાડી શકે છે.

