Israeli તા.9
ગઇકાલે ઇરાન-અમેરિકા વચ્ચે યુધ્ધ વિરામ થયા પછી ઇઝરાયેલે લેબેનોન પર હવાઇ હુમલા ચાલુ રાખ્યા છે, જેમાં 250થી વધુ લોકોના મોત થયા હતા. આ હુમલામાં બૈરુતમાં હુમલા દરમિયાન હિઝબુલ્લા નેતા નઇમ કાસિમનો ભત્રીજો અને સેક્રેટરી હર્ષી ઠાર મરાયો હતો.
ઇઝરાયેલની સેનાએ ગુરુવારે દાવો કર્યો હતો કે ગઇકાલે બૈરુતના તલ્લેત ખયાત વિસ્તારમાં હિઝબુલ્લાના ગઉ દાહિયેહની બહાર અલી યુસુફ હર્ષીને નિશાન બનાવવામાં આવ્યો હતો. ફૂટેજમાં દેખાડવામાં આવ્યું હતું કે આ હુમલામાં એક બહુમાળી ઇમારત આંશિક રીતે ધસી ગઇ હતી.
આઇડીએફનું કહેવું છે કે, હર્ષી હિઝબુલ્લાના મહાસચિવ નઇમ કાસિમનો નજીકનો સહયોગી, ભત્રીજો અને અંગત સલાહકાર હતો. તેણે નઇમની ઓફિસ અને તેની સુરક્ષાના મેનેજમેન્ટમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
દરમિયાન આઇડીએફનું કહેવું છે કે તેણે રાતના સમયે લિટાની નદીના બે મુખ્ય રસ્તા પર હુમલો કર્યો હતો જેનો ઉપયોગ હિઝબુલ્લા દક્ષિણી લેબેનોનમાં હજારો હથિયાર, રોકેટ અને લોન્ચર પહોંચાડવા માટે કરતું હતું.
આ ઉપરાંત સેનાએ જણાવ્યું કે દક્ષિણી લેબેનોનમાં લગભગ 10 હથિયારોના ગોદામ, રોકેટ લોન્ચર અને હિઝબુલ્લાના મુખ્યાલયો પર પણ હુમલા કર્યા હતા

