Rajkot,તા.૧૧
સંબંધો જ્યારે વેરઝેરમાં બદલાઈ જાય ત્યારે તેનું પરિણામ કેટલું ભયાનક હોઈ શકે તેનું કરુણ ઉદાહરણ રાજકોટ જિલ્લાના Jasdan તાલુકાના મેઘપર ગામની સીમમાં સામે આવ્યું છે. પારિવારિક અદાવતમાં સગા મામાએ જ પોતાના ૧૩ વર્ષીય ભાણેજ પર પથ્થર વડે હુમલો કરતા તેનું મોત નીપજ્યું છે. માતા-પિતાની નજર સામે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. પોલીસે આરોપી મામાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Jasdan તાલુકાના મોટા દડવા ગામના રહેવાસી ભનાભાઈ કરસનભાઈ સોલંકી પોતાની પત્ની હંસાબેન અને ૧૩ વર્ષીય પુત્ર નરેન્દ્ર સાથે નાની પુત્રી માટે છોકરો જોવા ગોંડલ તાલુકાના કસવાળા ગામે ગયા હતા. પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે મેઘપર ગામની સીમમાં હંસાબેનના ભાઈ અને નરેન્દ્રના મામા અરવિંદભાઈ અરજણભાઈ માથુકિયાએ તેમનો રસ્તો રોક્યો હતો.
બંને પક્ષ વચ્ચે જૂના પારિવારિક મુદ્દાને લઈને ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી થોડા જ સમયમાં ઝઘડામાં ફેરવાઈ ગઈ અને આરોપી અરવિંદભાઈએ પથ્થર વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન પથ્થર સીધો નરેન્દ્રના માથામાં વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઘટનાના મૂળ લાંબા સમયથી ચાલતો પારિવારિક વિવાદ જવાબદાર હતો. હંસાબેનની મોટી પુત્રીના લગ્ન તેમના ભાઈ અરવિંદભાઈના પુત્ર સાથે થયા હતા. જોકે દાંપત્ય જીવનમાં મતભેદોને કારણે યુવતી છેલ્લા કેટલાક સમયથી પિયરમાં રહેતી હતી. આ મુદ્દે ભાઈ-બહેન વચ્ચે વારંવાર વિવાદ થતો હતો. તે જ અદાવત મનમાં રાખીને આરોપીએ પરિવારનો રસ્તો રોકી ઝઘડો શરૂ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
હુમલા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે, રાજકોટ એલસીબી અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે ઝડપી કાર્યવાહી હાથ ધરી બાબરામાંથી આરોપી અરવિંદ અરજણ નાથાસુરિયાની ધરપકડ કરી લીધી છે. આટકોટ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. એક પારિવારિક વિવાદ, વર્ષોથી ચાલતી અદાવત અને તેનો ભોગ બન્યો માત્ર ૧૩ વર્ષનો નિર્દોષ કિશોર.

