New Delhi,તા.10
જો આપ ચારધામની યાત્રા પર ઉતરાખંડ આવી રહ્યા છો તો આ જાણકારી યાત્રીઓ માટે જરૂરી છે. આ વખતે રાજય સરકારે ચારધામ યાત્રીઓ માટે 17 એપ્રિલથી 69 ઓફલાઈન રજીસ્ટ્રેશન કાઉન્ટરની વ્યવસ્થા કરી છે.
હરિદ્વાર સ્થિત ઋષિકુલ મેદાનમાં 20, ઋષિકેશના ચારધામ ટ્રાન્ઝીટ કેન્દ્ર અને યાત્રા બસ સ્ટેશને 34 કાઉન્ટર બનાવ્યા છે. તેમાંથી ચાર કાઉન્ટર શ્રી હેમકુંડ ગુરુદ્વારામાં સંચાલીત કરવામાં આવશે. વિકાસનગરના નવા ગામમાં આઠ અને હર્બટપુરમાં 7 કાઉન્સ યાત્રીઓની સુવિધા માટે સ્થાપિત કરવામાં આવ્યા છે.
વડીલો માટે મોબાઈલ વાન
વડીલોને લાંબો સમય લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. સરકાર બુઝુર્ગ અને આશ્રમ ધર્મશાળામાં રોકાયેલા તીર્થયાત્રીઓ માટે 30 મોબાઈલ વાન ટીમ પણ ઋષિકેશમાં તૈનાત કરાઈ રહી છે. આ ટીમ યાત્રીઓ પાસે જઈને તેમના મોબાઈલથી રજીસ્ટ્રેશન કરશે.
યાત્રીઓ માટે તા.17 એપ્રિલે સવારે 5 વાગ્યાથી રજીસ્ટ્રેશન કાઉન્ટર ખોલી દેવામાં આવશે. ખૂબજ ભીડમાં કાઉન્ટરો પર 24 કલાક રજીસ્ટ્રેશનની સુવિધા પણ સરકારે કરી છે.
આ હશે વિકલ્પ
ચારધામ યાત્રાના ઓફલાઈન રજીસ્ટ્રેશન માટે આધારકાર્ડની જરૂરત રહેશે. જો આધારકાર્ડ ન હોય તો ડ્રાઈવિંગ લાઈસન્સ, મતદાતા ઓળખપત્ર કે પરિવારના કોઈ સભ્યના ઓળખપત્ર પરથી રજીસ્ટ્રેશન કરવામાં આવશે.
રજીસ્ટ્રેશન થવા પર યાત્રીને એક કાર્ડ આપવામાં આવશે જેને સ્કેન કરવાથી યાત્રીઓનો પુરો રેકોર્ડ રજીસ્ટ્રેશન એજન્સીની વેબસાઈટ પર ઉપલબ્ધ થશે. વિદેશી યાત્રીઓનું રજીસ્ટ્રેશન પાસપોર્ટથી થશે. જયારે ચારધામની યાત્રા માટે વયની કોઈ સીમા નથી રખાઈ.
સોશિયલ મીડીયા પર સાઈબર ઠગો સક્રીય, સતર્ક રહો
ચારધામ યાત્રા 19 એપ્રિલથી શરૂ થશે. યાત્રા શરૂ થતા પહેલા સેંકડો સાઈબર ઠગો સક્રીય થઈ ગયા છે. આ ઠગો ચારધામ યાત્રાની હેલી ટિકીટ બુકીંગ, પુરી યાત્રાના પેકેજના નામે સોશિયલ મીડીયામાં જાળ પાથરી રહ્યા છે. આ ઠગોથી સતર્ક રહેવાની સૂચના અપાઈ છે. આ સાઈબર ઠગો સામે એસટીએફ, જિલ્લાના સાઈબર અપરાધ પોલીસ સ્ટેશને મોરચો પણ ખોલી દીધો છે.

