Tehran, તા.10
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે ભયાનક યુધ્ધમાં 40માં દિવસે યુધ્ધ વિરામ થયો હતો અને આજથી પાકિસ્તાનમાં શાંતિ વાર્તા શરૂ થવાની જાહેરાત કરવામાં આવી હતી તે પૂર્વે ઇરાન આડુ ફાટ્યું હોય તેમ લેબેનોન પર ઇઝરાયેલના હુમલા ન અટકે ત્યાં સુધી શાંતિ વાર્તા સ્થગિત જ રહેશે. વાટાઘાટો માટે ઇરાની પ્રતિનિધિ મંડળ ઇસ્લામાબાદ પહોંચી ગયું હોવાની વાતને પણ નકારી કાઢવામાં આવી છે.
અમેરિકા-ઇરાન વચ્ચે શાંતિ વાટાઘાટ પૂર્વે મડાગાંઠ રહી હોય તેમ આજે ઇરાનની સરકારી સમાચાર એજન્સીએ જાહેર કર્યું છે કે ઇરાનનું પ્રતિનિધિ મંડળ વાટાઘાટો માટે પાકિસ્તાન પહોંચ્યાની વાત ખોટી છે.
અમેરિકા લેબેનોનમાં યુધ્ધ વિરામ સંબંધીત પોતાની પ્રતિબધ્ધતાનું પાલન ન કરે અને ઇઝરાયેલ હુમલા ન અટકાવે ત્યાં સુધી શાંતિ વાટાઘાટો આગળ નહીં વધે. આ સંજોગોમાં પાકિસ્તાનમાં આજથી શરૂ થનારી શાંતિ મંત્રણા મુદ્ે સસ્પેન્શ રહ્યું છે. અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ બેઠકમાં સામેલ થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.
ઇરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીને ટાંકીને સરકારી સમાચાર એજન્સીના રીપોર્ટમાં એમ કહેવાયું છે કે ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ લેબેનોન યુધ્ધમાં સીઝ ફાયરનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે એ સંજોગોમાં તેમને જેલ ભેગુ થવું પડે તેમ છે.
અરાઘચીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે નેતન્યાહુ સામે અપરાધિક કેસ થોડા દિવસોમાં જ શરુ થવાનો છે. સમગ્ર ક્ષેત્રમાં યુધ્ધ વિરામ થવાના સંજોગોમાં તેમને જેલભેગુ થવાની પ્રક્રિયા તેજ થઇ શકે છે.
અમેરિકા સાથેના યુધ્ધ વિરામમાં લેબેનોન પરનું યુધ્ધ અટકાવવાની પણ શરત મુકવામાં આવી હતી છતાં ઇઝરાયેલે છેલ્લા બે દિવસમાં ભયાનક હુમલા કરીને 250થી વધુ લોકોના જીવ લીધા છે. આ સંજોગોમાં વાટાઘાટો મુશ્કેલ છે.

