મેં જ સૃષ્ટિના આદિમાં સૂર્યને ઉપદેશ દીધો હતો અને તે જ ઉપદેશ હું તને આજે દઇ રહ્યો છું-આ સાંભળી અર્જુનમાં સ્વાભાવિક એવી જીજ્ઞાસા જાગ્રત થાય છે કે જે અત્યારે મારી સામે બેઠા છે એ ભગવાન શ્રીકૃષ્ણે સૃષ્ટિના આરંભમાં સૂર્યનો ઉપદેશ કેવી રીતે દીધો હતો? આથી એને સારી રીતે સમજવા માટે અર્જુન આગળના શ્ર્લોક(૪/૪)માં ભગવાનને પ્રશ્ન કરે છે કે..
અર્જુન ઉવાચ
અપરં ભવતો જન્મ પરં જન્મ વિવસ્વતઃ
કથમેતદ્વિજાનીયાં ત્વમાદૌ પ્રોક્તવાનિતિ
(ભવતઃ-આપનો, જન્મ-જન્મ તો, અપરમ્-અર્વાચીન-હાલનો છે જ્યારે, વિવસ્વતઃ-સૂર્યનો, જન્મ-જન્મ તો, પરમ્-ઘણો પહેલાંનો છે તેથી, ત્વમ્-તમે જ, આદૌ-કલ્પના આરંભે સૂર્યને, એતત્-આ યોગ, પ્રોક્તવાન્-કહ્યો હતો, ઇતિ-એ વાત હું, કથમ્-કેમ, વિજાનીયાંમ્-સમજું?)
આપનો જન્મ તો અર્વાચીન-હાલનો છે જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાંનો છે તેથી તમે જ કલ્પના આરંભે સૂર્યને આ યોગ કહ્યો હતો એ વાત હું કેમ સમજું?
અપરં ભવતો જન્મ પરં જન્મ વિવસ્વતઃ આપનો જન્મ તો અત્યારે કેટલાક વર્ષો પહેલાં શ્રીવાસુદેવજી ને ઘેર થયો છે પરંતુ સૂર્યનો જન્મ સૃષ્ટિના આરંભમાં થયો હતો.આથી આપે સૂર્યને કર્મયોગ કેવી રીતે કહ્યો હતો? અર્જુનના આ પ્રશ્નમાં તર્ક કે આક્ષેપ નથી પરંતુ જીજ્ઞાસા છે.તેઓ ભગવાનના જન્મ-સબંધી રહસ્યને સુગમતાપૂર્વક સમજવાની દ્રષ્ટિએ જ પ્રશ્ન કરે છે કેમકે પોતાના જન્મ-સબંધી રહસ્ય પ્રગટ કરવામાં ભગવાન જ સર્વથા સમર્થ છે.
કથમેતદ્વિજાનીયાં ત્વમાદૌ પ્રોક્તવાનિતિ-હું આપને સૃષ્ટિના આદિમાં ઉપદેશ દેવાવાળા કેવી રીતે જાણું? અર્જુનના પ્રશ્નનું તાત્પર્ય એ છે કે સૂર્યને ઉપદેશ દીધા પછીથી સૂર્યવંશની(મનુ-ઇક્ષ્વાકુ વગેરે) કેટલીય પેઢીઓ વીતી ચુકી છે અને આપનો અવતાર અત્યારનો છે,આથી આપે સૃષ્ટિના આદિમાં સૂર્યને ઉપદેશ કેવી રીતે દીધો હતો?-આ વાત હું સારી રીતે સમજવા ઇચ્છું છું.સૂર્ય તો અત્યારે પણ છે એટલા માટે તેને અત્યારે પણ ઉપદેશ દઇ શકાય છે પરંતુ આપે સૂર્યને ઉપદેશ દીધા પછી સૂર્યવંશની પરંપરાનું પણ વર્ણન કર્યું છે,જેનાથી એ સિદ્ધ થાય છે કે આપે સૂર્યને ઉપદેશ અત્યારે તો આપ્યો નથી,તો આપે સૂર્યને કલ્પના આદિમાં કેવી રીતે ઉપદેશ દીધો હતો?
શ્રીમદ ભગવદગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ માટેનો ‘અહમ્’ શબ્દ બે અર્થમાં આવે છે.કેટલીક વાર વર્તમાન હાજર શ્રીકૃષ્ણ માટે તો કેટલીક વાર પરબ્રહ્મ પરમાત્મા માટે આવે છે.‘અહં પરબ્રહ્મ પરમાત્મા’ ના અર્થમાં ‘મયા પ્રોક્તઃ’ છે.‘મયા-પરબ્રહ્મણા’ એવો ભાવ છે,પણ અર્જુન તો ‘મયા’ નો અર્થ ‘આ વર્તમાન શ્રી કૃષ્ણ દ્વારા’ એમ સમજ્યો છે.આ શ્રીકૃષ્ણ જ પરબ્રહ્મ પરમાત્મા છે તેવું હજું તેને સમજાતું નથી,તેથી તેનો પ્રશ્ન છે કે તમે તો હમણાં જ અસ્તિત્વ ધરાવો છો,જ્યારે વિવસ્વાન સૂર્ય તો કરોડો વર્ષો પૂર્વે થયો તો પછી તમે કેવી રીતે તેને યોગ સંભળાવી શકો?
અર્જુનના પ્રશ્નના જવાબમાં પોતાનું અવતાર-રહસ્ય પ્રગટ કરવા માટે ભગવાન પહેલાં પોતાની સર્વજ્ઞતાનું દિગ્દર્શન કરાવતાં આગળના શ્ર્લોક(૪/૫)માં ભગવાન કહે છે કે..
શ્રીભગવાન ઉવાચ
બહૂનિ મે વ્યતીતાનિ જન્માનિ તવ ચાર્જુન
તાન્યહં વેદ સર્વાણિ ન ત્વં વેત્થ પરંતપ
(પરંતપ-હે પરંતપ, અર્જુન-અર્જુન, મે-મારા, ચ-અને, તવ-તારા, બહૂનિ-ઘણા બધા, જન્માનિ-જન્મો, વ્યતીતાનિ-થઇ ચુક્યા છે, તાનિ-તે, સર્વાણિ-બધાને, અહમ્-હું, વેદ-જાણું છું પરંતુ, ત્વમ્-તૂં, ન-નથી, વેત્થ-જાણતો.)
હે પરંતપ અર્જુન મારા અને તારા ઘણા બધા જન્મો થઇ ચુક્યા છે તે બધાને હું જાણું છું પરંતુ તૂં નથી જાણતો.
ગીતા પુનર્જન્મ વાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.જે બાળકો જન્મતાં મરી ગયાં, પેટમાં જ મરી ગયાં તેનું કારણ શું? બધાંનો એક જ જવાબ હોય છે કે ‘ભગવાનની મરજી’ તો તે યોગ્ય ન કહેવાય.કર્મયોગી અને પુનર્જન્મવાદીઓ આવા ભેદોનો જવાબ આપે છે કે ‘તેમનાં તેવાં કર્મો હતાં.’ આ કર્મવાદમાં કાર્યકારણભાવ રહેલો છે.જો કે તેમાં પણ બે દોષો દેખાય છેઃજો બધું જ પૂર્વના કર્મોથી થતું હોય તો પુરૂષાર્થ ના માટે સ્થાન રહેતું નથી.કદાચ આ જ કારણસર આપણે બધું ભોગવી છૂટવાનો ઉપદેશ આપીએ છીએ,જેના કારણે પુરૂષાર્થવાદ મંદ પડે છે.કર્મવાદ એવો હોવો જોઇએ જે પ્રયત્નોને પ્રોત્સાહન આપે,પ્રયત્નોને મંદ ન પાડે.
એક બીજો મહત્વનો પ્રશ્ન એ થાય છે કે અર્જુનરૂપી જીવાત્માના તો ઘણા જન્મો થયા પણ શ્રીકૃષ્ણરૂપી પરમાત્માના પણ ઘણા જન્મો થયા તે શા માટે અને કેમ થયા? કારણ કે તેમને તો કર્મનાં ફળ ભોગવવાનાં ના હોય.પાછી પરમેશ્વરને ગીતા પણ અજન્મા માને છે.અજન્માનો જન્મ અને કર્મ વિનાનો જન્મ આ તત્વો મુંઝવણ ઉભી કરે છે.એ બધા મારા અને તારા જન્મોને હું જાણું છું,તૂં જાણતો નથી,તેથી તૂં શંકા કરે છે કે કરોડો વર્ષ પૂર્વ વિવસ્વાન સૂર્યના સમયમાં તમે ક્યાં હતા.ખરેખર તો ત્યારે પણ હું હતો કારણ કે હું પરબ્રહ્મ પરમાત્મા સદા કાળમાં અસ્તિત્વ ધરાવું છું.
ત્રીજા શ્ર્લોકમાં ભગવાને અર્જુનને પોતાનો ભક્ત અને પ્રિય સખા કહ્યો હતો એટલા માટે પાછળના શ્ર્લોકમાં અર્જુન પોતાના હ્રદયની વાત નિઃસંકોચ થઇને પુછે છે.અર્જુનમાં ભગવાનના જન્મ-રહસ્યને જાણવાની પ્રબળ જીજ્ઞાસા ઉત્પન્ન થઇ છે,એટલા માટે ભગવાન તેમની સમક્ષ મિત્રતાના નાતે પોતાના જન્મનું રહસ્ય પ્રગટ કરી દે છે.એ નિયમ છે કે શ્રોતાની પ્રબળ જીજ્ઞાસા થતાં વક્તા પોતાને છુપાવી રાખી શકતો નથી,એટલા માટે સંત-મહાત્માઓ પણ પોતાનામાં વિશેષ શ્રદ્ધા રાખવાવાળાઓની સમક્ષ પોતાની જાતને પ્રગટ કરી શકે છે.
બહૂનિ મે વ્યતીતાનિ જન્માનિ તવ ચાર્જુન-સમયે-સમયે મારા અને તારા ઘણા જ જન્મો થઇ ચુક્યા છે પરંતુ મારો જન્મ જુદા પ્રકારનો છે અને તારો એટલે કે જીવનો જન્મ જુદા પ્રકારનો છે,એટલે કે મારા અને તારા ઘણાયે જન્મો થયા છતાં પણ તે અલગ-અલગ પ્રકારના છે.હું અને તૂં તથા આ રાજા લોકો(જીવ) પહેલાં ન હતા અને પછી નહી રહે-એમ નથી.તાત્પર્ય એ છે કે ભગવાન અને તેમનો અંશ જીવાત્મા બંન્નેય અનાદિ અને નિત્ય છે.
તાન્યહં વેદ સર્વાણિ-સંસારમાં એવા ‘જાતિસ્મર’ જીવો પણ હોય છે જેમને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન હોય છે,એવા મહાપુરૂષો ‘યુગ્જાન યોગી’ કહેવાય છે,જેઓ સાધના કરીને સિદ્ધ બને છે.સાધનામાં અભ્યાસ કરતાં-કરતાં એમની વૃત્તિ એટલી તેજ થઇ જાય છે કે તેઓ જ્યાં વૃત્તિ જોડે છે ત્યાંનું જ્ઞાન એમને થઇ જાય છે,એવા યોગીઓ કોઇક સીમા સુધી જ પોતાના પુરાણા જન્મોને જાણી શકે છે,સઘળા જન્મોને નહી.આથી વિપરીત ભગવાન ‘યુક્ત યોગી’ કહેવાય છે,જે સાધના કર્યા વિના સ્વતઃસિદ્ધ અને નિત્ય યોગી છે.જન્મોને જાણવા માટે તેમણે વૃત્તિ છોડવી પડતી નથી,પરંતુ તેમનામાં પોતાના અને જીવોના પણ સઘળા જન્મોનું આપોઆપ સ્વાભાવિક જ્ઞાન સદાય રહેતું હોય છે.તેમના જ્ઞાનમાં ભૂત-ભવિષ્ય અને વર્તમાનનો ભેદ નથી પરંતુ તેમના અખંડ જ્ઞાનમાં સર્વ કંઇ સદા વર્તમાનમાં રહે છે કારણ કે ભગવાન સમસ્ત સ્થળ,કાળ,વસ્તુ, વ્યક્તિ,પરિસ્થિતિ વગેરેમાં પૂર્ણરૂપે વિદ્યમાન રહેતા હોવા છતાં પણ તેમનાથી સર્વથા ન્યારા રહે છે.
‘હું તે બધાને જાણું છું’-ભગવાનના આ વચનથી સાધકોને એક વિશેષ આનંદ થવો જોઇએ કે અમે ભગવાનની જાણકારીમાં છીએ,ભગવાન અમને નિરંતર નિહાળી રહ્યા છે,અમે ગમે તેવા કેમ ના હોઇએ પણ છીએ ભગવાનના જાણમાં..
ન ત્વં વેત્થ પરંતપ-જન્મોને ન જાણવામાં મૂળ કારણ છે-અંતઃકરણમાં નાશવાન પદાર્થોનું આકર્ષણ અને મહત્વ હોવું,એના કારણે મનુષ્યનું જ્ઞાન વિકસિત થતું નથી.અર્જુનના અંતઃકરણમાં નાશવાન પદાર્થોનું અને વ્યક્તિઓનું મહત્વ હતું એટલા માટે તેઓ કુટુંબીઓના મરવાના ભયથી યુદ્ધ નહી કરવાનું ઇચ્છતા હતા.અધ્યાય ૧/૩૩માં અર્જુને કહ્યું હતું કે જેમના માટે અમારી રાજ્ય,ભોગ અને સુખની ઇચ્છા છે તે જ આ કુટુંબીઓ પ્રાણોની અને ધનની આશા છોડીને યુ્દ્ધમાં ઉભા છે-આથી સિદ્ધ થાય છે કે અર્જુન રાજ્ય,ભોગ અને સુખ ઇચ્છતા હતા.આથી નાશવાન પદાર્થોની કામના હોવાના કારણે તેઓ પોતાના પૂર્વન્મોને જાણતા નહોતા.
મમતા-આસક્તિપૂર્વક પોતાના સુખભોગ અને આરામને માટે ધન વગેરે પદાર્થોનો સંગ્રહ કરવો તેને ‘પરિગ્રહ’ કહેવાય છે.પરિગ્રહનો સર્વથા ત્યાગ કરવો એટલે કે પોતાના સુખ,આરામ વગેરેને માટે કોઇપણ વસ્તુનો સંગ્રહ ન કરવો એ ‘અપરિગ્રહ’ કહેવાય.અપરિગ્રહની દ્રઢતા થતાં પૂર્વજન્મોનું જ્ઞાન થઇ જાય છે. ‘અપરિગ્રહસ્થૈર્યે જન્મકથન્તાસંબોધઃ’ (પાતંજલ યોગદર્શનઃ૨/૩૯) સંસારની ક્રિયા અને પદાર્થો સદૈવ પરીવર્તનશીલ અને અસત્ છે.આથી તેમાં અભાવ થવો એ નિશ્ચિત છે.અભાવરૂપી સંસાર સાથે સબંધ જોડવાના કારણે મનુષ્યને પોતાનામાં પણ અભાવ દેખાવા લાગી જાય છે.અભાવ દેખાવાના કારણે તેનામાં એવી કામના પેદા થઇ જાય છે કે મારા અભાવની તો પૂર્તિ થઇ જાય છે અને પછી નવું વધારે મળે.આ કામનાની પૂર્તિમાં જ તે દિવસ-રાત લાગેલો રહે છે,પરંતુ કામનાઓની પૂર્તિ થવાની નથી.કામનાઓના કારણે મનુષ્ય બેહોશ જેવો થઇ જાય છે.આથી એવા મનુષ્યને અનેક જન્મોનું જ્ઞાન તો દૂર રહ્યું,વર્તમાનમાં કર્તવ્યનું એટલે કે શું કરી રહ્યો છું અને શું કરવું જોઇએ તેનું જ્ઞાન થતું નથી.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

