Mumbai,તા.17
બ્લેક લાઈવલીએ પોતાના સોશિયલ મીડિયા પર થોડા દિવસ પહેલાં પોસ્ટ કરેલા સંદેશામાં ‘ઈટ એન્ડ્સ વિથ અસ’ના સેટ પરથી ઉદ્ભવેલી સમસ્યાઓ અને કાનૂની વિખવાદ વિશે વાત કરી છે. એ લખે છે, ‘હું સિસ્ટમને તેમજ પીડિતોને નુકસાન પહોંચાડનારા, એમને શરમજનક સ્થિતિમાં મુકનારા અને ચૂપ કરીને તેમને પછાડવાનો પ્રયાસ કરનારાઓને ઉઘાડા પાડવાનું બંધ નહીં કરું.’ થયું શું હતું? બ્લેક લાઈવલીએ ‘ઇટ એન્ડ્સ વિથ અસ’ નામની ફિલ્મમાં કામ કર્યું હતું. જસ્ટિન બાલ્ડોની આ ફિલ્મનો ડિરેક્ટર અને બ્લેક લાઇવલીનો કો-એક્ટર છે. બ્લેકે આક્ષેપો લગાવ્યા હતા કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન મારી ખૂબ સતામણી કરવામાં આવી હતી. જસ્ટિને કોર્ટ કેસ કરી નાખ્યો. ન્યુ યોર્કના ફેડરલ જજે બ્લેક લાઈવલીએ બાલ્ડોની અને તેની પ્રોડક્શન કંપની સામે કરેલા ૧૩માંથી દસ દાવા ફગાવી દીધા છે. રદ કરાયેલા દાવામાં સતામણીના આક્ષેપો સામેલ હોવાથી સમગ્ર કેસ સંકોચાઈ ગયો છે. છતાં ન્યાયાધીશે અમુક મહત્ત્વના મુદ્દા માન્ય કર્યા છે જેમાં કરારનું ઉલ્લંઘન અને પ્રોડક્શન કંપની સામે વળતરનો દાવો સામેલ છે. બ્લેક લાઈવલીએ સંયમિત આશાવાદ સાથે પ્રતિસાદ આપતા લખ્યું કે હું કોર્ટના ચુકાદાનો આદર કરું છું. કમસે કમ કાર્યવાહી દરમિયાન મને મારી સંપૂર્ણ વાત કહેવાની તક મળી છે. સમગ્ર ઘટનાક્રમ ડિસેમ્બર ૨૦૨૪નો છે, કે જ્યારે બ્લેક લાઈવલીએ પોતાના સહ-કલાકાર અને દિગ્દર્શક બાલ્ડોની સામે જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. લાઈવલીના શબ્દોમાં ‘મી-ટુ’નો પડઘો પડે છે. ના, કાનૂની કેસ પર પૂર્ણવિરામ મૂકાયું નથી. આવતા મહિને કાનૂની કાર્યવાહી આગળ વધવાની છે. અંતિમ સુનાવણીની તારીખ નજીક આવી રહી છે ત્યારે વિશ્વનું ધ્યાન તેના તરફ દોરાયું છે. તો શું થશે આ કેસનું? શું થશે બ્લેક લાઇવલી અને જસ્ટિન બાલ્ડોનીનું? લેટ્સ વેઇટ એન્ડ વોચ.

